ભારતમાં 5 વર્ષમાં ફોર્ડ સહિત 7 વિદેશી ઓટો કંપનીઓએ બિઝનેસ સમેટી લીધો, જાણો કેમ?

PC: opindia.com

અમેરિકાની કંપની ફોર્ડ ઇન્ડિયાએ આખરે ભારતમાંથી પોતાના બિસ્તરાં પોટલાં બાંધી લીધા છે. એની સાથે જ છેલ્લાં 5 વર્ષમાં ભારતમાંથી ફોર્ડ, હાર્લી ડેવિડસન, ફિયાટ, માન, પોલારિસ,  જનરલ મોટર્સ, યુનાઇટેડ મોટર્સ જેવી 7 અગ્રણી ઓટોમોબાઇલ કંપનીઓએ દેશમાંથી વિદાય લઇ લીધી છે.

ભારતમાંથી કારોબાર સમેટનારી કંપનીઓમાં 3 કંપનીઓ તો અમેરિકાની છે. ભારતમાં વિદેશી ઓટો કંપનીઓ બંધ થવા પાછળ આમ તો અનેક કારણો જવાબદાર છે, પરંતુ ભારતીય માર્કેટને સમજવાની રણનીતિક ચુક, ખરાબ અને મોંઘી આફટર સેલ્સ સર્વિસ, નવા મોડલ બનાવવામાં નિષ્ફળતા, દરેક જગ્યાએ સ્પેર પાર્ટસ ઉપલબ્ધ ન હોવા જેવા કારણો મુખ્ય છે.

જો ફોર્ડ ઇન્ડિયાનું ઉદાહરણ લઇએ તો આ કંપની શરૂઆતથી જ મુશ્કેલીમાં રહી. ભારતમાં કયારેય નફામાં ન આવી શકી. ભારતમાં વોલ્યૂમ સેગમેન્ટમાં જોર છે, મતલબ કે અહીં સ્મોલ કારોનો દબદબો છે. જેને કારણે મારુતિ સુઝુકી અને હ્યૂંડે ઓટો માર્કેટ પર રાજ કરી રહ્યા છે. ફોર્ડ કંપની એવા કોઇ ઉત્પાદન ભારતમાં ન લાવી શકે જેને લીધે વોલ્યૂમ પર કબ્જો કરી શકાય. ઉપરાંત ફોર્ડ ઇન્ડિયાની આફટર સેલ્સ સેવા સામે વારંવાર ફરિયાદો ઉઠતી હતી.

એક ઓટો એક્સપર્ટે કહ્યું  હતું કે નવા ઉત્પાદનો લાવવામાં નિષ્ફળતા, મોંઘી આફટર સેલ્સ સર્વિસ, સ્પેર પાર્ટસ બધી જગ્યાએ સરળતાથી નહીં મળવાને કારણે ભારતીય ગ્રાહકોએ ફોર્ડને પસંદ નહોતી કરી. કંપની ભારતમાં તેના 15 વર્ષ જુના મોડલ પર જ નિર્ભર રહી, જયારે બાકી ઓટો કંપનીઓ દર બે- ત્રણ વર્ષે એક નવું મોડલ લઇને બજારમાં આવે છે. આવી બધી કંપનીઓ જો આ ખામીઓ દુર ન કરે તો ભારતમાં ટકી શકે નહી.

 આવી જ સ્થિતિ અમેરિકાની જનરલ મોટર્સ કંપનીની પણ રહી હતી. જનરલ મોટર્સની Chevrolet બ્રાન્ડ કયારેય ભારતીય ઓટો માર્કેટનો ખાસ હિસ્સો ન બની શકી. અમેરિકાની કંપનીઓ ભારતમાં સસ્તા અને વેલ્યૂ આધારિત ઉત્પાદનો લોન્ચ કરવામાં નિષ્ફળ રહી છે.

જો કે એક કારણ એ પણ છે કે અમેરિકાની કંપનીઓના કુલ વ્યાપાર અને નફામાં ભારતીય બિઝનેસનું યોગદાન ખાસ મોટું નથી એટલે નુકશાનીના સંજોગોમાં બિસ્તરાં પોટલાં સમેટી લેવામાં જ તેઓ શાણપણ સમજે છે.

 ઇટલીની કાર કંપની FIATની વર્ષોથી ભારતમાં પ્રતિષ્ઠા હતી. આ કંપની એક વાર ભારતમાં પોતાનો સિક્કો જમાવી ચુકી હતી. જેને લીધે કંપનીએ Punto, Linea જેવા ઉત્પાદન ભારતમાં ઉતાર્યા હતા. પરંતુ બીજી વખત  કંપનીને ભારતમાં સફળતા ન મળી. કંપનીએ 2020માં ભારતમાં સંપૂર્ણ ઉત્પાદન બંધ કરી દીધુ હતું.

 અમેરિકી યુનાઇટેડ મોટર્સે ભારતમાં લોહિયા મોર્ટસ સાથે ભાગીદારીમાં ભારત પગલું માંડ્યું હતુ. પરંતુ કંપનીની મોટર સાઇકલ ભારતીયોને પસંદ ન આવી અને કવોલિટી બાબતે અનેક ફરિયાદો આવી જેને કારણે કંપની ભારતમાં ન જામી શકી.

 અમેરિકાની લક્ઝરી મોટર સાઇકલ બ્રાન્ડ Harley Davidson નું ભારત છોડીને જવું ઘણા કદરદાનોને ખટકયું હતું. સપ્ટેમ્બર 2020માં કંપનીએ ભારતમાં  પોતાના બિઝનેસ બંધ કરી દીધો હતો. આ  એક ખાસ્સી  પ્રીમિયમ બ્રાન્ડ હતી અને તેના ઉત્પાદન અને  આયાત પછી ખાસ્સી મોંઘી પડતી હતી, જેને કારણે કંપની ભારતમાં સફળ ન થઇ શકી.

 અમેરિકાની Polaris કંપનીએ વર્ષ 2013માં ભારતની આયશર મોટર્સ સાથે જોડાણ કરીને ભારતમાં પોતાની કારોનું વેચાણ શરૂ કર્યું હતું, પરંતુ ભારતીય ગ્રાહકોની  જરૂરિયાતો ન સમજી શકવાને કારણે કંપનીએ વર્ષ 2018માં ભારતમાંથી બિઝનેસ સમેટી લીધો હતો.

Volkswagenની ટ્રક અને બસ નિર્માતા કંપની માનએ પણ વર્ષ 2018માં ભારતમાંથી બિઝનેસ સમેટી લેવો પડ્યો હતો. કંપની ભારતીય બજારને ન સમજી શકી અને ટાટા મોટર્સ અને અશોક લેલેન્ડ જેવી કંપનીઓની સ્પર્ધામાં ન ટકી શકી.

ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં  નાની અને સસ્તી એટલે કે ઓછી કિંમતની અને સારી કવોલિટી વાળી કારો અને બાઇકનો દબદબો છે. ઉદાહરણ તરીકે જોઇએ તો મારુતિ, હીરો અને હ્યુંડે ને આ જ કારણે સફળતા મળી છે. જે પણ ઓટો કંપનીએ આવા ઉત્પાદનો માર્કેટમાં મુકવામાં વિલંબ કર્યો છે તેને મુશ્કેલી પડી છે.

જાપાની કંપની હોન્ડા કાર્સની પણ આ જ મુશ્કેલી છે, પરંતુ હોન્ડાએ હજુ ભારત છોડ્યું નથી, પરંતુ કંપનીએ ગ્રેટર નોઇડાનો પોતાનો પ્લાન્ટ બંધ કરી દીધો છે. અન્ય કંપનીઓ જેવી કે નિસાન. ફોક્સવેગન, સ્કોડા પણ ભવિષ્યના રોકાણને લઇને ચિંતા અનુભવી રહી છે.

આ વર્ષે ઓટો સેગમેન્ટમાં સુધારાની જાણકારો ધારણાં રાખી રહ્યા છે, પરંતુ ચિપની ભારે અછતને કારણે આ વખતે તહેવારોની સીઝન પણ ફીકી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp