ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ગુજરાતના આ જિલ્લામાં ગાબડું, 7ના રાજીનામા

PC: twitter.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભરૂચના 7 કોંગ્રેસી નેતાઓએ રાજીનામા ધરી દેતા ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. 25  વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાઓના રાજીનામાથી રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો છે. ગુજરાત કોંગ્રેસમાં જે રીતે કાર્યકરો અને નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે એ જોતા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થશે.તેમાં પણ ભરૂચ જિલ્લો એ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહમદ પટેલનો ગઢ માનવામાં આવે છે. જો કે કોંગ્રેસના જે નેતાઓએ રાજીનામા આપ્યા છે, તેમણે કઇ પાર્ટીમાં જશે તે બાબતે ફોડ પાડ્યો નથી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ભરૂચમાં કોંગ્રેસના સાત નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ માટે તેણે જગદીશ ઠાકોરને જવાબદાર ઠેરવ્યા છે.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભરૂચમાં કોંગ્રેસના સાત નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. રાજીનામું આપનારાઓમાં ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી સોખી, પ્રદેશ યુવા મહામંત્રી નિકુલ મિસ્ત્રી, ભરૂચ શહેર ઉપપ્રમુખ કિરણ ચૌહાણ, ખજાનચી કિરણ પરમાર, જિલ્લા યુવા કોંગ્રેસના નેતા રાધે પટેલ અને પક્ષના કાર્યકરો કિશોર સિંહ અને રાકેશ ગોહિલનો સમાવેશ થાય છે. તેમણે આ પગલા માટે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને જવાબદાર ઠેરવ્યા હતા.

વિકી સોખીએ કહ્યું કે, અમે છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે છીએ અને તમામ ગંભીર સંજોગોમાં પાર્ટી સાથે જોડાયેલા હતા. ગત વર્ષની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારા ભરૂચના કોંગ્રેસના નેતાઓને અમે નામોની યાદી મોકલી છે. તેમ છતાં જગદીશ ઠાકોર અને આગેવાનોએ કોઈ પગલું ભર્યું ન હતું. જ્યારે અમે ફરીથી પૂછ્યું કે કેમ કોઈ પગલું ભર્યું નથી, તો અમને પ્રદેશ પ્રમુખનો જવાબ મળ્યો કે જેઓ પક્ષમાં રહેવા માંગતા હોય તેઓ રહી શકે અને જે છોડવા માંગતા હોય તેઓ જઈ શકે. અમને આ પ્રકારના જવાબની અપેક્ષા નહોતી તેથી અમે આજે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે તે રાજકારણમાં ચાલુ રહેશે.

સોખીએ કહ્યું કે અમે કઈ પાર્ટીમાં જોડાશું તે અમે નક્કી નથી કર્યું પરંતુ અમે તેના પર ચર્ચા કરીને પછી નક્કી કરીશું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ જણાવ્યું હતું કે, અમે રાજીનામાથી પરેશાન છીએ. અમે તેમનો સંપર્ક કરીશું અને તેમની નારાજગીનું કારણ શોધીશું અને તેમને પાર્ટીમાં પાછા લાવવાનો પ્રયાસ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp