લક્ઝમબર્ગના રાજદૂતે CMને કહ્યું- તેઓ ગુજરાતમાં આ જગ્યાએ 100 કરોડનું રોકાણ કરશે

PC: khabarchhe.com

સરકારે કહ્યું કે, CM ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લક્ઝમબર્ગ-ગ્રાન્ડ ડચીના રાજદૂત પેગી ફ્રેન્ટઝેને ગાંધીનગરમાં લીધી હતી. તેમણે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમના રાષ્ટ્રની એક કંપની કચ્છના મુંદ્રામાં 100 કરોડ રૂપીયાના રોકાણ સાથે પોતાનું યુનિટ સ્થાપવાની છે. લક્ઝમબર્ગ રાજદૂતે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેંજ શરૂ કરવાની પણ તત્પરતા વ્યક્ત કરી હતી.

પેગી ફ્રેન્ટઝેને CM ભૂપેન્દ્ર પટેલને તેમના કાર્યકાળમાં યોજાઇ રહેલી આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટની સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. CM ભૂપેન્દ્ર પટેલે તેમને કહ્યું કે, વિસ્તારની દૃષ્ટિએ નાનો દેશ હોવા છતા લક્ઝમબર્ગની આઠ-દસ કંપની –ઉદ્યોગો ભારતમાં કાર્યરત છે તે આવકાર્ય છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં આઇ.ટી; ફાઇનાન્સિયલ સર્વિસીઝ, મેડીકલ ડિવાઇસિઝ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ થઇ છે.

આગામી વાઇબ્રન્ટ સમિટ-2022માં લક્ઝમબર્ગના ઉદ્યોગો આ સેક્ટરમાં સહભાગિતા માટે આગળ આવે તો આ સાઝીદારી ભારત-ગુજરાત- લક્ઝમબર્ગ માટે ઉપયુક્ત બનશે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગ રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવીને આગામી વાઇબ્રન્ટ 2022માં તેમના દેશના ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ સાથે જોડાવા પણ નિમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગ રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિભેટ રૂપે અર્પણ કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બીના એમ.ડી. નિલમ રાની આ બેઠકમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp