ગુજરાતમાં RTIની દશા: માહિતી માગવાનું કારણ આપો, તો મળશે

PC: livelaw.in

રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે RTIના કાયદામાં ખોટું અર્થઘટન કરીને સરકારના વિવિધ વિભાગો પ્રશ્નોના જવાબ આપવાનું ટાળી રહ્યાં છે. મહેસૂલ અને ઉદ્યોગ વિભાગની કોઈપણ માહિતી માગવામાં આવતા થર્ડ પાર્ટીનું બહાનું બતાવવામાં આવે છે.

રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટમાં હવે સરકારી વિભાગો જવાબો આપવાનું ટાળે છે. અરજદારોને ટાઇમસર જવાબો મળતા નથી. મળે છે તો અધૂરાં મળે છે અથવા તો થર્ડ પાર્ટી કહીને જવાબ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવે છે. સરકારોમાં પારદર્શકતા જો આવી હોય તો આ કાયદાથી આવી છે પરંતુ હવે કાયદાની આડશમાં સરકારો અપારદર્શક બની રહી છે.

ગાંધીનગરમાં એક RTI કરવામાં આવી હતી જેમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કેટલી નવી GIDC બની છે? જવાબમાં કહેવાયું કે તમારી અરજી જિલ્લાઓમાં તબદિલ કરવામાં આવી છે. બે મહિના પછી ત્રણ જિલ્લામાંથી પ્રત્યુત્તર આવ્યો કે અમારા વિસ્તારમાં એકપણ નવી GIDC બની નથી. ત્રણ મહિના પછી રાજ્યકક્ષાએથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

પોતાના પ્રશ્નનો જવાબ નહીં મળતાં અરજદાર રાજ્ય માહિતી કમિશનર પાસે ગયા અને કહ્યું કે જિલ્લાઓમાં GIDC બનાવવાનો નિર્ણય કોણ કરે છે? જવાબ મળ્યો કે સરકાર… તો પછી ક્યા જિલ્લામાં નવી GIDC બની તે સરકાર એટલે કે ગાંધીનગરની ઓફિસમાં વિગતો ન હોય? કમિશનરે વિભાગને તેનો જવાબ આપવા કહ્યું હતું પરંતુ વિભાગ જવાબ આપી શક્યો નથી.

હકીકત એવી છે કે રાજ્યમાં ક્યાંય પણ GIDC બનાવવાની હોય તો તેની દરખાસ્ત ગાંધીનગરમાં આવે પછી તેને મંજૂરી આપવામાં આવે છે. સરકાર જ્યાં જ્યાં મંજૂરી આપે તે વિસ્તારના દસ્તાવેજો સરકાર પાસે હોય છે અને હોવા પણ જોઇએ છતાં અરજદારને એક વર્ષ પછી પણ RTIનો જવાબ મળ્યો નથી.

આપણી સરકારો નિર્ભયપણે માહિતીનો અધિકાર આપતો રાઇટ ટુ ઇન્ફર્મેશનનો કાયદો લોકો પાસેથી છીનવી રહી છે. આ કાયદા હેઠળ અરજદારોની અરજી કોઈને કોઈ કારણોસર રદ કરવાની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે, જે ખૂબ ગંભીર બાબત છે. ભારત સરકારમાં અને ગુજરાત સરકારમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. ગુજરાતના 20 ટકા વિભાગોમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે ત્યારે તપાસનિસ સંસ્થાઓને બુઠ્ઠી બનાવવામાં આવી રહી છે.

ખાસ કરીને મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગમાં થતી RTI એક્ટ પ્રમાણેની અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવે છે અથવા તો તેની માહિતી આપવાનો ઇન્કાર કરી દેવામાં આવે છે. રાઇટ ટુ ઇન્ફર્મેશનનો કાયદો મજાક બની રહ્યો છે. માહિતી નહીં આપવાનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય નાગરિકો તરફથી માગવામાં આવતી માહિતી અપૂરતી અથવા તો પૂછેલા પ્રશ્નને અનુરૂપ નહીં હોવાથી અપીલ કરવાનું પ્રમાણ પણ વધતું ગયું છે. સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનમાં RTI અરજી રદ કરવાનું પ્રમાણ 8.40 ટકા થયું છે જે અગાઉ ક્યારેય ન હતું, જ્યારે ગુજરાતમાં અરજીઓ નહીં સ્વીકારવાનું પ્રમાણ 2.93 ટકા થયું છે.

ગુજરાતમાં સૌથી વધુ અરજીઓ મહેસૂલ વિભાગની આવે છે. બીજા ક્રમે શહેરી વિકાસ વિભાગ છે જ્યારે ત્રીજે ઉદ્યોગ વિભાગ આવે છે. જો કે માહિતી માગવાના અધિકારમાં કેટલાક લોકોએ અધિકારને બિઝનેસ બનાવી દેતાં સરકારી વિભાગો ચોંકી ઊઠ્યા છે અને તેઓ અરજદારને માહિતી માગવાનો હેતુ પૂછતા જોવા મળે છે. અધિકારીઓ કહે છે કે તમારે આ માહિતીનો શું ઉપયોગ કરવાનો છે તે બતાવશો તો માહિતી મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp