31મી મે એ ગુજરાતના વહીવટી વડા તરીકે રાજકુમારની નિયુક્તિ નિશ્ચિત

PC: https://www.vibesofindia.com

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટાપાયે ફેરબદલ તોળાઇ રહ્યાં છે. આ મહિનાના અંતે રાજ્યના વહીવટી વડા પંકજકુમાર વયનિવૃત્ત થઇ રહ્યાં છે ત્યારે નવા ચીફ સેક્રેટરીની જગ્યા પર ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારની નિયુક્તિ થવાની સંભાવના વધી રહી છે. આ બદલાવ સાથે ઉચ્ચ અધિકારીઓની બદલીઓ પણ નિશ્ચિત બની છે, જે ઘણાં લાંબા સમયથી પેન્ડીંગ છે.

સચિવાલયમાં એક તરફ એવી અટકળો વહેતી થઇ છે કે જે રીતે પંકજકુમાર વહીવટી બાબતોમાં વિશેષ રસ લઇ રહ્યાં છે ત્યારે તેમને એક્સટેન્શન મળી શકે છે પરંતુ બીજી તરફ રાજકુમારની નિમણૂક માટેનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. પંકજકુમારની સાથે 1986 બેચના બીજા સિનિયર અધિકારી અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા પણ વયનિવૃત્ત થઇ રહ્યાં છે.

ગુજરાતમાં ચીફ સેક્રેટરીની નિયુક્તિ હંમેશા નાણા અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવમાંથી થતી હોય છે. પંકજકુમાર છેલ્લે ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ તરીકે કાર્યરત હતા. અત્યારે આ જગ્યાએ રાજકુમાર નિયુક્ત થયેલા છે તેથી તેમની શક્યતા પ્રબળ જણાય છે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી રાજ્યના ચીફ સેક્રેટરીના પદ પર સ્થિર અધિકારીની આવશ્યકતા છે.

જો પંકજકુમારને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તો તેઓ નવેમ્બર સુધી કામ કરી છે પરંતુ ડિસેમ્બરમાં ચૂંટણી હોવાથી તેમને ફરીથી એક્સટેન્શન આપવું પડે તેમ છે. સચિવાલયના ટોચના વર્તુળો જણાવે છે કે બે વખત એક્સટેન્શન આપવા કરતાં આ પોસ્ટ પર લાંબા સમય સુધી નિમણૂક કરવી હોય તો રાજકુમારનો ક્રમ આવી શકે છે. તેઓ જાન્યુઆરી 2025 સુધી એટલે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સુધી તેઓ રાજ્યના સુપ્રીમ પદ પર રહી શકે તેમ છે. રાજકુમાર 1987 બેચના અધિકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp