મોદીરાજ કરતા રૂપાણીરાજમાં ગુના વધ્યા, ગૃહખાતાના નવા પ્રધાન માટે આ ચેલેન્જ છે

PC: /khabarchhe.com

(દિલીપ પટેલ) આખા દેશમાં ગુનાખોરીમાં ગુજરાત ત્રીજા નંબર પર આવી ગયું છે. મોદીના રાજ કરતાં રૂપાણી રાજમાં ઘણું ક્રાઈમ વધ્યું છે. ગૃહખાતાના નવા પ્રધાન હર્ષ સંઘવી માટે આ મોટી ચેલેન્જ છે. 

દેશમાં 38 લાખ ગુના બને છે. દર એક લાખની વસતીએ 300 ગુના બને છે. જેમાં ગુજરાતમાં 3.81 લાખ ગુના બને છે. જે દેશના 10 ટકા છે. આ ગુનાનું પ્રમાણ વધું છે. એક લાખની વસતીએ 552 ગુના બને છે. જે દિલ્હી અને તામિલનાડુ પછી ત્રીજા નંબર પર ગુજરાત આવી ગયું છે.

એક સમય હતો કે ગુજરાતમાં એક લાખની વસતીએ 204 ગુનાનો દર હતો. હવે 552 ગુના બનવા લાગ્યા છે. આમ 10 વર્ષમાં ગુજરાતમાં ગુનાખોરી 170 ટકા વધી છે. જે રૂપાણી અને જાડેજાના રાજ નિષ્ફળ રહ્યું હોવાનું પુરવાર કરે છે.

10 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશમાં 86નો દર હતો.

આમ ભલે એવો પ્રચાર કરવામાં આવે છે કે  ગુજરાતમાં ગુના નથી. ગુજરાત શાંત છે. પણ કેન્દ્ર સરકારના આંકડાઓ કહે છે કે ભાજપનો તે ગોબેલ્સ પ્રચાર છે. ખરેખર એવું નથી. ગુજરાતમાં સૌથી વધું ગુનાઓ નોંધાય છે. બીજા રાજ્યોમાં ગુનાઓ ઓછા નોંધાય છે. પોલીસનો ડર નાગરિકોમાં ન હોવો જોઈએ. ગુનેગારોમાં હોવો જોઈએ.

ગુજરાતમાં દર 1200 વ્યક્તિએ એક પોલીસ રહેતી આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 94 માણસ દીઠ એક પોલીસ આગળના દશકામાં હતી. ગુજરાતમાં છેલ્લા દશકામાં થોડો ફેર પડ્યો છે. પણ ઉત્તર પ્રદેશ જેટલી પોલીસ નથી. કોગ્નિઝેબલ IPC ગુનાઓમાં ગુજરાત આગળ છે.

2011માં ગુનાનો દર 204 હતો. હવે તે 552 થયો છે. કોઈ રીતે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સારી છે એવું કહી શકાય તેમ નથી. ભાજપનું ગુજરાત મોડેલ નિષ્ફળ છે. માત્ર દેશમાં ગુજરાતનું આર્થિક મૂડી રોકાણમાં મોડેલ સફળ કહી શકાય પણ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સરકાર નિષ્ફળ છે.

જે વિગતો પોલીસ આપે છે સાચી વિગતો હોતી નથી. આંકડાઓ છૂપાવે છે. લોકો ફરિયાદ કરવા જાય ત્યારે તે ફરિયાદ લેવામાં આવતી નથી. મોબાઈલ ફોન પરથી જ ઓન લાઈન ફરિયાદ  થઈ શકે એવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ. તો જ પ્રજા પર ગુનેગાર કેવો ઝુલમ કરે છે તે બહાર આવી શકે તેમ છે.

છતાં ભાજપ રામરાજ્યની વાતો કરે છે એ કોઈ રીતે યોગ્ય નથી. સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધું ગુના નોંધાય છે. પ્રોપર્ટીના ગુના, ચોરી, લૂંટની ઘટનાઓ વધે છે ત્યારે સમજવું કે લોકો સુખી નથી. આર્થિક ગુના વધ્યા છે એ બતાવે છે કે ગુજરાતમાં સુખ અને શાંતિ નથી. 

મિલકતો અને બોડીને ઈજાના ગુના થવાના મુખ્ય કારણમાં ગુજરાતની આર્થિક સ્થિતી ખરાબ છે એવું બતાવે છે. ગુજરાતના લોકો આર્થિક રીતે સમૃદ્ધ છે અને સમગ્ર દેશમાં ગુજરાતમાં શાંતિ છે એવી ભ્રમણા ઊભી કરીને ગુજરાત રાજ્યને ભાજપનું શ્રેષ્ઠ મોડેલ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. પણ તે માત્ર ભ્રમ છે. 

20 વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં એક પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયું કે શહેરમાં ગુનાખોરી આગળના વર્ષોની સરખામણીએ ઘટી છે. ગુના ઘટે નહીં વધે જ. ભલે ગમે તેવું શાસન આપવામાં આવે. તો પણ ગુના વધે જ.

આમ પોલીસ પોતાની કામગીરી સારી બતાવવા માટે ગુના ઓછા બતાવી રહી છે. ગુના જ દાખલ કરવામાં આવતા નથી. ચોરીના કે વસ્તુ ગુમ થવાના તો ગુના દાખલ જ કરાતાં નથી. જો કોઈ જાગૃત્ત નાગરિક પોલીસ સામે લડે તો જ તેની ફરિયાદ ઘણી લડત અને પોલીસ મથકના ધક્કા ખાધા પછી લેવામાં આવે છે.

પોલીસ ફરિયાદ લે છે તો તેને મીનીમાઈઝ કરીને લે છે. જે ગંભીર ફરિયાદ હોય અને જે કલમો લગાવવી જોઈએ તે લગાવે નહીં અને ગુનાને હળવો બતાવે છે.

ગુના ઓછા દાખલ થાય છે.

ગરીબ લોકો ફરિયાદ કરે છે. તેની તો ફરિયાદ જ લેવામાં આવતી નથી. માટે શ્રેષ્ઠ રસ્તો એ છે કે, લોકો જાતે જ પોલીસ ફરિયાદ ઓન-લાઈન કરી શકે એવી વ્યવસ્થા તુરંત કરવામાં આવે. 100, 101, 108 ફોન સેવા પર જેટલાં ફોન કોલ આવે તેને ફરિયાદ ગણી લેવામાં આવે એવી વ્યવસ્થા ગોઠવવી પડે તેમ છે. 

નેશનલ પોલીસ કમિશનના 8 અહેવાલો કેન્દ્ર સરકાર સામે પડેલા છે. જેનો હજુ સુધી અમલ કર્યો નથી. મોદી આવ્યા તેના 7 વર્ષ થયા છતાં તે 8 અહેવાલો ધૂળ ખાઈ રહ્યાં છે. જો મોદીમાં ભારતીય પ્રજા માટે સહેજ પણ લાગણી હોય કે દેશ ભક્તિ હોય તો તેનો અમલ તુરંત કરી દેવો જોઈએ.

નેશનલ પોલીસ કમિશનની ભલામણોનો અમલ થાય તો અનેક પ્રજા લક્ષી કામ પોલીસ દ્વારા થઈ શકે તેમ છે. જેના પગલે કાયદાઓમાં સુધારા કરવા પડે તેમ છે. પ્રજા રાજ આવે તેમ છે. અત્યારે તો પોલીસ કે પોલીટીશ્યન રાજ ચાલી રહ્યાં છે. જેમાં પ્રજાકીય શાસન ક્યાંય નથી.

 અરજી લે છે. બોડી અફેન્સમાં મેડિકલ કેસ હોય તો જ કેસ થાય છે. પોલીસ અરજી લઈને કચરાપેટીમાં નાંખે છે. નાની ચોરી પોલીસમાં નોંધાતી નથી. પોલીસ લેતી નથી. તેથી ચોરોને મજા પડી જાય છે. પોતાની ફરજ સમજીને ફરિયાદ દાખલ કરે એવી પોલીસ ગુજરાતની નથી. ગુનો સાચો છે કે ખોટો તે પોલીસ જ નક્કી કરે છે. જે કામ તો અદાલતનું છે. જેની સામે ફરિયાદ થઈ હોત તેમાં લાંચ મળે તેમ છે કે નહીં તે જોઈને જ ફરિયાદ લેવામાં આવે છે. તેથી ભ્રષ્ટાચાર વધે છે. 

એટ્રોસિટી આવી ત્યારથી દલિતો અને આદિવાસીઓને ઘણે અંશે ન્યાય મળવા લાગ્યો છે તે રીતે દરેક નાગરિકોને માટે ન્યાય હજુ દૂર છે. તેનો વિકલ્પ મોબાઈલ ફોન પર ઓન લાઈન ફરિયાદ એજ છે. આખા દેશમાં સૌથી વધું આરોપનામું 97.1 ટકા, મુકવામાં ગુજરાત આગળ છે. બીજા નંબર પર 94.9 કેરાલા છે. તમિલનાડુમાં 91.7 ટકા આરોપો અદાલતમાં મૂકાવમાં આવ્યા હતા.

દેશના 19 મેટ્રોપોલીયેટન સિટીમાંથી સુરત શહેર દેશમાં ગુના અદાલતમાં આરોપનામા મૂકવામાં  96.7 ટકા સાથે પ્રથમ છે. બીજા નંબર પર 96.6 ટકા સાથે કોઈમ્બતુર છે. દેશમાં અમદાવાદના  ત્રીજા નંબર પર 96.3 ટકા સાથે છે.

વસતી

કેન્દ્રીય ગૃહ વિભાગે ગુજરાતની વસતી 6.92 કરોડ જાહેર કરી છે. જે 2022ની ચૂંટણીમાં 7 કરોડ વસતી થઈ જશે. અમદાવાદની હાલની વસતી 63.52 લાખ અને સુરતની 45.85 લાખ છે. આમ અમદાવાદ અને સુરત શહેરની વસતી 1 કરોડ અને જિલ્લાની વસતી 1.10 કરોડ થઈ ગઈ છે.

ખૂન

દેશમાં કુલ 28 હજાર ખૂન થયા હતા. જેમાં ગુજરાતમાં 982 ખૂન થયા હતા. એક લાખની વસતીએ 1.4ના ખૂન થયા હતા. જેમાં દેશની સરેરાશ 2.2 છે. આમ ગુજરાતના લોકો ખુન ઓછા કરે છે. સૌથી વધું ખુનનો દર જારખંડમાં 4.2 છે. આસામ અને છત્તીશગઢમાં 3.3નો દર છે. હરિયાણામાં 3.9નો દર છે. આમ ગુજરાતના લોકો શાંતિપ્રિય છે તે ફરી એક વખત સાબિત થયું છે.

2001થી 2010 સુધીના દશકામાં વર્ષે 1100 ખૂન થતાં હતા. ખૂન ઓછા થયા છે. એવું સરકારના આંકડાઓ પરથી દેખાય છે.બેદરકારીના કારણે 5637 લોકોના મોત થયા હતા અને જેમાં 6600 લોકો આરોપી હતી. (304 કલમ) મોત થાય છે એમાં 8.1 લોકોના મોત દર એક લાખની વસતીએ થયા છે. દેશનો દર 9.5 છે. તેલંગણા અને હરિયાણામાં દર ઉંચો છે. 2001માં 3 હજાર ઘટનાઓ હતી. 2010માં 5900 ઘટનાઓ બેદરકારીથી મોતની બની હતી.

માર્ગ અકસ્માતમાં 5597 લોકોના મોત એક વર્ષમાં થયા છે. એક લાખે 8.1 લોકોના મોત માર્ગ અકસ્માતથી થાય છે. દેશમાં 1.18 લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે.  દેશમાં 1 લાખે 9 લોકોના મોત થયા છે. તેલંગણા રાજ્યમાં તો એક લાખે 17 લોકો મોતને ભેટે છે. પૂર્વોત્તર રાજ્યોમાં ઓછા મોત થાય છે. બિહારમાં દારૂ બંધી છે છતાં ત્યાં ગુજરાત કરતાં ઓછા મોત થાય છે. ગુજરાત માર્ગ સલામતીમાં 16મું સ્થાન ધરાવે છે. તેનો સીધો મતલબ એ થયો કે ગુજરાતમાં અકસ્માત થાય છે તેમાં સલામતી ઓછી છે.

હીટ એન્ડ રન

ગુજરાના લોકો અકસ્માત કરીને ભાગી જવામાં ઓછા માને છે. તેઓ અકસ્માત કરીને ત્યા ઊભા રહે છે. ઘવાયેલાઓને સહાય કરે છે. દેશમાં 40 હજાર લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટે છે જેમાં એક લાખની વસતીએ ભાગી જવાનો દર 3.1 છે. પણ ગુજરાતમાં ભાગી જવાનો દર 1.5 છે.

જોકે અરૂાણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ, ગોવા, હિમાચલ, કેરાલા, મેઘાલયા, નાગાલેન્ડ, સિક્કીમ, પશ્ચિમ બંગાળના લોકો ગુજરાતથી વધું સહાનુભૂતિ ધરાવે છે. તેઓ ભાગી જતાં નથી. પણ છત્તીશગઢ, ઓડીસા, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકો હીટ એન્ડ રનમાં આગળ છે.

દહેજના કારણે દેશમાં 6800 મોત થાય છે. લાખ લોકોએ 1.1 બનાવ બને છે. ગુજરાતમાં દહેજથી 6 મહિલાના મોત થયા હતા. દેશમાં 10 લાખ લોકોને ઈજા થાય છે જેમાં ગુજરાતમાં 20 હજાર લોકોને ઈજા થાય છે. જે 1 લાખની વસતીએ 29 છે.

દેશમાં મહિલાઓ પરના 45 હજાર હુમલામાં ગુજરાતમાં 306 નોંધાયા છે. જે એક લાખની વસતીએ 1 બનાવ છે. દેશમાં 7.1 દર છે. ગુજરાતમાં મહિલાઓ પર ઓછા હુમલા થાય છે. રાજસ્થાનમાં 18 દર છે. ઓડીસામાં તો 33નો દર છે.

દેશમાં 16600 મહિલાઓની જાતિય સતામણીના બનાવો બન્યા હતા. જેનો એક લાખે દર 2.6 છે. ગુજરાતમાં 358 બનાવો સતામણીના બન્યા હતા. જે 1.1 દર છે. દેશમાં સૌથી વધારે અસલામતી હરિયાણા, આંધ્ર, આસામ, મહારાષ્ટ્ર, ઓડિસા, તેલંગણા, દિલ્હી છે. ઓફિસમાં કામ કરવાના સ્થળે ગુજરાતમાં માત્ર 14 ઘટના બની હતી.

દેશમાં 85 હજાર અપહરણ થાય છે. દેશમાં એક લાખે 6.3 લોકોનું અપહરણ થાય છે. જેમાં ગુજરાતમાં  1200 લોકોના અપહરણ થયા હતા. જેનો દર 1.7 છે. 413 બાળકોના તેમાં અપહરણ નોંધાયા છે. ગુજરાતમાં ઓછા અપહરણ થતાં હોવાની ઘટનાઓ બની છે. હરિયાણા અને બીજા રાજ્યોમાં દર 10નો છે. અપહરણ બાદ મોતને ઘાટ ઉતારી દેવાની 3 ઘટના ગુજરાતમાં બની હતી. પણ ઉત્તર પ્રદેશમાં 265 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. જારખંડમાં 42ના ખૂન કરી દેવાયા હતા.

2010માં 1290 ઘટના અપહરણની બની હતી. જેમાં 2011માં 1600 બાળકોના અપહરણ થયા હતા. 2010થી 2011 સુધીના 11 વર્ષમાં 1200 બાળકોના સરેરાશ દર વર્ષે અપહરણ થતાં રહ્યાં છે. આમ હવે તેની સરખામણીએ 33 ટકા જ બાળકોના અપહરણ થાય છે. આ દશકામાં 1200 મહિલાઓના પણ વર્ષે અપહરણ થતાં હતા.

ખંડણી માટે દેશમાં 485ના અપહરણ થયા હતા. જેમાં ગુજરાતમાં 24 અપહરણ થયા હતા. કર્ણાટકમાં 44 અપહરણ ખંડણી માટે થયા હતા.

 બળાત્કારના 28 હજાર બનાવો દેશમાં બન્યા જે 1 લાખની વસતીએ 4.2 મહિલાઓ પર બળાત્કાર થાય છે. જેમાં ગુજરાતમાં 486 ઘટનાઓ બળાત્કારની બની હતી. એક લાખની વસતીએ 1.5 મહિલઓ ભોગ બને છે. 2001માં બળાત્કારની 290 ઘટના બની હતી. 2011માં 439 ઘટના બની હતી. આમ બળાત્કારમાં વધારો થયો છે.

જાહેર શાંતિ ભંગની ઘટનાઓ દેશમાં 70 હજાર બની હતી. એક લાખ લોકોમાં 5.3 ઘટના બની હતી. ગુજરાતમાં 1400 ઘટના જાહેર અશાંતિની બની હતી. જેનો દર 2 છે. હરિયાણા, કેરાલા, મહારાષ્ટ્ર, ઓડીસા, ઉત્તરાખંડ, તમિલનાડુ કરતાં ગુજરાતમાં જાહેર અશાંતિ થઈ હોય એવી ઓછી ઘટનાઓ બની છે. છતાં પોલીસ 144ની કલમ લગાવે છે. લોકોના અદિકારો પર તરાપ મારે છે.

2001થી 2011 વર્ષોમાં સરેરાશ રોજ 4 તોફાનો થતાં હતા. લોકોની મિલકતો સામેના ગુના દેશમાં 6.50 લાખ બને છે. 1 લાખની વસતીએ 47નો દર છે. ગુજરાતમાં 13700 મિલકતોને નુકસાન કરવાના ગુના નોંધાયા છે. જે એક લાખની વસતીએ 20નો દર છે. જે ઉત્તર પ્રદેશની બરાબરી છે. બીજા રાજ્યોમાં સારી સ્થિતી નથી. દેશમાં ચોરીની 3 લાખ ઘટનાઓ બની હતી. ગુજરાતમાં 4 હજાર ઘટના બની હતી, એક લાખની વસતીએ તે દર 5.6 છે. જેમાં ઘરફોડ ચોરીની ઘયનાઓ 2700 બની હતી. એક લાખની વસતીએ 4 ઘટના ઘરફોડ ચોરીની બને છે.

2001થી 2006 સુધી 5 હજાર ચોરી થતી હતી. 2011માં 4500 ઘટનાઓ બની હતી.

છેતરપીંડીની દેશમાં 24 હજાર ઘટનાઓ બની જેમાં એક લાખ લોકોમાં 1.8 લોકો છેતરપીંડી, ફ્રોડનો ભોગ બને છે. ગુજરાતમાં 364 ઘટનાઓ છેતરપીંડીની બની હતી. એક લાખ લોકોમાં 0.5 દર છે. ક્રેડિટકાર્ડની માત્ર 61 ઘટનાઓ બની હતી. મહારાષ્ટ્ર અને બિહાર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશમાં આ ઘટનાઓ વધું બની હતી.

જાહેર સ્થળોએ ખરાબ ડ્રાઈવીંગ કરવાની દેશમાં 3 લાખ ઘટના બની હતી. દેશમાં એક લાખની વસતીએ 23નો દર છે. વિશ્વ સમક્ષ આ ખરાબ પ્રદર્શન છે. ગુજરાતમાં ખરાબ ડ્રાઈવીંગ કરવાની 28500 ઘટના બની હતી. એક લાખની વસતીએ તે દર 41નો છે.

ગુજરાતના લોકો માટે આ શરમજનક છે. કેરાલા અને તમિલનાડુ પછી ગુજરાતના લોકો ખરાબ ડ્રાઈવીંગ કરવા માટે બદનામ છે. દિલ્હીના લોકો સારું ડ્રાઈવીંગ કરે છે. એટલું સારું છે કે, બીજા રાજ્યો કરતાં ખરાબ ડ્રાઈવીંગથી લોકોના ઓછા મોત ગુજરાતમાં થાય છે. સીસીટીવી કેમેરાની કોઈ અસર નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp