અમદાવાદીઓ મેટ્રોરેલમાં લટકી જશે, જો ચીનની કંપની આ મહત્ત્વની વસ્તુ નહીં આપે તો...

PC: khabarchhe.com

ચીન સામે પ્રતિબંધો મૂકવાની ખોખલી વાતો ગુજરાતમાં ઉઘાડી પડી ગઇ છે. રાજ્ય સરકારે ચીન સાથે કરેલા 50000 કરોડના એમઓયુ રદ્દ કર્યા નથી ત્યારે એક બીજી વાત સામે આવી છે. અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટમાં પણ ચીનની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. દેશભરમાં 59 ચીનની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે ચીનના પ્રોજેક્ટ ચાલુ રાખ્યા છે.

અમદાવાદની મેટ્રોરેલમાં વિલંબ થતાં તેનો કુલ ખર્ચ 12000 કરોડ કરતાં વધી ચૂક્યો છે ત્યારે આ પ્રોજેક્ટમાં સ્ક્રીન ડોર નાંખવા માટે 2018માં ચીનની એક કંપની સાથે કરાર થયા હતા. સરકારે જે ટેન્ડર ઇસ્યુ કર્યું હતું તેમાં ચીનની ફાંગડા કંપનીને શહેરના 32 સ્ટેશનો માટે 100 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. એટલે કે સ્ક્રીન ડોરની કામગીરી ચીનની કંપની કરશે, કારણ કે આ કરાર જો રદ્દ કરવામાં આવે તો મેટ્રો પ્રોજેક્ટમાં બીજા છ મહિનાનો વિલંબ થાય તેમ છે.

ચીનની ફાંગડા ગ્રુપ કંપની રેલવે ટ્રાન્સપોર્ટ અને મોર્ડન સબ વે સિસ્ટમમાં સ્ક્રીન ડોર ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી મેટ્રો રેલવે પ્રોજેક્ટમાં પણ ચીનની આ કંપનીએ કામ કર્યું છે. દેશની બીજી મેટ્રોમાં પણ આ કંપનીને ટેન્ડર આપવામાં આવેલું છે. હવે અમદાવાદને પણ આ જ કંપની સ્ક્રીન ડોર પુરાં પાડશે.

ચીનની આ કંપની માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના 37 દેશોમાં સ્ક્રીન ડોર ઇન્સ્ટોલેશનનું કામ કરી રહી છે. અમદાવાદમાં પણ આ કંપની મેટ્રોના 32 ડોરનું કામ કરશે. ભારતીયોની નસેનસમાં ચીન વસી ચૂકેલું છે ત્યારે ચીનની એપ્લિકેશન બંધ કરવાના તાયફા કરવાનો કોઇ મતલબ રહેતો નથી. આજે નહીં તો કાલે ચીન સાથે સમાધાન કરવું પડે તેમ છે, કારણ કે એક તરફ વિરોધ અને બીજી તરફ વેલકમ ભારતની રાજનીતિને પોસાય પરંતુ વિકાસને પોસાય તેમ નથી. 

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp