ગિફટ સિટીને સિંગાપોર-દુબઇ જેવું વિકસીત કરવા મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિબદ્ધતા

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીની શુભેચ્છા મુલાકાત સિંગાપોરના હાઇકમિશનર સિમોન વોંગ અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ એપ્રિલ-2021 માસના અંતમાં ગુજરાતના ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની કચેરી કાર્યરત કરવાના અંતિમ તબક્કાની તૈયારીઓ માટે ગુજરાત આવેલું છે. સિંગાપોરના હાઇકમિશનરએ તેમની આ કચેરીનો પ્રારંભ કરાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભર્યુ નિમંત્રણ આપ્યું હતું તેનો મુખ્યમંત્રીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં સિંગાપોર અને દુબઇની તર્જ પર ગિફટ સિટીને વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ફોર ફાયનાન્સિયલ એન્ડ ટેકનોલોજી કંપનીઝની સ્થાપના માટે વિકસીત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાત ભારતમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ મેળવનારા રાજ્યોમાં અગ્રેસર છે. એટલું જ નહિ, ગુજરાતના FDI ઇનફલોમાં સિંગાપોર બીજો ક્રમ ધરાવતું રાષ્ટ્ર છે. મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં ચર્ચા-વિચારણા દરમ્યાન સિંગાપોર હાઇકમિશનર સિમોન વોંગે પણ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જ શરૂ થવાના પરિણામે સિંગાપોરના અન્ય આનુષાંગિક (સબસીડીયરી) એકમોને પણ નવું બળ મળશે.

સિમોને સિંગાપોરની કંપનીઝ-ઊદ્યોગ એકમોના રોકાણોની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં ગત નાણાંકીય વર્ષમાં સિંગાપોર દ્વારા 1 યુ.એસ. બિલિયન ડોલર્સનું FDI રાજ્યમાં કરવામાં આવેલું છે. સિંગાપોરની કેટલીક ખ્યાતનામ-પ્રતિષ્ઠિત કંપનીઝ જેમાં રીન્યુએબલ એનર્જી સેકટરમાં ગ્લોબલ લિડર એવી સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ કચ્છમાં રિન્યુએબલ (વિન્ડ) એનર્જીનો પ્રોજેકટ કમિશન્ડ કર્યો છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની વાતચીતમાં સિંગાપોર હાઇકમિશનરે એમ પણ જણાવ્યું કે સિંગાપોરની વિવિધ કંપનીઝ ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ, હાઉસીંગ, ફિશરીઝ અને ફાયનાન્સીયલ સર્વિસીસ સેકટરમાં પણ રોકાણો માટે ઉત્સુક છે. સિમોને સિંગાપોર-ગુજરાત વચ્ચે બિઝનેસ ડેલિગેશનની મુલાકાત માટે પણ ઉત્સાહ દાખવ્યો હતો. આ હેતુસર સિંગાપોરના મિનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ તેમના ડેલિગેશનનું નેતૃત્વ કરશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp