અંકલેશ્વરને ક્રિટિકલ પ્રદૂષણ ઝોનમાંથી મુક્ત કરતાં જ બેફામ બનતા ઉદ્યોગો

PC: yourarticlelibrary.com

26 નવેમ્બર, 2016થી ક્રિટિકલ ઝોનમાંથી અંકલેશ્વરને બહાર કાઢ્યા બાદ 28 ડિસેમ્બરે ગુજરાત સરકારના પર્યાવણ રાજ્ય પ્રધાન શંકર ચૌધરીએ મુલાકાત લીધી હતી અને જશ ખાટાવાનો પ્રયાસ કર્યો હતો પણ ત્યાર પછી પ્રદૂષણ તો વધી ગયું છે. 26 નવેમ્બર, 2016થી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં 8 વર્ષ સુધી નવા ઉદ્યોગો લાવવા કે જૂના વિસ્તારવા પર પ્રતિબંધ હતો. આમ તો 1990થી અંકલેશ્વર પ્રોબ્લેમ - આફત ગ્રસ્ત વિસ્તાર તરીકે કેન્દ્રના લિસ્ટમાં હતો. હજુ અહીં 4 લાખ ચોરસ મીટર જમીન ખાલી પડી છે. જેના ઉપર ઉદ્યોગો આવી રહ્યાં છે. હવે નવા 500 ઉદ્યોગો કે જે 5 લાખ ચો.મી. જમીન પર આવવાના હતા તેને અહીં મંજૂરી આપવામાં આવી રહી છે. જેમાં એક એકમમાં રૂ. 5 કરોડનું મૂડી રોકાણ આવી રહ્યું છે. કુલ રૂ. 2500 કરોડનું મૂડી રોકાણ આવશે. ઉપરાંત ઉદ્યોગનું વિસ્તરણ ફરીથી શરૂ થતાં 25 ટકા ઉત્પાદન વધી શકે તેમ છે, જેમાં રૂ. 4,000 કરોડનું મૂડી રોકાણ આવી રહ્યું છે. આમ રૂ. 22,000 કરોડનું મૂડી રોકણ અટકી પડ્યું હોવાનો રૂપાણી સરકારે દાવો કર્યો હતો. પ્રદૂષણ પ્રતિબંધો ઉઠાવી લેવાતાં 15-20 હજાર લોકોને રોજગારી મળી શકે તેમ છે.

કારખાના ફરી બંધ

ચોમાસુ આવે છે ત્યારે હવાનું પ્રદૂષણ ઘટે છે અને પાણીનું પ્રદૂષણ વધે છે. ફેક્ટરીઓ પોતાનું પ્રદૂષિત પાણી ચોમાસાના પાણી સાથે ભેળવી દે છે. તેથી ખેડૂતો અને આસપાસના રહીશો દ્વારા ફરિયાદો ઊઠે છે. આવું આ ચોમાસામાં થયું છે. જ્યાં ચોમાસાના પાણી સાથે સૌથી વધુ પ્રદૂષણ જોવા મળે છે એ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરીયાદો આવતાં GPCBની ગાંધીનગરની કચેરીએ રસાયણોનું પ્રદૂષણ કરતી 21 કંપનીઓને બંધ કરી દેવા નોટિસ આપી છે. 35 કંપનીઓને પ્રદૂષણ ઓછું કરવા માટે નોટિસ ફટકારી છે. જ્યારે 114 કંપનીઓને કારણદર્શક નોટિસ આપી છે. આમ અંકલેશ્વરમાં 170 ફેક્ટરીઓ પ્રદૂષણ ઓકતી ઝડપાતાં તેમની સામે પગલાં ભરવામાં આવ્યા છે. અહીં કુલ 1500 કારખામાંથી 700 કેમિકલના કારખાના છે. નજીકના પાનોલીમાં 250 કેમિકલના કારખાના છે. ભરૂચ જિલ્લામાં 8 ઔદ્યોગિક વસાહત આવેલી છે. જેમાં આસપાસની ભાજપના નેતાઓ અને પ્રધાનો જોડાયેલાં છે એવી ખાંડ મિલ પ્રદૂષણ કરતી ઝડપાતા તેમને નોટિસ આપવામાં આવી છે. અંકલેશ્વર હાંસોટના ભાજપના ધારાસભ્ય અને સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ કે જેઓ પંડવાઈ સહકારી ખાંડ મિલના અધ્યક્ષ છે તેમને પણ નોટિસ આપી 15 દિવસ માટે તેમની ખાંડ મિલ બંધ કરવામાં આવી છે.

સરકારના અધિકારીઓ અને રાજકારણીઓ ભ્રષ્ટાચાર કરતાં બંધ થઈ ગયા છે અને તેઓ કાયદાનો અમલ કરાવી રહ્યાં છે એવું સહેજ પણ માનવાને કારણ નથી. કારણ કે 24 એપ્રિલ, 2018ના દિવસે ગુજરાતની વડી અદાલતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે આકરું વલણ લીધું હતું. અંકલેશ્વર પાસે વહેતી પવિત્ર નર્મદા નદીને આ ઉદ્યોગ પ્રદૂષિત પાણી ઠાલવીને અ પવિત્ર બનાવી રહ્યાં હોવાથી જો GPCB નર્મદાને જાળવી શકતી ન હોય તો GPCBને બંધ કરી દેવું જોઈએ. (તાળા મારી દેવા જોઈએ.) આકરી ટીકા બાદ GPCBની ગાંધીગરની કચેરીએ આકરું વલણ બતાવવું પડ્યું છે. આ વાત જાણીતી છે કે પ્રત્યેક ફેક્ટરીએ GPCBના અધિકારીને મહિને સરકારના પગાર જેટલો હપતો મળે છે. અંકલેશ્વર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક નગરી છે અને જ્યાં વિશ્વનું સૌથી વધું કેમિકલ બને છે.

GPCBએ કેમ આવું કર્યું?

11 મે, 2018ના દિવસે અંકલેશ્વર પ્રદૂષણ મુદ્દે ગુજરાત વડી અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો તેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, વડી અદાલત દ્વારા 2011મા હુકમ આપાયો હતો કે અંકલેશ્વરમાં હવા, પાણી, અવાજ અને ઘન કચરો ન થાય તેનું ધ્યાન રાખવા માટે ભરૂચ ઈકો એકવા ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીને - BEAIL જવાબદારી સોંપવામાં આવી હતી. આ કંપનીનું નામ તુરંત બદલીને હવે નર્મદા ક્લિનટેક NCT તરીકે કરી દેવામાં આવ્યું છે. જેની એ જવાબદારી નક્કી કરાઈ હતી કે તેમણે સંયુક્ત રીતે પ્રદૂષણનું નિરિક્ષણ કરવા માટે NCT, AIA, PIA અને JIAના કુલ સાત સભ્યોની એક સમિતિ બનાવવી. જે 6 વર્ષથી બનાવવામાં જ આવી નથી. આમ વડી અદાલતના આદેશો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત મંડળ અને ગુજરાત સરકાર ગજવામાં રાખીને ફરતા રહ્યાં હતા. કારણ કે તેમને અહીંથી આર્થિક ફાયદો મળતો હતો. ઉપરાંત પ્રદૂષિત પાણીને બે વખત ટ્રીટ કર્યા બાદ ત્રીજા તબક્કે ટ્રીટ થાય એવો આદેશ પણ વડી અદાલતે કર્યો હતો. તેમાં સરકાર કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત મંડળ દ્વાર કંઈ જ કરાયું ન હતું. કારણ અહીં અનૈતિક પ્રદૂષણ ગાંધીનગર સુધી પહોંચતું રહ્યું છે. તેથી તો વડી આદાલતે GPCB બંધ કરી દેવા કહ્યું હતું.

કેમિકલની ફેક્ટરીઓમાંથી એટલું બધું પાણી આવે છે કે, તેને શુદ્ધ કરી શકાતું નથી. સી.ઓ.બી વાળા પાણીમાં જે કેમિકલો ભેળવીને તેને ટ્રીટમેન્ટ કરાતી હતી. એ કેમિકલ પાછળ NCT પહેલાં રૂ. 85 લાખ ખર્ચ કરતી હતી તે ઘટીને રૂ. 50 લાખ સુધી આવી ગયું હતું. તેનો મતલબ કે પાણી તો ટ્રીટ થતું જ નથી. આ બહાર આવતાં અને વડી અદાલતની ફટકાર GPCBને પડતાં પહેલાં ભૂતિયા ગટર જોડાણ કાપવાનું શરૂ કર્યું હતું. હવે કારખાના બંધ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. GPCB કે NCT થી પ્રદૂષણ નિયંત્રિત થતું ન હોય તો તે કામ ઔદ્યોગિક મંડળને આપવામાં પણ આવતું નથી. 2009થી અહીં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે રૂ. 400 કરોડનો ખર્ચ માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકારે કર્યો છે. જેમાં CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે. મુખ્ય માર્ગો અને અમલ ખાડી પર લગાવવામાં આવ્યા છે.

2011 સુધી પગેરું જાય છે

2011મા પ્રદૂષણ મુદ્દે અંકલેશ્વરના સલીમ પટેલ અને સજ્જાદ કાદરીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. છ ઔદ્યોગિક વિસ્તાર વધુ પ્રદૂષિત જાહેર કરીને કેન્દ્ર સરકારે આ સ્થળોએ નવી ફેક્ટરીઓ નાંખવા તે વિસ્તારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં વાપી, ભાવનગર, જૂનાગઢ, અંકલેશ્વર, અમદાવાદ, વટવાનો સમાવેશ થયો હતો. જેમાં 2011મા પણ અંકલેશ્વર, અમદાવાદ, વટવા એમ ત્રણ વિસ્તારના ઉદ્યોગો નવા રોકણ કરી શકતાં ન હતા. જે ક્રિટિકલ ઝોનમાં આવતા રહ્યાં છે.

2018

નર્મદા નદી સૂકાતાં તેમાં પ્રદૂષિત પાણી કેટલું ઠલવાતું રહ્યું છે તે નદીના પટમાં જોવા મળતા પાણીથી સ્પષ્ટ થાય છે.

- 13 જાન્યુઆરી, ભાજપના સાંસદ મુસુખ વસાવાએ નર્મદા નદી સૂકાતા સરકારનો વિરોધ કર્યો હતો અને સરકારને પાણી છોડવા માટે પત્ર લખ્યો હતો.

- 4 ફેબ્રુઆરીએ અંકલેશ્વરના ખરોડ ગામના લોકો એકઠા થયા હતા અને સોલિડ વેસ્ટ સાઈટ બનાવવા સામે વિરોધ કર્યો હતો.

- 07 માર્ચ, CPCBએ દેશની સૌથી પ્રદૂષિત આવી 302 નદીઓ જાહેર કરી હતી જેમાં ગુજરાતની 20 નદીઓ છે અને તેમાં ભરૂચની અમલ ખાડી, છાપરા નદી અને નર્મદા નદી 10 વર્ષ પછી ફરીથી દેશની પ્રથમ નંબરની પ્રદૂષિત નદી જાહેર થઈ છે. ઈસરોની મદદથી આ સરવે કરાયો હતો.

- 07 માર્ચ, બે મહિનામાં 94 કંપનીઓ સામે પગલાં લેવાયા. 16 ફેક્ટરી બંધ કરાઈ, 13 ફેક્ટરીને પ્રદૂષણ રોકવા માટે સુધારા કરવા કહેવાયું હતું. 65 ફેક્ટરીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.

- 18 મે, સ્થાનિક નાના ઉદ્યોગપતિઓએ GPCBની કચેરીએ દેખાવો કરીને સરકાર પ્રદૂષણ રોકવા લઈ રહેલા પગલાં સામે વિરોધ કર્યો હતો. તેઓનું કહેવું હતું કે મોટા ઉદ્યોગો સામે પગલાં લેવાતા નથી નાના સામે પગલાં લેવાય છે.

- 29 મે, નર્મદા નદીમાં દરિયાનું પાણી 72 કિલોમીટર સુધી ધસી આવ્યું હતું. જેનાથી હજારો લોકોએ રોજગારી ગુમાવી છે.

- 30 મે, GNFC પ્લાંટમાંથી ગેસ છૂટવાના કારણે રહીયાદ ગામના લોકો કંપનીની કચેરી સામે ઉપવાસ પર બેસી જઈને આંદોલન કરવું પડ્યું હતું. ગેલ ગળતર થતાં આખું ગામ ભાગીને ખાલી કરી ગયું હતું.

- 27 જૂલાઈ, વરસાદના બે દિવસ પછી પણ અંકલેશ્વર GIDCમાંથી પ્રદૂષિત પાણી આમલખાડીમાં છોડવામાં આવે છે અને તે નર્મદા નદી સુધી પહોંચી રહ્યું છે. વરસાદમાં ઉદ્યોગ પતિઓ આ પાણી રીતસર છોડી દે છે અને નર્મદાને ગટર બનાવી દે છે.

- 31 જૂલાઈએ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતથી નીકળતો ગંદો કચરો, રસાણો, પ્લાસ્ટિક, અમલખાડી સુધી પહોંચે છે.

- પિલુદ્રા ગામની વન ખાડીમાં રસાયણયુક્ત પાણી કોઈક છોડી ગયું હતું. GPCBને આ અંગે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ જ પગલાં ભરાયા ન હતા. આ ખાડીનું પાણી પિલુદ્રા, પારડી અને ઉમરવાડા ગામના 3,000 ખેડૂતો સિંચાઈ માટે વાપરે છે. તેથી ખેતરોમાં પ્રદૂષિત પાણી પહોંચ્યું છે. જેનાથી પાક બળી ગયા હતા.

2017

- જાન્યુઆરીમાં ભડકોદ્રા ગામના એક ખેતરમાં રાસાયણિક કચરો કોઈક ઠાલવી ગયું હતું.

- કાપોદ્રા ગામની ગૌચરની જમીન પર કેમિલક વેસ્ટ કોઈક ઉદ્યોગ દ્વારા નાંખવામાં આવ્યો હતો. અહીં આ ચોથી ઘટના હતી. GPCBના અધિકારીઓ માત્ર નમૂના લઈ જઈને સંતોષ માની લીધો હતો.

- 13 સપ્ટેબર, અંકલેશ્વરમાંથી કેમિકલ વેસ્ટ નવસારીમાં ડમ્પ કરવાનું કૌભાંડ પોલીસે પકડ્યું હતું.

- 12 ઓક્ટોબર, બાકરોલ ગામે બોરમાંથી લાલ ઝેરી પાણી નીકળવાનું કારણ ગેરકાયદે સલ્જ ડમ્પિંગ છે. આ કેમિકલ બે જ કંપની બનાવે છે એવું સાબિત થયું છે. બન્ને કંપની આજે ચાલુ છે.

2016

- 2 ઉદ્યોગો અને 7 ભંગારના ગોડાઉનોમાં સીલ મારી દેવાયા હતા.

- 23 જૂન, ઉદ્યોગોને CCTV લગહાવવા માટે GPCBએ આદેશ કર્યો છે.

- 30 જૂલાઈ, અમરતપુરા ગામે સફેદ પાઉડર ભરેલા 35 કોથળા મળી આવ્યા હતા.

- 16 સપ્ટેમ્બર, અમરાવતી નદીમાં જળચર પ્રાણઓના મોત

- 21 ડિસેમ્બર, કાપોદ્રા ખાડીમાં જળચર જીવોના મોત થયા.

- નવેમ્બરમાં અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતોને ક્રિટિકલ પ્રદૂષણ ઝોનમાંથી GPCBએ બહાર લાવવી દીધું હતું. ખાડી પર CCTV કોમેરા લગાવેલા હતા.

- એપ્રિલ – અંકલેશ્વર તાલુકાના જીવાલી ગામની સામમાં ઉદ્યોગ દ્વારા સોલિડ વેસ્ટનો જથ્થો કોઈક ફેંકી ગયું હતું.

- 28 ડિસેમ્બર, ક્રિટિકલ ઝોનમાંથી અંકલેશ્વરને બહાર કાઢ્યા બાદ તુરંત ગુજરાત સરકારના પર્યાવણ રાજ્ય પ્રધાન શંકર ચૌધરીએ મુલાકાત લીધી હતી અને જશ ખાટાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી પ્રદૂષણ તો વધી ગયું છે.

2015

- 10 ઉદ્યોગો સામે ગુના નોંધવામાં આવ્યા હતા.

- 156 કેમિકલ્સની ફેક્ટરીઓ બંધ કરી દેવામાં આવી હતી. 118 કારખાના બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. 82 કારખાનાઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.

2014

- 117 કારખાના બંધ કરાવાયા હતા. 56ને બંધ કરવા નોટિસ આપવામાં આવી હતી. 203ને પ્રદૂષણ ફેલાવવા બદલ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.

- 2009 અંકલેશ્વરને ક્રિટિકલ પ્રદૂષિત ઝોનમાં કેન્દ્ર સરકારે મૂક્યું હતું. 

(દિલીપ પટેલ)

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp