પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 56,464 આવાસોનું નિર્માણ

PC: Businessworld.com

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત કેન્દ્ર સરકારે ગુજરાતમાં 56,464 આવાસોનું નિર્માણ કર્યું છે અને વધુ 85,797 આવાસો નિર્માણ હેઠળ છે. કેન્દ્ર સરકારે ગુજરાતને સ્લમ ફ્રી બનાવવા માટે રૂ.1455.75 કરોડની મદદ આપી છે. કેન્દ્ર સરકારે કુલ રૂ.2700.59 કરોડ મંજૂર કર્યા હતા તેમાંથી રાજ્યને રૂ.1,455.75 કરોડ ચૂકવી દીધા છે. કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 182276 આવાસોની મંજૂરી આપી હતી, તેમાંથી 1,42,443 આવાસો માટેનું ભૂમિપૂજન થઈ ગયું. રાજ્યમાં નિર્માણ પામેલા કુલ 56,464 આવાસોમાંથી 45,656 આવાસો લાભાર્થીઓને સોંપી દેવામાં આવ્યા છે.

કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) હરદીપ સિંઘ પુરીએ આ માહિતી ફેબ્રુઆરી 8, 2018ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં ઉપલબ્ધ બનાવી હતી.

રાષ્ટ્રીય સલાહકાર કાઉન્સીલ (એન.એ.સી.) એ ભારતનાં શહેરોને સ્લમ ફ્રી બનાવવા પર ભાર મૂક્યો હતો અને કાઉન્સીલના તમામ સૂચનોને રાજીવ આવાસ યોજના (આર.એ.વાય.)માં સમાવી લેવામાં આવ્યા હતા. હાલમાં તેમાં ચાલતા તમામ પ્રોજેક્ટોને યોગ્યતા ધરાવતા તમામ શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નામના નવા મિશનમાં સમાવી લેવામાં આવ્યા છે. તેમાં ઝૂંપડપટ્ટીની જગ્યાનો ઉપયોગ કરીને ઝૂંપડાવાસીઓને તે જ જગ્યાએ વસાવવા માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે.

સાંસદ નથવાણી દેશમાં ઝૂંપડપટ્ટી પુનર્વસનની પ્રક્રિયામાં થયેલી પ્રગતિ અને દેશમાં શહેરી વિસ્તારને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા માટે સરકારે નક્કી કરેલી સમયમર્યાદા અંગે જાણવા માંગતા હતા.

આ યોજનાની ઝારખંડ રાજ્યમાં પ્રગતિ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ઝારખંડમાં 27,310 આવાસોનું નિર્માણ કર્યું છે અને વધુ 48,483 આવાસો નિર્માણ હેઠળ છે. કેન્દ્ર સરકારે ઝારખંડને સ્લમ ફ્રી બનાવવા માટે રૂ.497.34 કરોડની મદદ આપી છે. કેન્દ્ર સરકારે કુલ રૂ.2290.62 કરોડ મંજૂરી કર્યા હતા તેમાંથી રાજ્યને રૂ.497.34 કરોડ આપી દીધા છે. કેન્દ્ર સરકારે પી.એમ.એ.વાય. (યુ) હેઠળ કુલ 11,54,759 આવાસોની મંજૂરી આપી હતી, તેમાંથી 75,793 આવાસો માટેનું ભૂમિપૂજન થઈ ગયું. રાજ્યમાં નિર્માણ પામેલા કુલ 27,310 આવાસોમાંથી 25,922 આવાસો લાભાર્થીઓને સોંપી દેવામાં આવ્યા છે.

મંત્રી એમ પણ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ આવાસોના બાંધકામ અને તેની ફાળવણીની જવાબદારી રાજ્ય સરકાર-કેન્દ્ર શાસિત પ્રદેશો અને શહેરી સ્થાનિક સંસ્થાઓની છે. મિશનની અવધિ 2022 સુધીની છે. રાજ્ય સરકારોએ ઝૂંપડાવાસીઓ માટે આવાસ બનાવવા માટેનો ડી.પી.આર. તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપવાનો હોય છે અને તેમાં જણાવેલી સમય અવધિમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો હોય છે, એમ મંત્રીએ
જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp