PM મોદીએ ગાંધીનગરનું સચિવાલય છોડ્યા પછી જાણો શું થયું છે

PC: thewire.in

સોશિયલ સાઇટ્સ અને વેબસાઇટ અપડેટ્સના આગ્રહી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં ગુજરાત છોડ્યા પછી રાજ્ય સરકારની કામ કરતી 175 પૈકી 90 ટકા વેબસાઇટ ઓફલાઇન બની ચૂકી છે. આ વેબસાઇટ ઉપર માત્ર તારીખ સિવાય કોઇ અપડેટ્સ થતું નથી. રાજ્યના ઉદ્યોગ વિભાગની મુખ્ય અને તેને સંલગ્ન વેબસાઇટમાં વર્ષો જૂના ડેટા ઓનલાઇન રાખવામાં આવ્યા છે. રાજ્યની જનતા સરળતાથી અભ્યાસ કરી શકે તેવા તાજા સરકારી પરિપત્રો પણ આ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં બેદરકારી દાખવવામાં આવે છે. ખાસ કરીને પબ્લિક સાથે જોડાયેલા વિભાગો જેવાં કે આરોગ્ય, ગૃહ, શહેરી વિકાસ, પંચાયત, કૃષિ, સહકાર, ઉર્જા અને વન-પર્યાવરણ જેવી વેબસાઇટ્સ ઓફલાઇન જેવી છે.

કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટલ ગુજરાતની અસર દેખાતી હોય તેવી કેટલીક વેબસાઇટમાં નાણા, મહેસૂલ અને શિક્ષણ વિભાગનો ક્રમ આવે છે. આ વેબસાઇટ થોડી ઘણી અપડેટ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની વેબસાઇટ ઓનલાઇન છે પણ તેમના પ્રધાનોની વેબસાઇટ ઓફલાઇન બની ચૂકી છે. PM નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે સરકારી વિભાગોના વડાઓને કડક તાકીદ કરી હતી કે વિભાગની કોઇપણ નવી યોજના પળવારમાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવે કે જેથી રાજ્યની જનતા તેને જોઇ શકે. સરકારની પબ્લિકને લગતી તમામ યોજનાઓ અને મળનારા લાભ ત્વરીત ગતિએ વેબસાઇટ પર મૂકવામાં આવે એવો તેમનો આગ્રહ હતો. PM મોદીએ સચિવાલયના વહીવટીતંત્રને ઓનલાઇન કરી દીધું હતું અને તેઓ પર્સનલી ધ્યાન રાખતા હતા.

IAS સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓને ઇ-મેઇલમાં જ કામગીરી કરવાનું તેમનું ફરમાન હતું, એટલું જ નહીં રાજ્યના સામાન્ય અંદાજપત્રને પણ ઓનલાઇન કરી દેવામાં આવ્યું હતું. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને અપડેટ રાખીને PM મોદીએ સોશિયલ માધ્યમોનો પ્રયોગ ગુજરાતમાં વધાર્યો હતો. અલગ અલગ વિભાગોની વેબસાઇટ તેમજ વાયબ્રન્ટ ગુજરાતની વેબસાઇટની એપ્લિકેશન બનાવીને સરકારે પ્રજા માટે ફરતી કરી દીધી હતી. મોદીની ખુદની વેબસાઇટ અને મુખ્યપ્રધાનની સત્તાવાર વેબસાઇટ વેલઅપડેટ રહેતી હતી.

એ સમયે PM મોદીના પડ્યા બોલ ઓફિસરો ઝીલતા હતા. આજે સ્થિતિ એવી છે કે સરકારના વિભાગો સાયન્સ એન્ડ ટેક્નોલોજીનો કોઇ આદેશ માનતા નથી. વેબસાઇટ પર માત્ર તારીખનું અપડેટ કરીને વેબસાઇટ અપડેટ્સ હોવાના દાવા કરે છે. ખાસ કરીને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટનું તંત્ર બેદરકારી વધારે દાખવે છે. નવી દિલ્હીમાં રાજ્યોના ચૂંટણી પંચની બેઠકમાં નક્કી થયા પ્રમાણે સ્થાનિક ચૂંટણીના ઉમેદવારોની એફિડેવિટ પણ આ ચૂંટણી પંચ ઓનલાઇન કરી શક્યું નથી.

મતદારોને હેલ્પલાઇનમાં રિપ્લાય મળતો નથી. ફરિયાદ કે રજૂઆત કરવા લોગઇન કરે છે તો એરર દર્શાવે છે. PM મોદીએ શરૂ કરેલી મોબાઇલ એપ્લિકેશનમાં આજે કોઇ ફિડબેક નથી. વાયબ્રન્ટની વાસી થઇ ગયેલી ઘટનાઓ દર્શાવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp