અમદાવાદમાં રૂ. 1500 આપો 15 મિનિટમાં આયુષ્માન કાર્ડ તૈયાર

PC: x.com/gujaratpolice

આયુષ્માન કાર્ડ માટે લાયક ન હોવા છતાં અમદાવાદમાં ફક્ત હોસ્પિટલોની વિનંતી પર માત્ર 15 મિનિટમાં 1500 રૂપિયા વસૂલીને આયુષ્માન કાર્ડ બનાવી આપનારાઓનો પર્દાફાશ થયો છે. પોલીસે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે, અને ક્રાઈમ બ્રાન્ચે છેલ્લા 6 મહિનામાં આરોપીઓએ બનાવેલા 3 હજાર આયુષ્માન કાર્ડની વિગતો એકઠી કરીને તપાસ શરૂ કરી છે.

અહીંની ખ્યાતી હોસ્પિટલે વધારે રૂપિયા કમાવવાની લાલચને કારણે આયુષ્માન યોજના હેઠળ એક જ ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી હતી, જેમાંથી બે દર્દીઓના મોત નિપજ્યા હતા. તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી છે.

તપાસ દરમિયાન જ્યારે ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતી હોસ્પિટલમાં PMJAY પોર્ટલ સાથે સંબંધિત કામ કરતા મેહુલની પૂછપરછ કરી, ત્યારે મેહુલે ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે તે જરૂરી દસ્તાવેજો સાથે દર્દીઓના આયુષ્માન કાર્ડની પ્રક્રિયા કરતો હતો, પરંતુ જેના દસ્તાવેજોમાં કોઈ ખામી રહી ગઈ હોય અથવા પછી જો કોઈ અછત હોય તો તેની વિગતો ખ્યાતી હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલ અને CEO ચિરાગ રાજપૂતને મોકલવામાં આવી હતી. ત્યાર પછી દર્દી તેના માટે લાયક ન હોવા છતાં આયુષ્માન કાર્ડ બનાવવામાં આવતું હતું. આ મામલો સામે આવ્યા પછી હાલમાં ડિરેક્ટર કાર્તિક પટેલ ફરાર છે.

આ કેસની તપાસ દરમિયાન ખ્યાતી હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતની જ્યુડિશિયલ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ચિરાગ અને કાર્તિક પાત્ર ન હોવા છતાં દર્દીઓ માટે આયુષ્માન કાર્ડ બનાવતા હતા.

સામાન્ય રીતે આયુષ્માન કાર્ડ બનાવવા માટે 48 થી 72 કલાકનો સમય લાગતો હોય છે, તે કાર્ડને નિમેષ ડોડીયા ફક્ત 15 મિનિટમાં બનાવીને અમને આપી દે છે. ક્રાઈમ બ્રાન્ચના DCP અજિત રાજિયનના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા છ આરોપીઓ દ્વારા બનાવવામાં આવેલા 3 હજાર આયુષ્માન કાર્ડમાંથી 150 કાર્ડ નિમેશ ડોડિયા દ્વારા ખ્યાતિ હોસ્પિટલને આપવામાં આવ્યા હતા અને તેમની સારવાર પણ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત તે દર્દીઓ કોણ છે, તેમની શું સારવાર કરવામાં આવી છે, લાયક ન હોવા છતાં આયુષ્માન કાર્ડ બનાવીને સારવારના નામે કેટલા રૂપિયા વસૂલવામાં આવ્યા છે તેની વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ખ્યાતી હોસ્પિટલ કેમ્પનું આયોજન કરતી હતી અને લોકોના આરોગ્યની તપાસ કરતી હતી. ત્યાર પછી વધારાની સારી સારવારના નામે લોકોને હોસ્પિટલમાં બોલાવવામાં આવતા હતા. જેઓ આયુષ્માન કાર્ડ ધરાવતા ન હતા, તેમના કાર્ડ બનાવવામાં આવ્યા અને કાર્ડની મદદથી તેમની તાત્કાલિક સારવાર કરવામાં આવી. ખ્યાતી હોસ્પિટલના ચિરાગ અને કાર્તિક 1500 રૂપિયા લઈને માત્ર 15 મિનિટમાં આયુષ્માન કાર્ડ બનાવડાવી લેતા હતા. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે, જેમના દસ્તાવેજોમાં અમુક ખામીઓ હતી અથવા જે તેને માટે લાયક ન હતા તેના પણ કાર્ડ બનાવવામાં આવતા હતા.

JCP શરદ સિંઘલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે PMJAY કાર્ડ બનાવવા માટે ડિજિટલ મેનેજમેન્ટનું કામ 'Anser Communication Private Limited'ને સોંપ્યું છે. નિખિલ પારેખ જે ફરાર છે તે તેના M.D. છે. જેમણે આયુષ્માન કાર્ડ બનાવતી વખતે મંજૂરી આપવા માટે નિમેષને 20 હજાર રૂપિયામાં માસ્ટર ID અને પાસવર્ડ આપી દીધો હતો. નિમેશ ડોડિયા આયુષ્માન કાર્ડ બનાવવા માટે ઓનલાઈન પોર્ટલ ચલાવતો હતો અને વોટ્સએપ અને ટેલિગ્રામ પર ગ્રુપ બનાવીને અલગ અલગ કાર્ડ બનાવવા માટે જાહેરાત કરતો હતો. આ કામમાં અસ્ફાક, ફૈઝલ, ઈમરાન, ઈમ્તિયાઝ અને નરેન્દ્રએ પણ તેમનો સાથ આપ્યો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ વતી એવું કહેવામાં આવ્યું છે કે, આ 6 આરોપીઓએ 3 હજાર આયુષ્માન કાર્ડ બનાવ્યા છે, જેમાંથી કેટલાક લાયક પણ હોઈ શકે છે. પરંતુ અત્યાર સુધીની તપાસમાં કેટલાક કાર્ડ બિહારના રહેવાસી રાશિદની મદદથી પણ બનાવવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે, એવું લાગતું નથી કે આ કાર્ડ માત્ર ગુજરાતમાં જ બની રહ્યા હતા અથવા માત્ર રાજ્ય પૂરતા મર્યાદિત હતા.પરંતુ, આ પ્રકારના કાર્ડ અન્ય રાજ્યોના લોકોએ પણ બનાવડાવ્યા હશે. હાલ ક્રાઈમ બ્રાન્ચ આ કેસની તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp