મંત્રીઓ નવા, PA પણ નવા, ફાઇલો ક્લિયર ન થતી હોવાથી લોકોને ધક્કા થતા હોવાની રાવ

PC: indianexpress.com

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવા છતાં રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં શિથિલતા આવી ચૂકી છે. નવા મંત્રીઓ અને તેમના નવા અંગત સ્ટાફના કારણે ફાઇલ નિકાલની આખી સિસ્ટમ ખોરવાઇ ચૂકી છે. ચોંકાવનારી બાબત તો એવી સામે આવી છે કે કેન્દ્ર સરકાર તરફથી રજૂ થયેલી કેટલીક દરખાસ્ત અને માગવામાં આવેલી સ્પષ્ટતાઓની ડઝનબંધ ફાઇલો પણ મંત્રીઓની ચેમ્બરમાં અનિર્ણાયક સ્થિતિમાં પડી રહી છે.

કેબિનેટ કક્ષાના બે સિનિયર મંત્રીઓ ઉપરાંત રાજ્યકક્ષાના ચાર મંત્રીઓની ચેમ્બરમાં ફાઇલોના ઢગલા ખડકાયા છે. રાજ્યકક્ષાના એક મંત્રીની ચેમ્બરમાં તો 300થી વધુ ફાઇલો નિકાલ વિના પડી રહી છે જેમાં કેટલીક વહીવટી પ્રક્રિયાની ફાઇલનો પણ સમાવેશ થાય છે. રાજ્યભરમાંથી આવતા અરજદારોની સંખ્યાબંધ રજૂઆતોનો સચિવાલયમાં કોઇ સ્પષ્ટ જવાબ મળી શકતો નથી.

સચિવાલયમાં ઉદ્યોગ, શહેરી વિકાસ અને મહેસૂલ વિભાગમાં આવતા અરજદારોને ધક્કા ખાવા સિવાય કંઇ મળતું નથી. એક ઉદ્યોગ પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે કેટલાક ઉદ્યોગજૂથોની જૂની દરખાસ્તો અને રજૂઆતોનો પણ કોઇ જવાબ મંત્રીઓ તેમજ સેક્રેટરીઓના કાર્યાલયમાં મળી શકતો નથી. કેટલાક મંત્રીઓના કાર્યાલયમાં ફાઇલ નિકાલની સિસ્ટમમાં પર્સનલ સેક્રેટરી કે પર્સનલ આસીસ્ટન્ટ તરફથી વીવીઆઇપી, વીઆઇપી, અરજન્ટ અને તાકીદની અગત્યતા જેવા શબ્દો લખવામાં આવે છે છતાં મંત્રીઓને ફાઇલ નિકાલ માટેનો સમય મળતો નથી.

સપ્તાહના દર સોમવાર અને મંગળવારે અરજદારોની સમસ્યાઓને સાંભળવામાં આવે છે પરંતુ તેના પર પગલાં લેવામાં વિલંબ થતો હોવાથી અરજદારને સમયસર ન્યાય મળી શકતો નથી. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ફાઇલ નિકાલનું ટાઇમટેબલ બનાવ્યું છે તે પ્રમાણે કોઇ અધિકારી કે કર્મચારી સામાન્ય ફાઇલને સાત દિવસથી વધુ સમય સુધી રાખી શકતો નથી તેમ છતાં અધિકારીઓની ચેમ્બરમાં પણ ફાઇલો દિવસો સુધી પડી રહે છે.

જો કે કેબિનેટ કે રાજ્યકક્ષાના મંત્રીની ચેમ્બરમાં કેટલા સમયમાં ફાઇલનો નિકાલ કરવાનો થાય છે તેની વિભાગે કોઇ ગાઇડલાઇન કે સૂચના બહાર પાડી નહીં હોવાથી મંત્રીકક્ષાએ ફાઇલો મહિનાઓ સુધી પડી રહેતી હોય છે અથવા તો પ્રકરણને સમજ્યા વિના પાછી મોકલી દેવામાં આવે છે.

સચિવાલયમાં મંત્રીઓ નવા હોવાથી તેમને ફાઇલ સિસ્ટમમાં ખબર પડતી નથી. તેમના અંગત સ્ટાફના અધિકારી પણ નવા છે, જેમણે ભૂતકાળમાં કોઇ મંત્રી પાસે કામ કર્યું નથી તેથી તેઓ ખુદ અટવાય છે અને મંત્રીઓને ગેરમાર્ગે દોરે છે. આશ્ચર્ય એ વાતનું છે કે એક કેબિનેટ મંત્રી તેમના વિભાગની ફાઇલોને સમજવા તેમના પર્સનલ સેક્રેટરીના સ્થાને વિભાગમાંથી તેમના પરિચિત અધિકારીને બોલાવે છે. જો આવી સ્થિતિ રહી તો પ્રતિદિન લોકોના કામો અટવાઇ જશે અને વિકાસના દાવા ઉંધા પડી શકવાની દહેશત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp