બે વર્ષનું બાળક 2 ઇંચનો સ્ક્રુ ગળી જતા આંતરડામાં ફસાયો, સિવિલના ડૉક્ટરોએ કાઢયો

PC: news18.com

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક જટીલ ઓપરેશન થયું છે અને તેમાં બે વર્ષના બાળકને બચાવી લેવામાં આવ્યો છે. આ બાળક થોડાં સમય પહેલાં રમતાં રમતાં સ્ક્રૂ ગળી ગયો હતો જેને જહેમતપૂર્વક સિવિલના ડોક્ટરોએ બહાર કાઢ્યો છે. માત્ર બે ઇંચના સ્ક્રૂના કારણે બાળકને ઉલટીઓ થઇ હતી અને પરિવાર પરેશાન હતો.

પિડીયાટ્રીક સર્જરી વિભાગના તબીબોએ ભારે જહેમત બાદ બાળકના મોટા અને નાના આંતરડાના છેડે ફસાયેલા બેં ઇંચના સ્ક્રૂને બહાર કાઢ્યો હતો. સર્જરી બાદ બાળકને નવજીવન મળતા પરિવાર ચિંતા અને પીડામાંથી મુક્ત થયો છે. નોંધનીય છે કે, સામાન્ય રીતે આવી સર્જરી પ્રાઇવેટ હોસ્પિટલમાં ઘણી ખર્ચાળ થતી હોય છે પરંતુ સિવિલમાં આ સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી છે.

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા અને સુથાર કામ કરતા રામકલાલ ચૌહાણના બે વર્ષિય બાળક પીયૂષ ઘરમાં રમતા-રમતા કેટલીક વસ્તુઓ ગળી ગયો, જેના કારણે તેને સમયાંતરે ઉલ્ટીઓ થવાની શરૂ થઇ હતી. માતા-પિતાએ નઝરઅંદાજ કરીને સામાન્ય દવાઓ આપી હતી પરંતુ શરદી અને ઉઘરસ ચાલુ રહેવાથી બાળકને ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ખાનગી હોસ્પિટલના તબીબોએ એક્સ-રે કરાવતા પીયૂષ ત્રણથી ચાર વસ્તુઓ ગળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. સર્જનોએ એન્ડોસ્કોપી કરતા નાની ચેઇન અને ટાંકણી તેના પેટમાં હોવાની જાણ થઇ હતા. જે ખાનગી તબીબોએ સર્જરી કરીને દૂર કરી દીધી હતી પરંતુ  બંને વસ્તુની સાથે સ્ક્રૂ પણ શરીરમાં હતો પરંતુ આ ઓપરેશન ખર્ચાળ હોવાથી ખાનગી હોસ્પિટલમાં કરાવવું શક્ય ન હતું. છેવટે પીયૂષના માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા.

સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ પણ વિવિધ રિપોર્ટસ કરાવ્યા હતા. રિપોર્ટના આધારે સ્ક્રૂ ચોક્કસ પણે ક્યાં ફસાયેલો છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્ક્રૂ બાળકના આંતરડામાં ચોંટી ગયો હોવાનું નિદાન થયું હતું અને ઓપરેશન કરીને સ્ક્રૂને બહાર કાઢવામાં આવ્યો હતો.

બાળરોગ સર્જરી વિભાગના ડો. રાકેશ જોષીએ કહ્યું હતું કે બાળકોમાં ઘણી વખત સિક્કા, પીન, ચાવી, બટન, નાના રમકડા, પથ્થર અને સ્ક્રૂ જેવા બાહ્ય પદાર્થો ગળી જવાના કિસ્સા અમારી પાસે આવ્યા છે. બાળક જ્યારે કોઇ બાહ્ય પદાર્થ ગળી જાય ત્યારે તે પ્રથમ નાના આંતરડામાં પ્રવેશે છે ત્યાં થઇને મોટા આંતરડામાં પહોંચી મળમાર્ગથી બહાર નીકળી જાય છે. પરંતુ પીયુષના કિસ્સામાં સ્ક્રૂના ઉપરનો ભાગ નાના આંતરડામાં પ્રવેશ્યો અને ત્યારબાદ તે મોટા આંતરડા અને નાના આંતરડા બંને વચ્ચે ફસાઇ ગયો તે પડકારજનક હતુ. સ્ક્રૂ બહાર નીકળવાનો માર્ગ અશક્ય બની રહ્યો. જે કારણોસર તેની સર્જરી કરવી અનિવાર્ય બની રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp