વડોદરા, સુરત અને ભરુચમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ CM યોગીના પૂતળાનું દહન કર્યું

PC: dainikbhaskar.com

ઉત્તર પ્રદેશમાં હાથરસમાં બનેલી દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઇ દેશના લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. અલગ-અલગ જગ્યા પર લોકોનો વિરોધ પણ સામે આવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળવા જઈ રહ્યા હતા. તે સમયે પોલીસ દ્વારા રાહુલ ગાંધીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા અને રાહુલ ગાંધી જમીન પર પટકાયા હતા. પોલીસના બળપ્રયોગના કારણે રાહુલ ગાંધી જમીન પર પટકાયા હોવાથી દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.

હવે કોંગ્રેસના કાર્યકર્તાઓનો રોષ ગુજરાતમાં પણ જોવા મળ્યો છે. પોલીસે રાહુલ ગાંધી પર બળપ્રયોગ કરતાં વડોદરાના કોંગ્રેસના કાર્યકર્તાઓ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે એકઠા થયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ CM યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ યોગી આદિત્યનાથની તસવીર પર ચપ્પલ માર્યા હતા.

આ ઘટનાની જાણ નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને થતા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના 10 કાર્યકર્તાઓને અટકાયત કરી હતી. જો કે, પોલીસ ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરી દીધુ હતું.

તો બીજી તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ જાહેર રસ્તા પર CM યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસે યોગી આદિત્યનાથના પૂતળાનું દહન કરીને યોગી આદિત્યનાથના રાજીનામાની માગ કરી છે.

આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિરોધ સુરતમાં પણ સામે આવ્યો હતો. સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ CM યોગી આદિત્યનાથ અને ભાજપના પૂતળાનું મક્કાઈ પુલ પાસે દહન કર્યું હતું. મક્કાઈ પુલ પાસે એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાહેરમાં હાય રે યોગી સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વિરોધ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. પોલીસે કોંગ્રેસના 15 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ CM યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp