ગુજરાતમાં ટેક્સટાઇલ ક્ષેત્રે 30,000 કરોડનું રોકાણ આવ્યું છે: સ્મૃતિ ઇરાની

PC: thewire.in

કેન્દ્રએ ગુજરાતમાં છેલ્લા સાડા ચાર વર્ષમાં ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ યોજના અન્વયે 1800 કરોડ ફાળવ્યા હતા જેના પગલે સમગ્ર ટેક્સટાઇલ ક્ષેત્રમાં સાડા ત્રણ વર્ષમાં 30,000 કરોડનું મૂડીરોકાણ આવ્યું છે તેમ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આજે ટેક્સટાઇલ અંગેના સેમિનારમાં જણાવ્યું છે. વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે ટેક્સટાઇલ સેમિનારમાં કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતનું ટેક્સટાઇલ સેક્ટર ન્યૂ ઇન્ડિયાના નિર્માણમાં આગામી દિવસોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકાર ગુજરાત સહિત દેશભરમાં ટેક્સટાઇલના વિકાસ અને નિકાસને વધુ વેગ આપવા માટે કટીબદ્ધ છે, એટલું જ નહીં અનેક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

સેમિનાર દરમિયાન સ્મૃતિ ઇરાનીએ ગુજરાતની નવી ટેક્સટાઇલ પોલિસી કે જેમાં ધિરાણમાં રાહતો આપવા અંગે નવા સુધારા કરવામાં આવ્યા છે તે બુકલેટનું પણ વિમોચન કર્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતની નવી ટેક્સટાઇલ નીતિથી રાજ્યમાં આ સેક્ટર વિકાસ કરશે, એ સાથે રોજગારીની નવી તકો ઉભી થશે. બીજી તરફ ટેક્સટાઇલ ઉદ્યોગકારોને સરળતાથી ધિરાણ મળશે.

એસોચેમના ચેરમેન બી.કે.ગોયેન્કાએ સેમિનારમાં કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરમાં 35000 કરોડથી વધુ મૂડીરોકાણ આવ્યું છે, જે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સૌથી વધારે છે. વધુ રોકાણ આવવાનું કારણ એ પણ છે કે રાજ્યમાં ઔદ્યોગિક શાંતિ અને કામદારોની સલામતી છે. રાજ્યમાં એકપણ દિવસનો લેબર લોસ નથી. GSTના અમલીકરણ પછી ટેક્સટાઇલ ક્ષેત્રને પડતી મુશ્કેલી અંગે કેન્દ્રનું ધ્યાન દોરતાં તેમણે કહ્યું કે GSTમાં કેટલીક સમસ્યાઓ ઉકેલાઇ નથી તે દિશામાં કેન્દ્રએ આગળ વધીને ઝડપથી સમાધાન કરવું જોઇએ.

અરવિંદ ગ્રુપના કુલિન લાલભાઇએ કહ્યું હતું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ડેનિમની માંગ વધી છે, જો તેનું ઉત્પાદન બમણું કરવામાં નહીં આવે તો આપણે સ્થિતિને પહોંચી શકીશું નહીં. આ સેક્ટરે સમયની માંગ સાથે ચાલીને વધુ રોજગારી ઉભી કરવી જોઇએ. તેમણે કહ્યું હતું કે એપરલ એક્સપોર્ટમાં બાંગ્લાદેશ ભારતથી એક ડગલું આગળ છે, કારણ કે તેમની એપરલ પોલિસી સ્પર્ધાત્મક છે. આપણે પણ આ દિશામાં વિચારવું જોઇએ. ભારત પણ આગામી દિવસોમાં 150 મિલિયન ડોલરની એપરલ એક્સપોર્ટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp