26th January selfie contest

પોલીસ તને ગુસ્સો આવવો જ જોઈએ પણ ગુંડા-ભ્રષ્ટ નેતા સામે બોલતી કેમ બંધ થઇ જાય છે?

પ્રિય પોલીસ,

જુનાગઢમાં પોતાની ફરજ બજાવી રહેલા પત્રકાર-કેમેરામેન ઉપર તને શુરાતન બતાડવાની ઈચ્છા થઈ અને તું ટોળુ બની પત્રકાર-કેમેરામેન ઉપર રાક્ષસ બની તુટી પડયો, તે ત્યાં હાજર કેમેરામેનને લાફા માર્યા અને લાઠીઓ વરસાવી હતી. મેં અને ઘણા બધા ગુજરાતીઓ તેનો વિડીયો પણ જોયો છે. મને સમજાતુ નથી કે આ તારી કયા પ્રકારની બહાદુરી છે. તુ ટોળાઓમાં હોય ત્યારે જ બહાદુરી બતાડે છે અને ખાસ કરી તારી સામે કોઈ નિર્બળ, લાચાર અને ગરીબ માણસ હોય ત્યારે તને એકદમ શુરાતન ચઢે છે. તને ગુસ્સો આવવો જ જોઈએ કારણ તુ પોલીસવાળો છે. પણ તારો ગુસ્સો ખોટું કરતા તમામ સામે એક સરખો હોવો જોઈએ, પણ તેવું થતું નથી.

પોલીસ તારી સામે કોણ ઉભું છે તે જોઈ તું તારો શુરાતનનો પ્રકાર બદલે છે. તારી સામે કોઈ ભ્રષ્ટ અધિકારી અને રાજનેતા અને વગદાર ગુંડો ઉભો હોય ત્યારે તને ગુસ્સો આવતો નથી. તારો સિનિયર અધિકારી તારી પાસે નિયમ વિરૂધ્ધ કામ કરાવે છે ત્યારે તારી અંદર ના પાડવાની હિમંત નથી. કોઈ રાજનેતા અંધ વ્યકિતને દેખાય તેવી રીતે કાયદાનું ચીરહરણ કરે ત્યારે તું ગાંધીજીના વાંદરાની જેમ તારી આંખ કાન અને મોંઢુ બંધ કરે છે. તારા વિસ્તારનો માતેલા સાંઢ જેવો ગુંડો પ્રજાને રંજાડે છે ત્યારે તેનો કાઠલો પકડવાની તારી હિમંત નથી. કારણ તુ અંદરથી ખોખલો થઈ ગયો છે. તું ખોખલો એટલા માટે થઈ ગયો છે કારણ તારી અંદરના માણસને મારી નાખ્યો છે.

પોલીસ તારા શરીર ઉપર તો ખાખી છે, પણ તેની અંદરનો માણસ મરી ગયો છે. તેને ખોટું કરતી સિસ્ટમ સામે ગુસ્સો આવવો જોઈએ. પણ તેવું થતું નથી. કયારેય તુ સારા પોસ્ટીંગ માટે તો કયારેક રસ્તે ઉભા લેનાર લારીવાળા, હેલ્મેટ પહેરી વગર નિકળતા સામાન્ય માણસો પાસેથી ખર્ચાપાણી મળી રહે છે. તારા ખિસ્સામાં પડતા પગારના સિવાયના પૈસાએ તને મુંગો બનાવી દીધો છે. તું ગરીબો ઉપર તો બરાડા પાડે છે. તારા લોકઅપમાં રહેલા આરોપી ઉપર તુ તુટી પડે છે. આવું કેમ થાય છે. તને ખબર છે, કારણ તારી અંદરનો માણસ તને બેચેન બનાવી રહ્યો છે. તું જે કરી રહ્યો છે તે યોગ્ય નથી. તેની તને ખબર છે. જેના કારણે તારી અંદરનો માણસ તને જીવવા દેતો નથી.

પોલીસનો ખાખી રંગ તો પ્રજાના રક્ષણનું પ્રતીક છે. પણ જયારે તું જ સિસ્ટમ સામે લાચાર અને પાંગળો થઈ ગયો છે. ત્યારે તું અમારૂ રક્ષણ કેવી રીતે કરીશ. તારો અધિકારી અને નેતા તારી પાસે સાચાનું ખોટુ અને ખોટાનું સાચું કરાવે છે. અને તું એક રોબોટની જેમ તેના તમામ આદેશનું પાલન કર્યા કરે છે. તને ખબર છે કે 58 વર્ષની ઉમંરે તારા શરીર ઉપરથી ખાખી ઉતરી જશે. ફરી એક વખત તું અમારા જેવો થઈ જશે. ભગવાન ના કરે તારે તારા કામ માટે કયારેય પોલીસ સ્ટેશનના પગથીયા ચઢવા પડે. નહીંતર તારો ભ્રમ તુટી જશે. આજે તું અમારી સાથે જેવો વ્યવહાર કરે છે તેવો જ વહેવાર તારી સાથે તારી ખુરશીમાં બેઠેલો પોલીસવાળો કરશે. ત્યારે તને માઠું લાગશે પણ તું કંઈ કરી શકીશ નહીં કારણ તારા પછી આવેલા પોલીસવાળાએ તને સિસ્ટમ સામે મુજરો કરતો જોયો હતો. હવે તે પણ તને કાયદાપોથી બતાડી કામ કરી રહ્યો છે.

પોલીસ તારી વિટંબણાઓની મને ખબર છે. મેં અનેક વખત તારો પક્ષ લીધો છે, પણ તું વિટંબણાઓ વચ્ચે જીવે તેનો અર્થ એવો નથી કે તું ફાવે તેવો વ્યહાર બધા સાથે કરીશ. જુનાગઢમાં તે પત્રકારોને માર્યા, કયારેક તું ખેડુતોને ફટકારે છે તો કયારેક તું વિધ્યાર્થીઓને મારે છે, અને કયારેક તું રસ્તે પેટીયુ રળતા ગરીબને ઢીંબી નાખે છે. તું તારી વિટંબણાને કારણે આવુ કરે છે તેના કોઈ રીતે ન્યાયી ઠેરવી શકાય તેમ નથી. સમાજનો કયો માણસ આજે ખુશ છે , દરેકને પોતાની અલગ અલગ પ્રશ્નો છે. જો બધા જ તારી જેમ જીવવા લાગશે તો બધાને ખુબ તકલીફ પડશે. મહેરબાની કરી તારી જાતને સંભાળી લે કારણ કુદરત દરેક વખતે આપણને સંભાળી લેવાની તક આપતી નથી.

પોલીસ તને પત્રકારો સામે કેમ ગુસ્સો છે,આમ તો પત્રકારો મોટા ભાગે તારી કહેવાતી બહાદુરીની કથાઓ તારી ઈચ્છા પ્રમાણે લખતા જ હોય છે. કયારેક તને પસંદ પડે નહીં તેવી વાત જાહેર થાય તો તારૂ માથુ ફાટી જાય છે. એક ખાનગી વાત તને આજે જાહેરમાં કહુ છું. અમે તારા મિત્ર છીએ, તારા ગુલામ નથી. તારા ખાખી કપડા ઉપર લટકતી તારી બંદુકડી કરતા અમારી કલમમાં વધુ તાકાત છે. તેથી મહેરબાની કરી અમને ડરાવવાનો પ્રયત્ન કરીશ નહીં. હું માત્ર ગુજરાત અને ભારતની વાત કરતો નથી હું વિશ્વ આખાની વાત કરૂ છું. જે પણ શાસકોએ કલમને બંદુકથી કચડવાનો પ્રયત્ન કર્યો છે. આજે તેમનું અસ્તિત્વ રહ્યું નથી. આ વાતને ધમકી ગણતો નહીં, હું તારી સમજમાં વધારો કરી રહ્યો છું. કારણ પોલીસ થયા પછી તારૂ વાંચન અને વિચારવાનું લગભગ બંધ થઈ ગયુ છે. હવે આખો દિવસ તારા કાન ઉપર બંદોબસ્ત, રાયોટીંગ, પ્રોહીબીશન, હાઉસબ્રેકીંગ રેપ અને કીડનેપ જેવા શબ્દો આવે છે.

પોલીસ થયો છતાં તું થોડું વાંચવાનું રાખ. વિચારવાનું રાખ. અને જો વિશ્વ કયાં જઈ રહ્યુ છે અને કેવી રીતે બદલાઈ રહ્યું છે. તારે બદલાવુ પડશે. રોજ ચ અને ભ જેવા શબ્દો સાંભળે છે અને બોલે છે, તેમાં થોડો ઘટાડો કરવાનો પ્રયત્ન કર. તુ બદલાઈશ તેનો ફાયદો અમને થશે પણ તેના કરતા પણ વધારે ફાયદો તને અને તારા પરિવારને થશે. તુ તારો ગુસ્સો છોડતો નહીં. ગુસ્સો તો તને આવવો જ જોઈએ. પણ તારા ગુસ્સાનો ભોગ કોઈ ગરીબ અને લાચાર બને નહીં તેની તકેદારી રાખ. અમને પોલીસ તરીકે તારો ડર લાગે તેવો પોલીસ નહીં, પણ તારી હાજરીમાં અમને સલામતી લાગે તેવો પોલીસ બન. પોલીસ તો થઈ ગયો હવે થોડો માણસ થવાનો પ્રયત્ન કર. અમને ડરાવવાનો, મારવાનો, જેલમાં નાખી દેવાનો અને મારી નાખવાનો ડર બતાડીશ નહીં, કારણ અમને ખબર છે અમારી પાંચમથી છઠ્ઠી થવાની નથી. તુ પોલીસ છે તુ અમારા લેખ લખનાર વિધાતા નથી, આટલું યાદ રાખજે. બાકી તે અમને માર્યા છે તેનો ગુસ્સો તો છે. ભૂતકાળમાં પણ તેવું આવુ ઘણી વખત કર્યુ છે.

અમે રેલીઓ કાઢીશુ, આવેદનપત્ર આપીશુ અને ઘરણા કરીશુ, એટલે કલેકટર અને મંત્રી કહેશે કે અમે જવાબદાર સામે પગલાં ભરીશુ. કદાચ એકાદ બે પોલીસવાળા સસ્પેન્ડ પણ થશે અને અમારો કહેવાતા સ્વાભિમાનમાં પા શેર લોહી પણ વધશે. પણ આ બધું થોડા સમય પછી તું અને અમે ભુલી ફરી કામે લાગી જઈશુ. પણ તારે બદલાવું પડશે તે વાત તુ કયારેય ભુલતો નહીં. તું દેશી રજવાડાઓ વખતની પોલીસ નથી. તું આધુનિક ભારતનો પોલીસવાળો છે. તારા વ્યવહાર-વર્તન અને કામમાં પણ તારે આધુનિક થવુ પડશે. તારી બંદુક કરતા તારી કલમ વધારે તાકાતવર બને તેવું કરજે. વખત આવે ત્યારે ગરીબો અને વંચિતોના હક્કના રક્ષણ માટે તારૂં પૌરૂષત્વ બતાડજે. બસ એટલી જ અપેક્ષા, ચાલ નીકળુ. મારે તારી સામે કલેકટરને આવેદનપત્ર આપવા જવાનું છે.

(પ્રશાંત દયાળ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp