વીવીંગ માટે પ્રતિ યુનિટ રૂ.3 અને અન્‍ય પ્રોસેસ માટે રૂ. 2ની વીજ બીલમાં છૂટછાટ

PC: khabarchhe.com

વાયબ્રન્‍ટ ગ્‍લોબલ સમિટ 2019ના ત્રીજા દિવસે મહાત્‍મા મંદિર ખાતે ટેક્સટાઇલ કોન્‍કલેવ અંતર્ગત આયોજિત એકસપ્‍લોરિંગ ગ્રોથ પોન્‍ટેશિયલ ઇન ટેક્સટાઇલ ફોર બિલ્‍ડીંગ ન્‍યુ ઇન્‍ડિયા વિષયક સેમિનાર યોજાયો હતો. ગુણવત્‍તામાં સુધારો કરી રોજગારીની તકોમાં વૃધ્‍ધિ કરવાની વિપુલ સંભાવનાઓ વિશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેન્‍દ્રિય ટેક્સટાઇલ મંત્રી સ્‍મૃતિ ઇરાની, મહિલા અને બાળવિકાસ મંત્રી વિભાવરીબેન દવે સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં વિશદ છણાવટ કરવામાં આવી હતી.

ભારત સરકારના કપડા મંત્રી સ્‍મૃતિ ઇરાનીએ ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયોને આવકારતા જણાવ્‍યુ કે, ચરખાથી શરૂ થયેલું વણાટકામ આજે મહાકાય ટેકસટાઇલ ઇન્‍ડસ્‍ટ્રી સુધી પહોંચ્‍યું છે, તેમાં સરકારી પ્રોત્‍સાહન નીતિઓનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે. નવી ટેક્સટાઇલ નીતિમાં પણ ટેક્સમાં બિલકુલ વધારો કરવામાં આવ્‍યો નથી. વર્ષ 2014માં ગુજરાતમાં નવ ટેક્સટાઇલ પાર્ક હતા, જેમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ વધારો કરી 17 નવા ટેક્સટાઇલ પાર્ક મંજૂર કર્યા તેમાંથી છ કાર્યરત થયા છે. એ બાબત સરકાર ટેક્સટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીના વિકાસ પરત્‍વેની પ્રતિબદ્ધતા સિદ્ધ કરે છે.

ગુજરાતના કચ્‍છ સ્‍થિત વેલસ્‍પન ગ્રુપની કામગીરીને બિરદાવતા સ્‍મૃતિ ઇરાનીએ જણાવ્‍યું કે, ભૂકંપે કચ્‍છને ભાંગી નાંખ્‍યુ પણ ગુજરાતીઓનો જુસ્‍સો અકબંધ રહયો. વેલસ્‍પન ગ્રુપ આજે વિમ્‍બલ્‍ડન મેચથી લઇને પ્રયાગરાજ-કુંભમેળા સુધી પોતાના ટોવેલ પહોંચાડે છે. આ ક્ષેત્રમાં મેન્‍યુફેકરિંગ ખર્ચ ઘટાડવા અને આવક તથા રોકાણ વધારવા સરકાર સતત પ્રયત્‍નશીલ છે. ટેક્નોલોજી, સંસ્‍કાર અને સભ્‍યતા એકસાથે કેવી રીતે કાર્ય કરી શકે તે ગુજરાતે સાબિત કરી બતાવ્‍યુ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ટેક્સટાઇલ ક્ષેત્ર રોજગારી આપવામાં હંમેશાંથી અગ્રેસર રહ્યું છે. ટેક્સટાઇલ ઉઘોગ સાથે ગુજરાત વર્ષોથી સંકળાયેલું છે, ગુજરાત ટેક્સટાઇલનું હબ છે. ટેક્સટાઇલ ક્ષેત્રે, એપરલ ઇન્ડસ્ટ્રીઝમાં વધુને વધુ લોકોને રોજગારી મળતી થાય તે માટે રાજ્ય સરકારે સમગ્ર દેશમાં પ્રથમ એવી ટેક્સટાઇલ પોલીસી ઘડીને અન્ય રાજ્યોને ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ટેક્સટાઇલ ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે ટેક્સટાઇલ યુનિટ શરૂ કરવા માટે લેવામાં આવતી લોન ઉપર રાજ્ય સરકાર દ્વારા છ ટકા સુધીની વ્યાજમાં સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે.

પાવરલૂમ યુનીટોને રાહત મળે તે માટે વીવીંગ માટે રૂા. ત્રણ અને અન્ય પ્રોસેસ માટે રૂા. બે ની વીજ બીલમાં પ્રતિ યુનીટ છૂટછાટ જાહેર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર વિવાદ નહીં સંવાદનો અભિગમ ધરાવે છે. ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ તેને અંતિમ કરવામાં આવી છે. 1861માં ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ થયેલી કાપડની મીલથી તેમા ક્રમશઃ વિકાસ થયો છે. સમય સાથે આધુનિકતા અપનાવી ટેક્સટાઇલ ક્ષેત્રે ગુજરાતે ઓળખ બનાવી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, કપાસના ઉત્પાદનથી તૈયાર વસ્ત્રોની નિકાસ સુધી એટલે કે ફાર્મ ટુ ફોરેનનો વિચાર મૂર્તિમંત કરી ગુજરાત ખરા અર્થમાં મેઇક ઇન ઇન્‍ડિયાની કલ્‍પનાને સાકાર કરશે. ગારમેન્ટ-ટેક્સટાઇલ ક્ષેત્રે ગુજરાત પુનઃ ભારતના માન્ચેસ્ટર તરીકે નામના મેળવશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભૂકંપ જેવી આપદાઓને કારણે પડી ભાંગેલા ગુજરાતની વૈશ્વિક ઓળખને પુનઃ સ્થાપિત કરવામાં 2003થી શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટનો સિંહફાળો રહ્યો છે. વાયબ્રન્ટ સમિટનો કરવા ખાતર વિરોધ કરનારાઓને સમજ નથી પડતી કે, હકીકતમાં તો 2003થી શરૂ થયેલા ગુજરાતના ગ્રોથ એન્જિનમાં વાયબ્રન્ટ સમિટનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વાયબ્રન્ટ સમિટને કારણે જ હવે વિદેશીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક બન્યા છે. ગુજરાતે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. મહિલાઓને રોજગારી આપવામાં ટેક્સટાઇલ-એપરલ ઇન્ડસ્ટ્રીઝ અગ્રેસર હોવાથી ટેક્સટાઇલ પોલીસી હેઠળ મહિલાઓને રોજગારી આપનાર એકમો પૈકી મહિલાને રૂા.4000 અને પૂરુંષોને રૂા.3200 વધારાનો પગાર રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાનો નિર્ણય કરીને સમગ્ર દેશમાં ગુજરાતે પહેલ કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મહિલા અને બાળવિકાસ મંત્રી વિભાવરીબેન દવેએ માત્ર અમદાવાદ કે સૂરત જ નહીં પણ આખુ ગુજરાત ટેક્સટાઇલ ઇન્‍ડસ્‍ટ્રીનું હબ બને તેવી આશા વ્યક્ત કરતા જણાવ્‍યુ કે, આજે ત્રણ લાખથી વધુ મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે અને તેમાં પણ વધારો કરવા નવી પોલિસી અસરકારક નીવડશે. આ પ્રસંગે એસોચેમ ગ્રુપના પ્રમુખ બાલકિષ્‍ન ગોએન્‍કા અને ટેક્સટાઇલ સિસ્‍ટમ નેધરલેન્‍ડના સીઓઓ કાસ્‍પર નોસેન્‍ટે કુલ જીડીપીના બે ટકા જેટલો મહત્ત્વનો હિસ્‍સો ધરાવતા ટેક્સટાઇલને કૃષિ ઉદ્યોગ પછીનો મોટો ઉદ્યોગ ગણાવ્‍યો હતો.

આ પ્રસંગે વિવિધ પાંચ કંપનીઓ સાથે એમઓયુ પર હસ્‍તાક્ષર થયા હતા. આ ઉપરાંત મહાનુભાવોના હસ્‍તે ટેક્સટાઇલ ઉદ્યોગની વિસ્‍તૃત માહિતી આપતી પુસ્‍તિકા – નોલેજ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્‍યુ હતું. સેમિનારના દ્વિતીય સત્રનું સમાપન કરતા રાજ્યના મુખ્‍ય સચિવ જે. એન. સિંઘએ પ્રાસંગિક ઉદબોધન આપ્‍યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp