ગુજરાતમાં આ વર્ષે થશે ગીધોની વસ્તી ગણતરી, જાણો કેટલા બચ્યા હોવાનો અંદાજ છે ?

PC: youyube.com

કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધ પક્ષીની ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. આ પક્ષીઓની સંખ્યા સતત કેમ ઘટતી જાય છે તે મોટો સવાલ છે. આપણે જ આપણાં સફાઇ કામદાર એવાં ગીધ પક્ષીને મારી નાંખ્યા છે. ગીઘની વસતી ઘટવાનું મુખ્ય કારણ એગ્રીકલ્ચરમાં વધતા પેસ્ટ્રીસાઇડ છે.

ગુજરાતમાં 2020ના મધ્યમાં ગીધની ગણતરી કરવામાં આવનાર છે તે પહેલાં વન વિભાગના ચોંકાવનારા આંકડા પ્રાપ્ત થયા છે. હાલના તબક્કે ગીધની સંખ્યા માત્ર 700ની આસપાસ હોવાનું અનુમાન છે. ચોંકાવનારી બાબત એવી છે કે દેશમાં પણ ગીધની વસતીમાં ઘટાડો થયો છે.

રાજ્યના વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગીધની વસતીમાં 2018ના વર્ષમાં 43 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો પરંતુ 2020માં થનારી ગણતરીમાં ગીધની વસતીમાં 18 ટકા જેટલો ઘટાડો થાય તેવી સંભાવના છે. રાજ્યમાં 2016ની ગણતરી પછી 999 ગીધ જોવા મળ્યા હતા જ્યારે 2018ની ગણતરી પ્રમાણે રાજ્યમાં 820 ગીધ હોવાનું જણાયું છે, આ આંકડો ચોંકાવનારો છે.

ભારતમાં ગીધની ત્રણ પ્રજાતિઓ લુપ્ત થવાની કગાર પર પહોંચી ગઈ છે. ગીધની સંખ્યા ત્રણ દાયકામાં ઘટની એટલી ઘટી ગઈ છે કે આ મામલો હવે સંસદમાં પહોંચ્યો છે. આંકડા અનુસાર, 80ના દાયકાથી દેશમાં ગીધોની સંખ્યામાં 99.95 ટકાનો ઘટાડો થયો છે. અર્થાત દેશમાં ફક્ત 0.05 ટકા ગીધ બચ્યા છે.

વર્ષ 1980 સુધી દેશમાં ત્રણ પ્રજાતિના 4,00,00,000 ગીધ હતાં. એમાં સફેદ પૂંછવાળા, લાંબી ગરદન વાળા અને પાતળી ગરદન ગીધ સામેલ હતાં. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડકરે થોડાં સમય પહેલાં લોકસભામાં કહ્યું કે, બોમ્બે નેચરલ સોસાયટી (બીએનએસ) એ સફેદ પૂંછવાળા, લાંબી ગરદનવાળા, અને પાતળી ગરદનવાળા ગીધનું સર્વેક્ષણ કરાવ્યું હતું જેમાં 80ના દાયકાની શરૂઆત સુધી દેશમાં આ ત્રણ પ્રજાતિના 4 કરોડ ગીધ ઉપસ્થિત હતા પરંતુ 2015માં ધ્યાનમાં આવ્યું કે સફેદ પૂંછવાળા ગીધોની સંખ્યામાં ઘટાડો ઓછો થયો છે, પરંતુ લાંબી ગરદનવાળા ગીધોની સંખ્યા સતત ઘટી રહી છે.

2017માં પ્રકાશિત સર્વે અનુસાર, દેશમાં 6000 સફેદ પૂંછવાળા, 12000 લાંબી પૂંછવાળા અને 1000 પાતળી ગરદનવાળા ગીધ બચ્યા હતા. કેન્દ્ર સરકારે પણ કબૂલ કર્યું છે કે ગીધની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. રાજ્યના વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે પશુઓને દુખાવામાં રાહત આપતી દવા ડાઈક્લોફેનિક ગીધોની સંખ્યા ઘટવા માટે જવાબદાર છે પરંતુ હવે નવી દવા મેલોક્સિકેમ આવી ગઈ છે, જે ગીધો માટે હાનિકારક નથી.

ગીધને બચાવવા માટે દેશના વિવિધ રાજ્યોમાં 8 વલ્ચર કંજર્વેશન બ્રીંડિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. હરિયાણાના પિંજૌર, પશ્ચિમ બંગાળના રાજભટખ્વા, અસામના રાનીમાં અને ભોપાલ નજીક કેરવામાં સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતના જૂનાગઢ, ઓરિસ્સાના નંદનકાનન, તેલંગાણાના હેદ્રાબાદ અને રાંચીના મુતામાં એક-એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.

પક્ષી ગણતરીમાં સામેલ રહેતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 2007 માં રાજ્યમાં 1,431 ગીધ હતા પરંતુ હવે માત્ર 820 ગીધ જ બાકી રહ્યાં છે. રાજ્યના વન મંત્રી ગણપત વાસવાએ સ્વીકાર્યું હતું કે રાજ્યમાં ગીધની વસતીમાં ઘટાડો થયો છે. સ્કવેન્જર પક્ષીઓ માટે સલામત ઝોન તરીકે ગણવામાં આવતા વિસ્તારોમાં પણ સંખ્યા ઘટી રહી છે. "2016 માં, ગિરનારમાં અને તેની આસપાસના અંદાજ મુજબ 131 ગીધ હતા. પરંતુ તે સંખ્યા હવે 100ની અંદર છે.

ગીધની કુલ 9 પ્રજાતિમાંથી ગુજરાતમાં માત્ર ચાર પ્રકારનાં જ ગીધ છે. જેમાં સફેદ પીઠ ગીધ, ગીરનારી ગીધ, ખેરો અને રાજગીધનો સમાવેશ થાય છે. 2012માં થયેલી ગણતરીમાં સફેદ પૂંછવાળા ગીધની સંખ્યા 577 હતી અને લાંબી ચાંચવાળા ગીધની સંખ્યા 361 નોંધાઈ હતી. આમ ગુજરાતમાં કુલ ગીધની સંખ્યા 938 હોવાનું રેકોર્ડ પર નોંધવામાં આવ્યું હતું. જે પ્રકારે ભૂતકાળમાં ગીધોની ગણતરી કરવામાં આવી હતી તેવી જ રીતે માથા ગણીને 2018માં ગીધની ગણતરી કરવામાં આવી હતી.

ગણતરી માટે ડાળ, ખોરાકી સ્થળો અને માળાઓ પર તપાસ કરવામાં આવી હતી. 2012માં થયેલી વસતી ગણતરી બાદ રાજ્યમાં કેટલા ગીધ ઓછા થયા કે વધ્યા એનો અંદાજ આવી શકે એમ છે. જંગલ ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ 2010માં થયેલી ગણતરીમાં 1,039 ગીધ નોંધાયા હતા.

કેટલાક સૂત્રો કહે છે કે 2014માં સરકારે એટલા માટે ગીધોની વસતી ગણતરી કરવાનું માંડવાળ કર્યું હતું કે સરકારને આ મુદ્દે ભારે ટીકા સહન કરવાનો વારો આવી શકે એમ હતો. જંગલ ખાતાનાં સત્તાવાર સૂત્રો કહે છે કે સુરેન્દ્રનગર અને આણંદમાં ગીધોનાં પ્રજનનમાં સુધારો થયો હોવાના રિપોર્ટ છે.

આ અહેવાલોનાં કારણે ખાતાને ગણતરી કરવા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે અને લાંબા ગાળાનાં બ્રેક પછી ગણતરી શક્ય બની હતી. સર્વે દરમિયાન જણાઇ આવ્યું હતું કે અમદાવાદમાં 88 જીપ્સ અને 38 ઈજિપ્શિયન ગીધ જ્યારે મહેસાણામાં 68 જીપ્સ અને 14 ઈજિપ્શિયન ગીધ મળી આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં જીપ્સ ગીધનું સંકેન્દ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 2020માં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢ ને મેટ્રોપોલિટન શહેરોમાં ગીધોની ગણતરી કરવામાં આવનાર છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp