સુરત પાલિકામાં 1 કરોડનું કૌભાંડઃ કબાટ મળી શકે તેટલા રૂપિયા કચરાપેટી માટે ખર્ચ્યા

તમે બજારમાં 20 ગેજનું પતરું, સાડા છ ફૂટ બાય 3 ફૂટનો મજબૂત કબાટ લેવા જાવ તો તેની કિંમત તમને સાત હજાર રૂપિયા ફર્નિચરવાળો કહે. પરંતુ આટલા જ ગેજના પતરાવાળી અને આ કબાટની સાઈઝની અડધી હાઈટવાળુ અને ઓછી પહોળાઈવાળું પેડલ ડસ્ટબીન ખરીદવા સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 13,500 ખર્ચ કર્યા અને તેને રસ્તા પર ફીટ કરાવવા માટે 800 રૂપિયા મળી રૂ. 14,300નો ખર્ચ કરી નાંખ્યો!! છે ને આશ્ચર્ય પમાડનારી બાબત. પણ આ હકીકત છે. ‘khabarchhe.com’એ સુરત મહાનગર પાલિકાએ ખરીદેલા પેડલ ડસ્ટબીનનું એક વેપારી પાસે પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું. ડસ્ટબીનનું માપ છે- 38 ઈંચ લંબાઈ, 18 ઈંચ પહોળાઈ, 36 ઈંચ ઊંચાઈ. એટલે કે 3.3 બાય 1.5 બાય 3 ફૂટનું પોસ્ટ બોક્સ જેવું ડસ્ટબીન છે. તેની બનાવટમાં 20 ગેજનું પતરું વપરાયું હોવાનું બહાર આવ્યું. અમે આ વેપારી પાસેથી તેનો બજાર રેટ કઢાવ્યો તો તે મજૂરી અને ફીટીંગ સાથે રૂ. 6500થી 8000નો અંદાજ આપવામાં આવ્યો. જેથી, સીધી રીતે જ કહીં શકાય કે આરોગ્ય વિભાગે આ પેડલ ડસ્ટબીન ખરીદવામાં કંઈ તો ડસ્ટબીનદીઠ રૂ. 5000નો ‘ખેલ’ કર્યો છે. આવી 2000 જેટલી ડસ્ટબિન મૂકવામાં આવી છે. એટલે લગભગ 1 કરોડનો કડદો કરાયો હોવાનું દેખાઇ રહ્યું છે.


પાલિકા માટે ડસ્ટબીનનું પહેલું સેમ્પલ બનાવવાનો દાવો કરનારા વર્કશોપના માલિકે કહ્યું કે..‘ 6500માં મેં બનાવ્યું હતું, 10 હજાર ચુકવી દીધા પણ ઓર્ડર ન આપ્યો, હાલની ડસ્ટબીનમાં લોકલ મટિરિયલ છે’પહેલું સેમ્પલનું ડસ્ટબીન બનાવનાર સુધી ‘khabarchhe.com’ની ટીમ પહોંચી અને સચ્ચાઈ જાણવાની કોશિશ કરી. આ શખ્સે અમને કહ્યું કે મેં ફૂલ પાવડર કોટિંગ, 18 ગેજ પતરું અને ચારે તરફ અને જમીનમાં ફીટ કરવાની મજબૂત એંગલથી ઉપરની તરફ ખુલતું ડસ્ટબીન બનાવ્યું હતું. જે મને રૂ. 6500માં ઘરમાં પડ્યું હતું. મારી પાસે 200 નંગ બનાવવાની વાત કરાઈ હતી પરંતુ બાદમાં તેઓએ ડીઝાઈન બદલી નાંખી અને બારોબાર બીજે ક્યાંક ઓર્ડર આપી દીધો. જેનું મટિરિયલ પણ ઠીક છે. જે રકમ હાલ બતાવાઈ રહી છે તે ખૂબ જ વધારે છે.

 કન્ટેનર ફ્રી સિટી કરવાની લ્હાયમાં આ કોન્સેપ્ટ લાવ્યા અને...

સુરત મહાનગર પાલિકાએ સ્વચ્છતામાં અગ્રીમ નંબર મેળવવા માટે શહેરને કન્ટેનર ફ્રી સિટી બનાવવાની તૈયારી કરી. કચરો નાંખવા ઠેરઠેર મુકાયેલા એક હજારથી વધુ મોટા કન્ટેનરો ખસેડી લીધા. તેની જગ્યાએ કેટલાક કમર્શિયલ સહિતના વિસ્તારોમાં 2000 જેટલી પેડલ ડસ્ટબીન 100-100 મીટરના અંતરે મુકી હતી. દિવાળી પૂર્વે જ રૂ. 13,500ના ખર્ચે વિના ટેન્ડરે આ ડસ્ટબીન ખરીદીને મુકાઈ હતી. જોકે, મુકતા સાથે જ આ ડસ્ટબીન પોતે ‘ડસ્ટ’ સાબિત થઈ અને તેના લોક, કચરો નાંખવા ઓપન કરવાની ફ્લેપ, દરવાજા તૂટી ગયા. ઘણી જગ્યાએ તો તેને ઉખેડી લઈ જવાય છે. જેથી, આરોગ્ય વિભાગે બમણી રકમ ચુકવી આ તકલાદી ડસ્ટબીન ખરીદી હોવાનું ફલિત થઈ રહ્યું છે.

વિપક્ષે પણ ઉઠાવ્યો હતો ભ્રષ્ટાચારનો મુદ્દો

બે મહિના પહેલા વિપક્ષ કોંગ્રેસના નગર સેવક શૈલેષ રાયકા તથા અન્યોએ સામાન્ય સભામાં આ તકલાદી ડસ્ટબીન ખરીદવા આરોગ્ય વિભાગના અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવી તપાસ કરાવવાની માગ કરી હતી. આ હંગામાને જોતા મેયર ડો. જગદીશ પટેલ અને કમિશનર થૈન્નારસને તપાસ કરાવવાની બાંયેધરી આપી હતી. ત્યારબાદ આવી બીજી ડસ્ટબીન ખરીદવા પર રોક લગાવી જૂની ઝૂલતી ઓપન ડસ્ટબીન મુકવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યવાહી બાદ રાયકાએ ત્રણ પત્ર લખી શું તપાસ કરાવી અને કોની સામે પગલાં લીધા તે ખુલાસો માંગ્યો છે. પણ હજી સુધી તેમને પ્રત્યુત્તર પણ આપવાની તસ્દી લેવાય નથી. હવે મનપા કમિશનર થૈન્નારસન આ પેડલ ડસ્ટબીનમાં થયેલા ભ્રષ્ટાચારની ઝડપી તપાસ કરાવી જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારીઓને નશ્યત કરે તે જરૂરી છે.

 તપાસ કરી રહ્યાં છે: વિજિલન્સ વિભાગ

આ અંગે ‘khabarchhe’એ સુરત મહાનગર પાલિકાના વિજિલન્સ અધિકારી જયેશ ચૌહાણને પૃચ્છા કરી તો તેઓએ કહ્યું કે હા, અમને તપાસનું કહેવાયું છે. અમે તમામ ઝોન પાસેથી ખરીદી સહિતની વિગતો માંગી છે. બાકીના ઝોનમાંથી પણ માહિતી આપી ગયા બાદ અમે તપાસ કરી કમિશનરને રિપોર્ટ આપીશું.


મહાપાલિકાએ કેમ આવા અખતરાની જરૂર પડી?

સુરત મહાનગર પાલિકા સ્વચ્છ સર્વેક્ષણમાં ચોથા નંબરથી સીધી ફેંકાઈને 14માં ક્રમે ધકેલાઈ ગઈ છે ત્યારે ફરી અગ્રીમ ક્રમ આવે તે માટે હવાતિયા મારતા મનપાના અધિકારીઓ અને શાસકો કમર્શિયલ વિસ્તારમાં 100-100 મીટરને અંતરે પેડલ ડસ્ટબીન મુકવા સહિતનું આયોજન કરી રહ્યાં છે. જોકે, પેડલ ડસ્ટબીનમાં જગ્યા ખૂબ જ નાની હોવાથી અને તકલાદી મટિરિયલને કારણે કચરો અંદર ઓછો અને બહાર વધુ જોવા મળે છે. મનપાએ ડોર ટુ ડોરની ગાડીઓનું સંચાલન પણ કેટલાક વિસ્તારમાં બે ટાઈમ કરી દીધું છે છતાં આવી જગ્યાઓ પર કચરો તો દેખા દે જ છે. 1016 કન્ટેનર તો ખસેડી લેવાયા અને ઘણી જગ્યાઓ પર ઝાડ-ફૂલ રોપાયા તો ઘણી જગ્યાઓ પર બેસવાના બાકડા મૂકી શાસકો ત્યાં બેસવા પણ જઈ રહ્યાં છે તેમ છતા ઘણી જગ્યાઓ પર લોકો ખાલી જગ્યા પર કચરો ઠાલવીને જઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp