આપણો ઇન્ટરનેટ ડેટા વિદેશોમાં ન જાય તે માટે ગુજરાત સરકાર મોટું કામ કરવા જઇ રહી છે

PC: https://www.business-standard.com/

ગુજરાત સરકાર 10મી વાયબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટાસેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે કે જેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કન્સેપ્ટ છે. આ સેન્ટર ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (એસઆરઆર) વિસ્તારમાં ઉભું કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

આ માટે ભારત સરકાર એક સર્વગ્રાહી પોલિસી બનાવે છે. એ પહેલાં સંસદના શિયાળુ સત્રમાં ભારત સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે જેમાં ટ્વિટર, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા તેમજ ઇ-કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે. આ વિધેયકનો ઉદ્દેશ તમામ ઇન્ટરનેટ કંપનીઓએ અનિવાર્ય રૂપથી દેશની અંદર વ્યક્તિઓના મહત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે ક્રિટીકલ ડેટાને વ્યાખ્યાયિત પણ કરવામાં આવશે.

એ પહેલાં અન્ય રાજ્યોની જેમ ગુજરાત પણ ડેટા સેન્ટર પોલિસી બનાવશે. આ પોલિસીનો ડ્રાફ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં મૂડીરોકાણ અને રોજગારીના અવસર પ્રાપ્ત કરવામાં આવશે. સરકારમાં વ્યાપક ચર્ચાના અંતે આવું ડેટા સેન્ટર ધોલેરામાં સ્થાપવાનું નક્કી કર્યું છે.

ડેટા સેન્ટરથી જોડાયેલી નીતિ તૈયાર કરવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની નીતિનો પણ અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવું ડેટા સેન્ટર હાલ તામિલનાડુના ચેન્નાઇમાં બનાવવામાં આવેલું છે. હવે આ દિશામાં ઉત્તરપ્રદેશની સરકાર પણ કામ કરી રહી છે. યોગી આદિત્યનાથની સરકારે ડેટા સેન્ટર પોલિસી હેઠળ મૂડીરોકાણનું પણ લક્ષ્ય રાખ્યું છે.

વાયબ્રન્ટ સમિટ પહેલાં જો ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થપાઇ જાય તો આવનારા ઉદ્યોગો અને મૂડીરોકાણકારોને ફાયદો કરાવશે, એ સાથે સરકારને પણ તેનાથી મોટો ફાયદો છે. આ કામગીરી રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને કરવાની થતી હોવાથી આ વિભાગના ઉચ્ચ અધિકારી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તેમાં માર્ગદર્શન આપશે.

ડેટા સેન્ટર એ એક નેટવર્ક સાથ જોડાયેલો કોમ્પ્યુટર સર્વરનો એક મોટો સમૂહ છે જે મોટી માત્રામાં ડેટાનો સ્ટોરેજ, પ્રોસેસીંગ અને વિતરણ માટે સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ, યૂટ્યુબ અને જીમેઇલ જેવા સાધનોના કરોડો ઉપયોગકર્તાઓ છે. એટલું જ નહીં ઇ-કોમર્સની એપ્લિકેશનોના પણ કરોડો વપરાશકર્તા છે. આ તમામ ડેટા આ સેન્ટરમાં સ્ટોરેજ કરવાની સુવિધા ઉભી થઇ શકે છે.

બેન્કીંગ, વ્યાપાર, સ્વાસ્થ્ય સેવા, યાત્રા, પ્રવાસન અને અન્ય પ્રકારના ટ્રાન્ઝેક્શન પણ થતાં રહેતા હોય છે. ડેટાના વ્યાપારથી એમેઝોન, એપ્પલ, ગૂગલ, ફેસબુક અને માઇક્રોસોફ્ટ જેવી નાણાકીય કંપનીઓ બની ગઇ છે. ડેટાનો સ્ત્રોત વ્યક્તિગત જાણકારી, ફિંગરપ્રિન્ટ, રેટિના, ડિઝીટાઇઝેશન, કોમ્પ્યુટરાઇઝેશન, વ્યક્તિગત સામાજીક અને રાજનૈતિક જાણકારી અને ધાર્મિક પ્રવૃત્તિ છે. ડેટા સેન્ટર માટે રોકાણ સાથે રોજગારીની પણ વિપુલ માત્રામાં તક રહેલી છે.

સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે યુઝર્સના ઉપયોગથી ઉત્પન્ન થયેલા ડેટાથી સરકારની આવકમાં પણ વધારો થઇ શકે છે. ક્લાઉડ આધારિત એપ્લિકેશન સેવાઓ પણ વધી શકે છે. તેનાથી રાજ્યમાં આવી રહેલા મૂડીરોકાણ અને ઉદ્યોગોને પણ સરળતા મળી રહેશે.

 
 
 
 
 
 
 
 

 

 
 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp