ગુજરાતને ભાજપે પોતાના માટે અભેદ્ય શહેરી કિલ્લો બનાવી દીધું

PC: twitter.com

(દિલીપ પટેલ) ગુજરાત હવે ગ્રામ્ય ગુજરાત રહ્યું નથી. હવે શહેરી ગુજરાત કહેવું પડશે. કારણ કે 2024નું વર્ષ પુરું થતાં 15 મહાનગરો અને 250 નાના શહેરો સાથે શહેરી વસતી 18 હજાર ગામડા કરતાં વધી જશે. 2047 સુધીમાં શહેરી વસતી વધીને 75 ટકા થઈ શકે છે. ગામ કરતાં શહેર પાછળ ખર્ચ વધી રહ્યું છે.

સ્થાનિક સરકારો એવી, 8 મહા નગરપાલિકાઓનું રૂ. 38,405નું અંદાજપત્ર તૈયાર કર્યું છે. બીજી 7 નવી મહા નગરપાલિકાનું અંદાજીત અંદાજપત્ર 11600 કરોડ ગણવામાં આવે તો રૂ.50 હજાર કરોડ 15 મોટા શહેરોની પ્રજા પાસેથી વસૂલીને તેમની પાછળ ખર્ચ કરવામાં આવશે. 15 શહેરોની લગભગ 2 કરોડની વસતીનો અંદાજ છે.

આમ, દરેક શહેરી લોકો પાસેથી વર્ષે રૂ.25 હજાર એટલે કે દરેક વ્યક્તિ પાસેથી મહિને રૂ.2 હજાર લેવામાં આવશે. 5 સભ્યોનું એક કુટુંબ ગણવામાં આવે તો વર્ષે રૂ. 1 લાખથી સવા લાખ શહેરની સરકારને વેરા, ફી, દર પેટે ચૂકવશે.

અમદાવાદ

અમદાવાદ મહા નગરપાલિકાનું 2024-25નું રૂ.12262.83 કરોડનું બજેટ છે. મહેસૂલી ખર્ચમાં રૂ. 578.33 કરોડનો વધારો થયો છે. વેરાદરો યથાવત રાખવામાં આવ્યા છે. કારીગરોને જમીન નિશ્ચિત સમય મર્યાદા માટે આપવામાં આવશે. ગ્રામ શહેરી હાટ બનશે. 50 કરોડની રકમ ચોક્કસ સમય માટે ફાળવવામાં આવી છે.

ધાર્મિક બાબતો માટે રૂ. 45 કરોડની જોગવાઈ છે.

કાઠવાડામાં ગૌશાળા બાંધવામાં આવશે. ખોરાક લેબોરેટરી બનાવવામાં આવશે. Wi-Fi સુવિધા આપવા માટે રૂ.5 કરોડ છે. આઇટી મોનિટરિંગ માટે રૂ. 15 કરોડની રકમ ફાળવવામાં આવી છે. મિતાખળીમાં રૂ.50 કરોડના ટાવરનું અર્બન બિલ્ડીંગ બનાવવામાં આવશે. જેમાં શહેર પ્લાનિંગ અને બિલ્ડીંગ યુઝ પરમીશન સહિતની અન્ય કામગીરી એક જ જગ્યાએ થઈ શકે.

સુરત

સુરત મહા નગરપાલિકાનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ 8718 કરોડ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં કૅપિટલ બજેટ 4121 કરોડ છે.તેમજ કોઈ પણ પ્રકારનો વેરો ઝીંકાયો નથી. આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યૂ આવકનો લક્ષ્યાંક 5000 કરોડથી વધુનો રખાયો છે. જ્યારે નવા ઇન્કમ સ્ત્રોત વધારવા માટે 525 કરોડનું એસ્ટીમેટ મૂકાયું છે. રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.પહેલીવાર 8 હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બ્રિજના નિર્માણ માટે 165 કરોડ ફાળવાયા છે જ્યારે કતારગામમાં નવું ઓડિટોરિયમ બનાવાશે.

 વડોદરા

 વડોદરા મનપાનું 5327 કરોડનું ડ્રાફ્ટ બજેટ 2024-25નું રજૂ કર્યું હતું. 2500 કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચાશે. પોઈચા ફાજલપુર ખાતે 300 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે. નંદેસરી GIDCમાં 75 કરોડના ખર્ચે ટ્રીટેડ પાણી સપ્લાય પ્લાન્ટ બનશે. નેશનલ હાઈવેની સમાંતર 11 કરોડના ખર્ચે વરસાદી ગટર ચેનલ નંખાશે. માણેજામાં 150 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનશે. આ ઉપરાંત 7થી વધુ ફ્લાયઓવર અને ડભોઈ રોડથી પ્રતાપનગર તરફનો રસ્તો 62 કરોડના ખર્ચ નવો બનશે. પાર્કિંગની સમસ્યા ઉકેલવા અલકાપુરીમાં 10 કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ ઉભુ કરાશે. 

રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાનું રૂ. 2 હજાર 817 કરોડનું ડ્રાફ્ટ બજેટ છે. રૂ. 17 કરોડ 77 લાખના કરબોજ છે.કચરાનો ચાર્જ બેગણો કરી દેવાયો છે. પાણી વેરો 1500 રૂપિયાથી વધારી 1600 રૂપિયા કરવાનું સૂચન કરાયું છે.

લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી કરબોજા વગરનું બજેટ રજૂ કરે તેવી સંભાવના છે.  ચાર નવી વોર્ડ ઓફિસ બનાવાશે. 100 નવી  CNG અને 175 ઈલેક્ટ્રિક બસ ખરીદાશે. માલવિયા ફાટક પાસે અંડરબ્રિજ બનાવાશે. રૂ. 187 કરોડનો આજી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ રૂ. 1327 કરોડનું અંદાજપત્ર છે. વોટરવર્ક્સ, ડ્રેનેજ, બ્રિજ, સ્ટ્રીટ લાઈટ સહિતના કામો માટે 666.88 કરોડ છે. 3 કરોડના ખર્ચે એનિમલ હોસ્ટેલ, ડોગ શેલ્ટર બનાવાશે. મુખ્ય 4 સ્મશાનોમાં 50 લાખના ખર્ચે ગેસ સગડી બનાવાશે.100 જેટલી ઈ બસ માટે સ્ટેશન અને ચાર્જિંગ સ્ટેશન માટે 24 કરોડ ફાળવાયા. 60 કરોડના ખર્ચે 12થી 15 મેગાવોટનું સોલરપાર્ક બનાવાશે. ફાયર વાહનો માટે 11 કરોડ અને ફાયર સ્ટેશન માટે 10 કરોડ ખર્ચ કરાશે. તો 13.22 કરોડના ખર્ચે નાઈટ શેલ્ટર હોમ બનાવાશે. 6.60 કરોડના ખર્ચે આંગણવાડી બનાવવામાં આવશે.

ગાંધીનગર

ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું અંદાજપત્ર રૂ.1,259 છે. 598 કરોડ રૂપિયાની ખાધ રહેશે.દરેક વોર્ડમાં લાયબ્રેરી માટે બે કરોડ, જીમખાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પાંચ કરોડ, યોગ સ્ટુડિયો માટે ત્રણ કરોડ, નદી કિનારાના સ્થળોના વિકાસ માટે બે કરોડ, 18 ગામોના ચોક બનશે. કાઉન્સિલરોને રૂ.2 કરોડની ગ્રાન્ટમાં પણ વધારો કરાયો હતો.

જામનગર

જામનગર મહા નગરપાલિકાનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ રૂ 1368 કરોડ છે. કર-દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી.મિલકત વેરાની બાકી વસૂલાત માટે 100% વ્યાજ માફી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધન પર મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરી. સમર્પણ જંકશન સર્કલ પાસે રૂ. 65 કરોડ અને રૂ. 60 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે. સરકાર તેના માટે કુલ 1.5 કરોડ રૂપિયા ફાળવશે.

30 ટકા રોકાણ

મનપાઓને સરકાર તમામ નાણાં આપે છે, અથવા ઘણી યોજનાઓમાં 15 મનપાએ અનુદાનમાં 30 ટકા જ રકમ આપવી પડે છે.

સરકારનું ખર્ચ 2021-22 સુધી

2009થી 2021-22 સુધીના 12 વર્ષોમાં રાજ્ય સરકારે કુલ 44102 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે. હવે, રાજ્યના નગર અને મહાનગર માટે 2022-23ના માટે 5100 કરોડ રૂપિયા આપ્યા છે. 12 વર્ષમાં શહેરો માટે 49,202 કરોડ આપેલા છે. આમ માથાદીઠ 17 હજાર રૂપિયા ખર્ચ કર્યું છે. કુટુંબ દીઠ રૂપિયા 1 લાખ શહેરોમાં આપ્યા છે. સ્થાનિક સરકારે તેના બે ગણા વેરા ઉઘરાવીને ખર્ચ કર્યું છે. આમ દરેક કુટુંબ દીઠ સરકારે 3 લાખનું ખર્ચ કર્યું છે. 2024-25 સુધીમાં શહેરો પાછળ સરકારે 15 વર્ષમાં રૂ.75 હજાર કરોડનું ખર્ચ કર્યું છે.લગભગ 4 લાખ કરોડનું ખર્ચ 15 વર્ષમાં 250 શહેરો માટે કરાયું છે. 1.10 લાખ ખર્ચ વ્યક્તિ દીઠ અને શહેરી કુટુંબ દીઠ 6 લાખ ખર્ચ કરાયો હોવાનું અનુમાન મુકાય છે.

ભાજપને કોઈ હરાવી શકશે નહીં

ગુજરાતના 3 કરોડ લોકો 250 શહેરોમાં રહે છે. 2024 સુધીમાં ગુજરાતમાં 50 ટકાથી વધું વસતી શહેરમાં વસતી હશે. તેથી ગુજરાતમાંથી ભાજપને કોઈ હરાવી નહીં શકે, તેઓ લાંબો સમય સુધી ગુજરાતની સત્તા ભોગવશે.

શહેરી રાજકારણ

નવી 7 મહાનગરપાલિકા મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ બની ગઈ છે. તેની સાથે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર જામનગર મહાનગરપાલિકા છે.

અમદાવાદ મેટ્રો સિટી છે. અમદાવાદમાં જેટલાં શહેરી વિસ્તાર ભેળવતાં ગયા તેમ સત્તા ટકતી રહી હતી. સુરત, વડોદરા અને રાજકોટ શહેર મીલીયન સિટી તરીકે છે. જેની વસતી 10 લાખથી વધું છે.1થી 10 લાખ સુધીના 27 શહેરો છે. જેમાં 4 મહાનગર પાલિકા ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરનો સમાવેશ થાય છે. ઉપરાંત 23 નગરપાલિકાઓ મળીને તમામ 27 શહેરોમાં ભાજપનું રાજ છે.

34 શહેરો એવા છે કે જેની વસતી 50 હજારથી 1 લાખ સુધી છે. આ તમામ નગરપાલિકાઓ છે. જેમાં 90 ટકા પર ભાજપનો કબજો છે. 5 જિલ્લા મથક પણ નગરપાલિકા છે જેમાં રાજપીપળા, આહવા, વ્યારા, લુણાવાડા, મોડાસાનો તેમાં સમાવેશ થાય છે. ભાજપની સત્તા છે.

અન્યાય

ગુજરાતની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકા ભરૂચ બની શકે તેમ હતી. ભરૂચ અને અંકલેશ્વરને મહાનગરપાલિકા સરકારે ઈરાદાપૂર્વક બનાવી નથી. બન્ને શહેરને એક કરીને મહાનગરપાલિકા બની શકે તેમ છે. અહીં મોટા ઉદ્યોગો છે. તેથી જંગી આવક મળી શકે તેમ છે. અમદાવાદ અને સુરત કરતાં પણ માથાદીઠ વધારે આવક ભરૂચ મહાનગરપાલિકા મેળવી શકે કેમ છે. છતાં સરકારે ઉદ્યોગોને મદદ કરવા માટે તેમ કર્યું નથી.

ગામડાની પ્રજાને શહેરમાં લઈ જવાઈ

ભાજપ ગુજરાતમાં સત્તા પર આવ્યો ત્યારે 500 લોકો રહેતાં હોય એવા ગામોની સંખ્યા 3 હજાર હતી. જે 2011માં 2400 થઈ ગયા હતા. 2024 સુધીમાં ઘટીને 2 હજાર નજીક આવી જશે. આમ નાના ગામોના 50 ટકા લોકોએ હિજરત કરી છે. જો હિજરત ન કરી હોત તો આ ગામોની સંખ્યા વધીને 3500 ગામો હોત. જો તેમ હોત તો ભાજપના મતોનું ધોવાણ થયું હોત.

ગામ શહેર બન્યા 

ભાજપ સત્તા પર ગુજરાતમાં આવ્યો ત્યારે 5 હજારની વસતી ધરાવતાં 264 શહેર હતા. 2011માં 348 શહેર બન્યા અને હવે બીજી લોકસભાની ચૂંટણી 2024 સુધીમાં આવશે ત્યાં સુધીમાં 400 મોટા ગામ કે શહેર બની ગયા હતા.

શહેરોની વસતી વધી, ગામડાની ઘટી

2.70 કરોડની ગ્રામ્ય વસતી હતી જે 2011માં 3.46 કરોડ અને 2024માં 4 કરોડ થઈ જશે. તેની સામે 1.42 કરોડની શહેરી વસતી 2.57 કરોડ 2011માં થઈ હતી અને 2014 સુધીમાં તે 4 કરોડ નજીક પહોંચી જશે.આમ ભાજપના રાજમાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતી વધારાનો દર 15 ટકાથી ઘટીને 9.30 ટકા 2011 સુધીમાં થયો છે અને 2024માં 5 ટકા થઈ શકે છે. આમ ગામડાની વસતી ઘટી રહી છે.

શહેરી વસતી વધારાનો દર 34 ટકાથી વધીને 36 ટકા થયો અને 2024 સુધીમાં 40 ટકા થઈ જશે. અમદાવાદમાં છેલ્લે 2007માં 30 નવા વિસ્તારો - શહેરો અને ગામડાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવામાં આવ્યા હતા.

ગુજરાતના 156 શહેર - નગરપાલિકાની યાદી

ધોળકા, વિરમગામ, બાવળા, ધંધુકા, સાણંદ, બારેજા, નડીયાદ, ચકલાસી, કપડવંજ, મહેમદાવાદ, ડાકોર, ખેડા, કણજરી, કઠલાલ, મહુધા, ઠાસરા, સુરેન્દ્રનગર-વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, ચોટીલા, પાટડી, બોટાદ, ગઢડા, બરવાળા, પાટણ, સિધ્ધપુર, રાધનપુર, ચાણસ્મા, હારીજ, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, ભાભર, થરા, મહેસાણા, કડી, ઉંઝા, વિસનગર, વડનગર, ખેરાલુ, વિજાપુર, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, મોડાસા, બાયડ, કલોલ, દહેગામ, માણસા, ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, દાહોદ, ઝાલોદ, દેવગઢબારીયા, ડભોઇ, કરજણ, પાદરા, સાવલી, આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, કરમસદ, ઉમરેઠ, વ.વિ.નગર, આંકલાવ, ઓડ, સોજીત્રા, બોરીયાવી, છોટાઉદેપુર, વ્યારા, સોનગઢ, રાજપીપળા, નવસારી-વિજલપોર, બીલીમોરા, ગણદેવી, ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર, બારડોલી, કડોદરા, તરસાડી, માંડવી, ગાંધીધામ, ભુજ, અંજાર. માંડવી(ક), ભચાઉ, રાપર, મુન્દ્રા-બરોઈ, ધ્રોલ, જામજોધપુર, કાલાવડ, સિકકા, ઓખા, દ્વારકા, ખંભાળીયા, સલાયા, ભાણવડ, જામરાવલ, મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા-મિયાણા, જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ, ભાયાવદર, પોરબંદર-છાયા, રાણાવાવ, કુતિયાણા, અમરેલી, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, રાજુલા, બાબરા, ચલાલા, દામનગર, લાઠી, વેરાવળ-પાટણ, કોડીનાર, સુત્રાપાડા, તલાલા, કેશોદસ, માંગરોળ, માણાવદર, બાંટવા, ચોરવાડ, વંથલી, વિસાવદર, મહુવા, પાલીતાણા, શિહોર, ગારીયાધાર, તળાજા અને વલ્લભીપુરનો સમાવેશ થાય છે.

(લેખક ગુજરાતના જાણિતા પત્રકાર અને લેખક છે, તેમનું પુસ્તક મોરબીનો ઝૂલતો પુલ,  શહેરોનું અર્થકારણ અને રાજકારણમાંથી કેટલાંક ભાગ) 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp