ડૉ.જયંતિ રવિએ ગુજરાતમાં કોરોના અંગે આપ્યો વિગતવાર ઇન્ટરવ્યૂ, જાણો શું કહ્યું?

PC: Khabarchhe.com

કોરોનાના કાળમાં જેમની પાસે રાજ્યના આરોગ્યની જવાબદારી હતી અને જેઓ સતત ગુજરાતની પરિસ્થિતિ પર લોકોને માહિતગાર કરતા હતા તેવા આરોગ્ય વિભાગના પ્રિસિંપલ સેક્રેટરી ડો. જયંતિ રવિ ઘણા દિવસથી હવે મીડિયા બ્રિફિંગ કરતા નથી. પરંતુ હાલમાં જ તેમણે એક મીડિયા ગ્રુપને આપેલા વિગતવાર ઇન્ટરવ્યૂ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ ઇન્ટરવ્યૂ અંગ્રેજીના અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત થયો છે. 

શું કરાયું 

ગુજરાતમાં કોવિડ-19 અંગેની વાત કરતા તેમણે કહ્યું કે ગુજરાત પહેલું એવું રાજ્ય છે જેણે કોવિડ માટે માર્ચ મહિનામાં જ ડોર-ટુ-ડોર સરવે શરૂ કરી દીધો હતો જે દેશમાં સૌથી પહેલો હતો. કોવિડ માટે અમદાવાદમાં 1200 બેડની ડેડિકેટેડ હોસ્પિટલ શરૂ થઇ,તેવી જ હોસ્પિટલો બીજા ચાર શહેરોમાં પણ શરૂ કરી દેવાઇ હતી.

આ ઉપરાંત તેની સાથે સાથે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક અને હોમિયોપેથીનો ઉપયોગ પણ શરૂ કરી દેવાયો હતો.

આ ઉપરાંત ગુજરાતમાં ખાનગી સેક્ટરના ડોક્ટરોની મદદ લેવાનું પણ શરૂ કરી દેવાયું હતું. તેમાં ડોક્ટરો ટેલિમોનિટરિંગથી સલાહ આપે છે. ખાસ કરીને ક્રિટિકલ પેશેન્ટ્સ માટે ખાનગી ડોક્ટરોની સલાહ ખૂબ જ મહત્વની સાબિત થઇ છે.  આ ઉપરાંત અમે રીસર્ચ માટે પણ કામ કર્યું છે.

મૃત્યુદર

ગુજરાતમાં કોવિડ પેશન્ટ્સમાં મૃત્યુદર વધારે હોવા અંગે તેમણે કહ્યું કે અમે વિગતવાર ઓડિટ કરી રહ્યા છીએ. જે હાલ સુધીમાં ટ્રેન્ડ જોવા મળ્યો છે તે અંગે વાત કરતા તેમણે કહ્યું કે જેમના મોત થાય છે તેમનામાંથી 83 ટકા 45 વર્ષથી વધુના હતા. જ્યારે 59.7 ટકા લોકો 60 વર્ષથી ઉપરના હતા. ઉપરાંત 1થી 14 વર્ષની વચ્ચેના દર્દીઓનો મૃત્યુદર 0.9 ટકા હતો.

કોમોરબિડિટી

જે દર્દીઓના મૃત્યુ થયા તેમનામાંથી 89 ટકાને બીજા રોગો એટલે કે કોમોરબિડિટી હતી. તેમાંથી પણ 43 ટકાને તો વધારે પ્રમાણમાં રોગો હતા. જો એવા દર્દીઓની વાત કરીએ કે જેમને કોઇ રોગ ન હતો અને તેમના મૃત્યુ થયા છે તો તેની ટકાવારી 11 ટકા રહી છે.    

મૃત્યુ પામનારાઓને કયા રોગો હતા આ અંગે ડો. રવિએ કહ્યું કે મહત્તમ 61 ટકા લોકોમાં હાઇબ્લડ પ્રેશર અને હાઇપરટેન્શન હતું. જ્યારે 48 ટકામાં ડાયાબિટિસ મેલિટસ જોવા મળ્યું હતું. આ ઉપરાંત હ્રદયરોગ, થાયરોઇડ, ક્રોનિક કિડની ડિસિઝ અને ફેફસાના રોગો, ટીબી ઉપરાંત માનસિક રોગ, કેન્સરનો પણ સમાવેશ થાય છે.

જોકે, એક સારી વાત એવી પણ જોવા મળી કે એઇડ્સ ધરાવતા દર્દી પણ સાજા થયા છે.  

વેન્ટિલેટર અંગે

ગુજરાતમાં ધમણ વેન્ટિલેટર અંગે મોટો વિવાદ ઊભો થયો હતો. તેમણે ધમણનું નામ તો ન લીધું પરંતુ તેમણે કહ્યું કે કમનસીબે જેટલા લોકોના મૃત્યુ થયા તેમાંથી 77.9 ટકા લોકો વેન્ટિલેટર પર હતા. તેમાંથી 85 ટકા લોકોને શ્વાસની તકલીફ હતી. તેમણે કહ્યું કે માર્ચ મહિનામાં અમે અમારી તમામ સુવિધાઓને વધારવામાં હતા. આખી દુનિયામાં તેમ જ કરાઇ રહ્યું હતું. વેન્ટિલેટરની શોર્ટેજ હતી. ઇમ્પોર્ટ કરી શકાતા ન હતા. એટલે અમે સ્થાનિક લોકોની મદદ લીધી. હાલમાં પણ અમારી પાસે 2111 વેન્ટિલેટર્સ છે જે માત્ર કોવિડ પેશેન્ટ્સ માટે જ છે. હાલમા સરેરાશ 50 દર્દીઓને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડે છે. હવે જેમ જેમ આ રોગ અંગેની આપણી સમજ વધતી જાય છે તેમ તેમ વેન્ટિલેટરની જરૂર જ ઓછી પડે છે. અમારા પ્રયત્નો પણ એ દિશામાં રહે છે.  

હવે શું

આગામી દિવસો અંગે તેમણે કહ્યું કે હવે એ દિશામાં પ્રયત્નો રહેશે કે મોટી ઉંમરના લોકો કે જેમનું ધ્યાન રાખવું જરૂરી છે તેમને સંક્રમણ ન થાય, ઉપરાંત વધુમાં વધુ સંખ્યામાં લોકોને જાગૃત કરી શકાય તેવા કામો પણ ફોકસ છે. આપણી પાસે જો ટ્રેઇન્ડ સ્ટાફ નથી તો ધો. 10 કે 12માં ડ્રોપઆઉટ હોય તેવા લોકોને પણ તાલીમ આપીને કામ કરાવવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp