ગુજરાતના મેડિકલ વિદ્યાર્થીઓને અન્યાય, શું ગુજરાત નધણિયાતું ખેતર છે?

PC: Caravan Daily.com

ગુજરાત રાજ્ય વાલી મંડળ પ્રમુખ, ઓર્થોપેડિક સર્જન ડો. કનુભાઈ જે. પટેલ કહે છે કે મેડિકલમાં ઍડમિશનનો વિવાદ ચરમસીમાએ છે. શિક્ષણના દલાલોની બદમાશીથી ગુજરાતી વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. ન્યાયની દેવીના આંખે પાટા બાંધેલા છે અને ગુજરાત સરકારના હાથ બંધાયેલા છે..!? અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવીને શિક્ષણની હાટડીઓ ખોલીને બેઠેલા શિક્ષણના દલાલો ગેલમાં છે કેમકે ડોમિસાઇલ અંગે ગુજરાત સરકારના 1964ના ઠરાવ છતાં (મૂળ ઠરાવ 1950નો છે, પણ ત્યારે અલગ ગુજરાત રાજ્ય નહોતું, તેથી આપણે 1964ના ઠરાવને આધાર માનીએ.) 'માનનીય અદાલતે' કેટલાક બહારના વિદ્યાર્થીઓની અપીલ ગ્રાહ્ય રાખીને ગુજરાત એમબીબીએસ પ્રવેશ સમિતિને નોટિસ આપી છે. 'માનનીય અદાલત' ના આ પગલાથી મૂળ ગુજરાતી વિદ્યાર્થીઓ ટૅન્શનમાં છે, કેમકે બહારના વિદ્યાર્થીની સરખામણીમાં બે-ચાર માર્કના તફાવતને કારણે ઘરના વિદ્યાર્થીઓનું ઍડમિશન જોખમમાં આવી શકે છે. ગુજરાત સરકારનો સત્તાવાર ખુલાસો તો એવો છે કે અમે તો બે વર્ષથી આ પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયાસ કરીએ છીએ, પરંતુ મામલો અદાલતમાં છે. 

શાસન, વહીવટીતંત્ર, રાજકારણીઓ, પોલીસતંત્ર, ન્યાયતંત્ર...આ બધાને ઘણી વાર ખ્યાલ જ નથી આવતો કે અસંતોષ અને આંદોલનની આગ ક્યારે-ક્યાંથી ફૂટી નીકળે છે. દરેક તંત્ર પોતપોતાની ગણતરી મુજબ, પોતપોતાની બંધારણીય અને કાયદાકીય જવાબદાર મુજબ પગલાં લે છે, પરંતુ એ પગલાં હંમેશાં ન્યાયી હોય એવું બનતું નથી. બરાબર આ જ સ્થિતિ હાલ ગુજરાતમાં ઊભી થઈ છે. ડોમિસાઇલના મુદ્દાને વિવાદનો મુદ્દો બનાવીને કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવવા માગે છે અને એ રીતે ગુજરાત રાજ્યમાં કાયમ માટે મેડિકલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા ખોરવી નાખવા માગે છે. 

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવીને શિક્ષણની હાટડીઓ ખોલી બેઠેલા લોકો તેમના ટૂંકા સ્વાર્થ માટે જે ખેલ ખેલી રહ્યા છે તેનાથી અદાલતના માધ્યમથી તેઓ કદાચ જીતી જશે પરંતુ તેને કારણે ગુજરાતી વિદ્યાર્થીઓને જે અન્યાય થશે – આ વિદ્યાર્થીઓના વાલીઓને પીડા થશે તેનો કોઈને અંદાજ જ નથી. 

સવાલ એ થાય છે કે એકાદ વર્ષ પહેલાં અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં માત્ર 12મું ધોરણ ભણવા આવનાર વિદ્યાર્થીઓ ગુજરાતી કેવી રીતે થઈ જાય? 

સવાલ એ થાય છે કે માત્ર 12મું ધોરણ ભણીને મેડિકલમાં પ્રવેશ લેવા માટે તેઓ ગુજરાતમાં શા માટે આવ્યા છે? 

સવાલ એ થાય છે કે માંડ એક વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર 12મું ધોરણ ભણવા આવેલા વિદ્યાર્થીઓને જો 'ન્યાય' આપવા માટે રાજ્યની મેડિકલ કૉલેજોમાં પ્રવેશ આપવામાં આવશે તો પછી ગુજરાતમાં જન્મીને ઉછરેલા વિદ્યાર્થીઓ માટે પોતાના વતન રાજ્ય ગુજરાતમાં મેડિકલમાં પ્રવેશ મેળવવા માટેના 'કુદરતી ન્યાય'નું શું થશે? 

અદાલતના આ આદેશને કારણે જે ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ મેડિકલમાં પ્રવેશ નહીં મળવી શકે તેમણે શું અન્ય રાજ્યો પ્રવેશ આપશે? 

અદાલતોમાં કેસ લડતા ક્લાસિસના સંચાલકો તેમજ તેમના વકીલો શું એ ખાતરી આપી શકે એમ છે કે જે ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અન્યાય થશે તેમને એ લોકો અન્યત્ર પ્રવેશ અપવાશે? 

ધારી લો કે કદાચ અન્ય રાજ્યમાં પ્રવેશ મળે (જે શક્ય તો નથી જ કેમકે ત્યાં પણ ડોમિસાઇલનો મુદ્દો છે જ) તો ગુજરાતી છોકરા-છોકરીઓને પોતાનું વતન-રહેણીકરણી અને ખોરાકની ટેવો છોડીને એવી જગ્યાએ જવું પડશે જ્યાં એમાંનું કશું જ નહીં હોય એનું શું? સાથે એવા વિદ્યાર્થીઓના વાલીઓની પીડાનું શું?

આ ગુજરાતી વિદ્યાર્થીઓના કુદરતી ન્યાયના હનન માટે જવાબદાર કોણ ગણાશે?

હકીકત એ છે કે મેડિકલ ઍડમિશનની પ્રથા અને પ્રક્રિયા અનુસાર જે તે રાજ્યના પોતાના વિદ્યાર્થીઓને 85 ટકા બેઠક ફાળવવી અને બાકીની 15 ટકા બેઠક અન્ય રાજ્યના અથવા એનઆરઆઈ અથવા મૅનેજમૅન્ટ ક્વોટા માટે રાખવી. આ પ્રથા અને પ્રક્રિયાનું પાલન વર્ષોથી થાય છે, પરંતુ ગુજરાતમાં આ પ્રક્રિયામાં ભંગાણ પાડી દેવાનો કારસો રચાઈ રહ્યો છે.  

આ કારસો રચવા માટે બહારનાં તત્વો જેટલાં જવાબદાર છે એટલા જ જવાબદાર ગુજરાતનાં તત્વો પણ છે. બહારના તત્વો જાણે છે કે સરેરાશ ગુજરાતી વેપારી માનસિકતા ધરાવે છે. અને વેપારમાં નફા માટે કંઇપણ કરી શકાય. વળી આવી વેપારી માનસિકતાને કારણે શિક્ષણ અને મૅરિટનું સ્તર પણ એવું છે કે બહારનાં તત્વોને તેનો દૂરુપયોગ કરવાની તેમજ મજાક ઉડાવવાની તક મળી રહે છે. 'ભોળા' ગુજરાતીને સારા માર્ક આવ્યા પછી પણ બીજી લાઈન લેવા કન્વિન્સ કરી શકાય છે અથવા અન્ય દેશમાં જવા સમજાવી દઈ શકાય છે.  

ઉચ્ચ શિક્ષણ મેળવેલા ગુજરાતીઓને ક્લાસિસ ખોલવા માટે મૂડી રોકાણ કરવા 'સમજાવી' લઈ શકાય છે અને પછી એ જ ક્લાસિસમાં અન્ય રાજ્યોના શિક્ષકો અન્ય રાજ્યોના વિદ્યાર્થીને ભણાવે અને એ વિદ્યાર્થીઓ 'મૅરિટ'નો હવાલો આપીને 'માનનીય અદાલત' માંથી ઍડમિશનનો હુકમ મેળવી આવે..! અને આ બધા ઉપરાંત પાછો અનામતનો માર..!

આ એક અતિશય ખતરનાક વિષચક્ર ચાલે છે. તેની સામે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ અને વાલીઓએ અવાજ ઉઠાવ્યો છે. તેઓ શક્ય ત્યાં બધે રજૂઆત કરી રહ્યા છે અને આવેદન આપી રહ્યા છે, પરંતુ કમનસીબે આ વર્ગની વાત સાંભળનાર બહુ ઓછા લોકો છે. હાલ આંદોલન કરી રહેલો આ વર્ગ ઉચ્ચ મધ્યમવર્ગીય છે જે નથી રસ્તા ઉપર આવીને સૂત્રોચ્ચાર કરી શકતો કે નથી તોડફોડ અને હિંસા કરી શકતો. તેનું પરિણામ એ આવ્યું છે કે સામાન્ય રીતે દરેક બાબતમાં કૂદી પડતું મીડિયા પણ હાલ આ ગુજરાતી વાલીઓ અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આગળ આવતું નથી. 

ગુજરાત જાણે નધણિયાતું ખેતર હોય એવી સ્થિતિ થઈ રહી છે. બીજાં રાજ્યો પોતે પ્રગતિ અને વિકાસ કરી શકતાં નથી એ કારણે મોટી સંખ્યામાં લોકો રોજગારી માટે અહીં આવે છે અને તેમ છતાં અન્ય રાજ્યોના રાજકારણીઓનો,  વહીવટીતંત્રનો,  અધિકારીઓનો તેમજ અન્ય રાજ્યોના મીડિયાનો ગુજરાત પ્રત્યેનો દ્વેષ તો ઓછો થતો જ નથી. 

આ તમામ કારણોસર ગુજરાત ખૂબ ઝડપથી પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. દસેક વર્ષ પહેલાં માત્ર સુરતમાં હિન્દીભાષીઓની સંખ્યા વધારે હતી... પણ આજે રાજ્યના દરેક મોટાં શહેરમાં હિન્દી વિના ચાલતું નથી. મૂળ ગુજરાતી પણ હિન્દી ન બોલે તો એનું કામ ન થાય એ સ્થિતિ મેં પોતે અનુભવી છે.

ફરી એક વખત કહું છું કે કોઈ ભાષા પ્રત્યે, કોઈ પ્રદેશના લોકો પ્રત્યે દ્વેષ કે રોષ નથી, પરંતુ પોતાની ભાષા-સંસ્કૃતિ ખતમ થઈ રહ્યાનું દુખ જરૂર છે. તેમ ડો. કનુભાઈ પટેલે જણાવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp