સોપારીનું બહાનું કાઢી વીમા કંપનીએ ક્લેઇમ નકાર્યો, કોર્ટે અપાવ્યો
એક વ્યક્તિએ એડવોકેટ શ્રેયસ દેસાઈ અને ઈશાન દેસાઈ મારફત ધી ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની વિરૂધ્ધ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાખલ કરેલ ફરિયાદની વિગત એવી છે કે, ફરિયાદીએ પોતાનો તથા પરિવારનો Happy Family Floater-2015 તરીકે ઓળખાતો વીમો વીમા કંપની પાસેથી લીધેલો હતો. વીમો અમલમાં હતો તે દરમિયાન ફેબુઆરી-2019ના અરસામાં ફરિયાદીને મોઢાનાં જીભ પર જમણી બાજુના ભાગમાં ચાંદી જેવું જણાતાં નવસારીમાં તા. 27/02/2019ના રોજ હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરેલા. હોસ્પિટલાઈઝેશન, ટ્રીટમેન્ટ, ટેસ્ટસ, દવાઓ, વગેરે માટે થઈને ફરિયાદીને કુલ ખર્ચ રૂા. 12,૦૦૦/- થયેલો હતો. ફરિયાદીએ વીમાકંપની સમક્ષ રૂા. 12,૦૦૦/- નો કલેઈમ કરેલો. ફરિયાદીનો કલેઈમ ફરિયાદીને સોપારીના ટુકડા ચાવવાનું વ્યસન હોવાનું જણાવીને વીમા કંપનીએ નામંજુર કરેલો હતો.
ત્યારબાદ ફરીયાદીએ ફરીથીએ જ હોસ્પિટલમાં એડમીટ થઈ ફરીથી જીભ અંગે સારવાર લેવી પડેલી. જે અંગે થયેલ રૂા. 18,૦૦૦/- ના ખર્ચ અંગે ફરિયાદીએ વીમા કંપની સમક્ષ કલેઈમ કરેલ હતો. પરંતુ વીમા કંપની રૂા. 18,૦૦૦/- નો કલેઈમ પણ ફરિયાદીને સોપારી ખાવાની ટેવ હોવાનું જણાવી નામંજુર કરેલ.
ત્યારબાદ ફરિયાદીની જીભની Biopsyના રીપોર્ટમાં ફરિયાદીને જીભનું કેન્સર થયેલ હોવાનું નિદાન થયેલું. જેથી ફરિયાદી અમદાવાદ ખાતે ઈન્ડોર તરીકે એડમીટ થયેલા અને હોસ્પિટલમાં જરૂરી ઓપરેશન કરવામાં આવેલું ત્યારબાદ ફરિયાદીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ. જે હોસ્પિટલાઈઝેશન, ઓપરેશન વગેરેનો કુલ ખર્ચ રૂા. 6,70,૦૦૦/- થયો હતો.
પરંતુ ફરિયાદીનો વીમો 5 લાખનો હોવાથી ફરિયાદીએ રૂા. 5,૦૦,૦૦૦/- નો કલેઈમ કરેલો. પરંતુ વીમા કંપનીએ કલેઈમ પણ ફરિયાદીને સોપારી ખાવાની આદત હોવાનું જણાવી નામંજુર કરેલ.
ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ અને ઈશાન દેસાઈએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, ફરિયાદીને સોપારી ખાવાની આદત હતી તે વીમા કંપનીનું ખોટુ અનુમાન હતું. વધુમાં સોપારી ખાવાથી જ ફરિયાદીને જીભનું કેન્સર થયેલું હોવાનું વિમા કંપની પુરવાર કરી શકી ન હતી. સોપારી અને કેન્સર વચ્ચેનો સંબંધ વીમા કંપની પુરવાર કરી શકી ન હતી.
સુરત જિલ્લા ગ્રાહક તરકાર નિવારણ કમિશન(મુખ્ય) ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી.મેખિયા તથા સભ્ય ડો. તીર્થેશ મહેતાએ જજમેન્ટમાં જણાવ્યુ હતુ કે સામાવાળા વિમા કંપની દ્રારા ફરિયાદીના 3 કલેઈમ રદ કરવાનું કૃત્ય તર્ક સંગત તેમજ ન્યાય સંગત નથી અને ફરિયાદીની ફરિયાદ યોગ્ય અને વ્યાજબી હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ, વીમા કંપનીએ ફરિયાદીને કોર્ટનાં હુકમ પ્રમાણેની રકમો ચુકવી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp