ગુજરાત CMOના સંયુક્ત સચિવને પાણીચું, પત્રિકા કાંડમાં ભૂમિકા હોવાની શંકા
ગુજરાતમાં સરકારી અધિકારીઓમાં મોટું માથું ગણાતા એક સચિવને નોકરીમાંથી પાણીચું આપી દેવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. પ્રધાનમંત્રી કાર્યાલયની એક સુચનાથી આ અધિકારીને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં લાંબો સમયથી ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી કરવામાં આવી છે. પત્રિકા કાંડની આખા સ્કિપ્ટ પરિમાલ શાહના કાર્યાલયમાં જ લખાઇ હોવાની આશંકાએ ગુજરાત સરકારે આકરુ પગલું લીધું છે. જો કે, જાણવા મળેલી વિગત મુજબ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સચિવ સ્તરેથી પરિમાલ શાહને રવાના કરવાની સુચના પછી ગુજરાત સરકારે નિર્ણય લીધો હોવાનું જાણકારોનું કહેવું છે. પરિમાલ શાહના છેડા આણંદના વિવાદાસ્પદ એડિશનલ કલેકટર કેતકી વ્યાસ સાથે હોવાનું પણ સામે આવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી પત્રિકા કાંડે આખા ગુજરાતના રાજકારણને અને ખાસ કરીને ભાજપને હચમચાવી નાંખ્યું છે. જાણવા મળેલી વિગત મુજબ પત્રિકા કાંડમાં જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે હવે પત્રિકા કાંડની તપાસ પુરી થઇ છે. પરંતુ એ પછી ચોંકાવનારી એ વાત સામે આવી કે મુખ્યમંત્રી કાર્યાલયના સંયુક્ત સચિવ પરિમલ શાહની ઓફિસમાં જ પત્રિકા કાંડની સ્કિપ્ટ લખવામાં આવી હતી. આવી શંકા અત્યારે વ્યકત કરવામાં આવી રહી છે.
ઉપરાંત તાજેતરમાં આણંદના કલેકટર ડી. એસ. ગઢવીનું સ્ટીંગ ઓપરેશન કરનારા મહિલા એડિશનલ કલેકટર કેતકી વ્યાસના છેડા પણ પરિમલ શાહ સાથે જોડાયેલા છે. પરિમલ શાહને બહારના રસ્તો બતાડ્યા પછી હવે તેમના સ્થાન પર મુખ્યમંત્રી કાર્યાલયમાં OSD તરીકે ફરજ બજાવતા એ.બી પંચાલને સંયુક્ત સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. પરિમાલ શાહના મુદ્દે એક પણ સરકારી અધિકારી અત્યારે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
(એ.બી.પંચાલ)
પરિમલ શાહની જગ્યાએ આવેલા એ બી પંચાલ માટે એવું કહેવાય છે કે તેઓ બાહોશ અધિકારી છે. મોરબીમાં પુલ તુટવાની ઘટના હોય, કચ્છમાં ભૂંકપ હોનારત હોય કે કોરોના મહામારીના સમયે ઓક્સિજનનની વ્યવસ્થા ગોઠવવાની હોય તો મુખ્યમંત્રી કે નેતાઓના મોંઢે પહેલું નામ એ. બી. પંચાલનું જ આવે.
અરવલ્લીના ઇટડી ગામમાં જન્મેલા એ.બી. પંચાલ તેમના ગામની શાળામાં 7 ધોરણ સુધી ભણ્યા હતા. એ પછી તેમણે આગળનું શિક્ષણ મોડાસા હાઇસ્કુલમાં મેળવ્યુ હતું. એ પછી અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાંથી તેમણે મિકેનિકલ એન્જિનિયરમાં ડિગ્રી મેળવી હતી. એ પછી પંચાલ સરકારી નોકરીમાં જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp