દોઢ વર્ષના બાળકે ગળામાં ચિકન પીસના હાડકાને કારણે 1-1 શ્વાસ માટે સંઘર્ષ કર્યો પછી

PC: khabarchhe.com

'દોઢ વર્ષનો દીકરો એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરતો હોય... શ્રમિક પિતા દીકરાને લઈ દર દર ભટકતાં હોય અને કહેવામાં આવે કે કોમ્પ્લિકેશન વધુ છે સિવિલમાં લઇ જાવ... ત્યારે પિતા પર આભ તૂટી પડ્યું હોય તેવું લાગ્યું પરંતુ આખરે દીકરાને સિવિલમાં લઇ જવો પડ્યો...

દોઢ વર્ષનો સાદ્દીક ઘરમાં રમતી વખતે ચિકન પીસના ફેંકેલા હાડકાં ગળી ગયો હતો. માતાએ સાદિકના મોઢામાં આંગળી નાખી બે ટુકડા કાઢી લીધા પરંતુ એક નાનો ટુકડો સાદિક ગળી ગયો હતો જેની જાણ તુરંત ઘરમાં કોઈને ન થઇ. બીજા દિવસે સાદિકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. શ્વાસ નળીમાં હાડકું ચૂભવાથી સાદિક ચિત્કાર કરવા લાગ્યો હતો.

ચાર મહિના પહેલા બિહારના સીતામઢી જિલ્લાથી આવી રોજગાર અર્થે અમદાવાદમાં વસેલો પરિવાર ચિંતાગ્રસ્ત બન્યો હતો. સાદિકના પિતા અરમાનભાઈ હેન્ડીક્રાફ્ટનું કામ કરે છે જે લોકડાઉનના કારણે બંધ  છે. હજી સુધી શહેરથી અપરિચિત એવા અરમાન ભાઈ દીકરાને લઈ એક બે ખાનગી હોસ્પિટલમાં દોડ્યા. દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો કોમ્પ્લિકેશન વધારે છે સિવિલમાં લઈ જાઓ...

સાદિકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો ત્યારે તે એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પ્રવર્તમાન માર્ગદર્શિકા પ્રમાણે સાદિકનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. સાદિકની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી તબીબોએ કોરોના રિપોર્ટની રાહ જોયા વગર જ ઓપરેશન કરવાનું નક્કી કર્યું. શ્વાસનળીનું ઓપરેશન હોવાથી જો બાળકને કોરોના હોય તો ચેપ ફેલાવાની શક્યતાઓ પૂરેપૂરી હતી છતાં તબીબોએ કરોના રિપોર્ટની રાહ વચ્ચે ઓપરેશન કરવાનું સાહસ ખેડ્યું...

સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના હેડ ડોક્ટર બેલા પ્રજાપતિના જણાવ્યા મુજબ સાદિકની બ્રોંકોસ્કોપી કરી દૂરબીન વડે હાડકું કાઢવામાં આવ્યું છે. નાના બાળકની શ્વાસનળીની જાડાઇ પુખ્ત વયના વ્યક્તિની આંગળી જેટલી હોય છે. આથી આ સર્જરીમાં ડૉ. બેલા પ્રજાપતિડૉ. દેવાંગ ગુપ્તાડૉ. વિરલ અને ડૉ. ચૈત્રી સહિતના નિષ્ણાંત તબીબો આગળ આવ્યા હતા. ઉપરાંત એનેસ્થેસિસ્ટ ડૉ. પ્રાચી અગ્નિહોત્રી અને પીડિયાટ્રિશ્યનની પણ મદદ લેવાઈ હતી.

ડૉ. દેવાંગ ગુપ્તા જણાવે છે કેખાનગી હોસ્પિટલમાં કોરોનાકાળમાં ઓપરેશન ત્રણ લાખના ખર્ચે થાય જે અરમાનભાઇને કોઈ કાળે પોસાય નહીં. સાદિકની પરિસ્થિતિ જોતાં જ અમે સૌ તબીબો ઓપરેશનની તેયારી માટે પીપીઇ કીટ પહેરવા દોડી ગયા હતા. સિવિલમાં લાવ્યાને એક કલાકની અંદર સાદિકનું ઓપરેશન થઈ ગયું છે. ઓપરેશન બાદ સાદીકની સ્થિતી સામાન્ય છે. સાદિકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેનો સીટી-સ્કેન રિપોર્ટ પણ નોર્મલ આવ્યો છે.

અરમાનભાઈએ ઓપરેશન સફળ થયા બાદ જણાવ્યું કે, 'અત્યારે બે ટંક જમવાના ખર્ચ માટે માંડ પહોંચી વળાય છે એવા સમયે મારા એકના એક દીકરાને આ તકલીફ થતાં અમે હિંમત હારી ગયા હતા. મારી એક જ ઈચ્છા હતી કે મારા દીકરાના શ્વાસ પાછા આવી જાય. હમણાં ઇદમાં કોઈ રાશન આપી ગયું હતું આજે સિવિલના તબીબોએ સાદિકને જીવ પાછો આપ્યો...'

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp