26th January selfie contest

રાજ્યમાં બર્ડ ફ્લૂ અંગે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આપ્યું અપડેટ

PC: khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લાં ઘણા દિવસો દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં પક્ષીઓના મરણની ઘટનાઓ નોંધાઈ છે. જૂનાગઢ જિલ્લાના બાટવા ગામે 53 જેટલા જુદા જુદા પક્ષીઓના મરણ થતા તેમના સેમ્પલ ભોપાલ ખાતેની હાઇસીકયુરીટી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લા સુરત, વડોદરા, તાપી, કચ્છ, નર્મદા, વલસાડ, મહેસાણા વગેરે જિલ્લામાં પણ પક્ષીઓના મૃત્યુ નોંધાતા ત્યાંથી પણ પક્ષીઓના સેમ્પલ ભોપાલ ખાતે મોકલવામાં આવ્યા હતા. તે સંદર્ભે ભોપાલ ખાતેથી મળેલા સેમ્પલના રીપોર્ટ અનુસાર જૂનાગઢ, સુરત, વલસાડ અને વડોદરા ખાતેના મૃત પક્ષીઓમાંથી એવીયન ઇન્ફલ્યુએન્ઝા (H5N8) મળી આવતા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ તકેદારીના ભાગરૂપે તમામ આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી.

ડૉ. રવિએ ઉમેર્યું કે, આ કેસો સંદર્ભે રાજ્યના CM વિજય રૂપાણી અને નાયબ CM નીતિન પટેલના અધ્યક્ષે મળતી કોર કમિટીની બેઠકમાં પણ આ અંગે સવિસ્તૃત ચર્ચા વિચારણા કરી બર્ડ ફ્લૂના નિયંત્રણ માટે ચોક્કસ દિશા-નિર્દેશો સાથે પગલાં લેવાં અને સઘન સર્વેલન્સની કામગીરી કરવા જણાવાયું હતુ. તે સંદર્ભે આજે બર્ડ ફ્લૂ અંગેનો રીપોર્ટ મળતા જ આરોગ્ય વિભાગ દ્વારા પશુપાલન વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેની ઉપસ્થિતિમાં યોજાયેલી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા તમામ આરોગ્ય અધિકારીઓને સચેત રહી જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય કક્ષાએથી ઉચ્ચ અધિકારીને જૂનાગઢ ખાતે સમીક્ષા તેમજ માર્ગદર્શન હેતુ મોકલવામાં આવેલ છે. રાજ્યની તમામ હોસ્પિટલોમાં બર્ડ ફલુ માટે આઇસોલેશન વોર્ડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ રોગ માટેની જરૂરી દવા કેપ.ઓસેલ્ટામીવીર પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ડૉ. રવિએ ઉમેર્યું કે, આ ઘટના મોટેભાગે કાગડા, બતક, ટીટોડી, કબુતર વગેરે જેવા પક્ષીઓમાં જોવા મળી છે. જયારે કે પોલ્ટ્રી ફાર્મમાં કોઇપણ પ્રકારના અસામાન્ય મૃત્યુ નોંધાયા નથી. રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના મૃત્યુની માહિતી મળતા સર્તકતાના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલીક સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, બર્ડફ્લુની ગાઈડલાઈન પ્રમાણે આ વિસ્તારમાં 0 થી 10 કી.મી.ના એરીયાને એલર્ટ ઝોન જાહેર કરી તેમાં આવતા તમામ ગામોમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની પ્રવૃત્તિઓ માટે 0 થી 3 કી.મી. નો વિસ્તાર ઈન્ફેકટેડ ઝોન તેમજ 3 થી 10 કી.મી.નો વિસ્તાર સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. 0 થી 3 કી.મી.ના વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવે છે તેમજ 3 થી 10 કી.મી.ના વિસ્તારમાં ઇન્ફ્લુએન્ઝાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એવીયન ઇન્ફલ્યુએન્ઝા (H5N8) એ લોપેથોજનીક વાયરસ છે એટલે કે એની ઘાતકતા બર્ડ ફલુના અન્ય વાયરસ કરતા ઓછી હોય છે. માણસમાં હજુ સુધી એવીયન ઇન્ફલ્યુએન્ઝા (H5N8)નો એકપણ કેસ નોંધાયેલ નથી. છતા પણ સર્તકતાના ભાગરૂપે કાળજી લેવી અત્યંત આવશ્યક છે. નજીકમાં કોઇપણ પક્ષીઓના અસામાન્ય મૃત્યુ જણાય તો તેની તાત્કાલીક આરોગ્ય વિભાગ કે પશુપાલન વિભાગને જાણ કરવી પક્ષીઓ કે મરઘાના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું. કામ સિવાય પોલ્ટ્રી ફાર્મમાં દાખલ થવુ નહીં. જો જવાનું થાય તો એન્ટી સેપ્ટીક સોલ્યુશનથી પગ સાફ કરીને જ જવુ. માસ, મટન વગેરેનો પુરતા પ્રમાણમાં રાંધ્યા પછી જ ઉપયોગ કરવો. હાથ-પગને વારંવાર સાબુથી ધોવા, તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુ:ખાવો, ઝાડા, આંખો આવવી જેવા લક્ષણો જણાય તો તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવવી. મરેલા મરઘા કે પક્ષીઓના ખાડો ખોદી દાટી યોગ્ય રીતે નિકાલ કરવો. કોઇપણ પ્રકારના શંકાસ્પદ લક્ષણો જણાય તો સારવાર લેવામાં વિલંબ કરવો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp