21 જૂને રાજ્યમાં ઉજવાશે વિશ્વ યોગ દિવસ

PC: gujaratinformation.net

જીવનશૈલીમાં યોગના સંમિલન સાથે શરીર અને મનના આરોગ્યના સંવર્ધન માટે જયારે ભારતીય યોગ પરંપરાને આંતરરાષ્ટ્રિય યોગ દિનની ઉજવણી દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળી છે ત્યારે આ જ સ્વીકૃતિને વધુ વ્યાપક અને સર્વસમાવેશક બનાવવાના હેતુ સાથે છેલ્લા 3 વર્ષથી 21મી જૂનના રોજ ઉજવાઈ રહેલ આંતરરાષ્ટ્રીય યોગ દિનની આ વર્ષે પણ સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ ભવ્ય ઉજવણી થનાર છે. આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અઘ્યક્ષસ્થાને અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા યુવક સેવા સાંસ્કૃતિક રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે આગામી 21 મી જૂનના રોજ વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી માટે આયોજન બેઠક યોજાઈ હતી. ચુડાસમાએ એવી આશા વ્યકત કરી હતી કે 21મી જૂન વિશ્વ યોગ દિન છેલ્લા 3 વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ સમગ્ર રાજ્યમાં સામૂહિક રીતે ઉજવાશે.

યોગ પરંપરાને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી મળેલી વૈશ્વિક સ્વીકૃતિનો ગૌરવભેર ઉલ્લેખ કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે આપણા સૌના માટે આ ગૌરવનો વિષય છે. એક સમયે યોગ ચોકકસ ધર્મ પૂરતો મર્યાદિત હોવાના ખ્યાલને બદલે આજે સર્વધર્મ અને તમામ દેશોની પરંપરા બની ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં યુનોમાં યોગની પરંપરાને સ્વીકૃતિ અપાવતા આજે વિશ્વના અનેક રાષ્ટ્રો 21મી જૂનને વિશ્વયોગ દિન તરીકે ઉજવતા આવ્યા છે તે આપણા સૌના માટે ગૌરવનો વિષય છે. યોગ પ્રત્યે જાગૃતિ જગાવવાનો આ દિવસ છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, અગાઉના 3 વિશ્વયોગ દિનની ઉજવણીની જેમ આગામી 21 મી જૂનના રોજ ઉજવાનાર વિશ્વયોગ દિવસ એથી પણ વધુ ભવ્ય રીતે ઉજવાય એ રીતે રાજ્ય સરકારે આયોજન કરેલ છે.

ઉલ્લેખનીય છે કે પ્રથમ વર્ષ વિશ્વ યોગ દિવસ 21/6/2015ના રોજ 108.87 લાખ, દ્વિતીય વિશ્વયોગ દિવસ, 21/6/2016ના રોજ 103.73 લાખ અને તૃતિય વિશ્વયોગ દિવસ 21/6/2017ના રોજ 116.55 લાખ વ્યક્તિઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આજ રીતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જનભાગીદારી વધે એ રીતે આયોજન કરાશે.

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં પ્રાથમિક, માઘ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ તૈયારી કરી વિદ્યાર્થીઓ વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે. આ ઉપરાંત અનેક સંસ્થાઓના પ્રયાસોથી તેના અનુયાયીઓ પણ ભાગ લેશે.  આજે યોજાયેલી બેઠકમાં યુવક સેવા સાંસ્કૃતિક સચિવ, વી.પી. પટેલે પ્રારંભમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સંબંધે પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. આવક અને વેચાણ વેરા કમિશ્નર પી.ડી.વાઘેલા, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ કમિશ્નર સતિષ પટેલ ઉપરાંત યોગ પરંપરા સાથે સંકળાયેલી સંસ્થાઓ પતંજલી, આર્ટ ઓફ લિવીંગ,પ્રજાપિતા બૂહમાકુમારી વિશ્વવિદ્યાલય, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા તથા રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતિઓ અને યોગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp