સંસદમાં મુખ્ય બંદર સત્તામંડળ બિલ 2020 પસાર થયું

PC: twitter.com/projects_today

સંસદમાં મુખ્ય બંદર સત્તામંડળ બિલ, 2020 પસાર કરવામાં આવ્યું છે. બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ આજે રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું અને તેને પસાર કરવામાં આવ્યું છે. હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરીની મ્હોર માટે તેમની સમક્ષ લઇ જવામાં આવશે.

બંદરોની માળખાગત સુવિધાઓમાં વિસ્તરણ અને વેપાર તેમજ વાણિજ્યની સુવિધાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને, મુખ્ય બંદર સત્તામંડળ બિલ, 2020નું લક્ષ્ય નિર્ણયો લેવાની પ્રક્રિયાઓનું વિકેન્દ્રિકરણ કરવાનું અને મુખ્ય બંદરોના સુશાસનમાં વ્યાવસાયિકરણનો અમલ કરવાનું છે. તેનાથી ઝડપી અને પારદર્શક નિર્ણય પ્રક્રિયા આવે છે જે તમામ હિતધારકો માટે ફાયદારૂપ છે અને તેનાથી પરિયોજના અમલીકરણની ક્ષમતાઓ વધુ બહેતર બને છે. આ બિલ કેન્દ્રીય બંદરોમાં માલિકી બંદર મોડલના સ્થાને સફળ વૈશ્વિક પ્રણાલીઓને અનુરૂપ સુશાસનના મોડલને પુનઃસ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આનાથી મુખ્ય બંદરોની પરિચાલન કામગીરીઓમાં પારદર્શકતા લાવવામાં મદદ મળશે. આનાથી નિર્ણયો લેવાની કામગીરીમાં સંપૂર્ણ સ્વાયત્તતાના પગલે તેમજ મુખ્ય બંદરોના સંસ્થાગત માળખાના આધુનિકીકરણ દ્વારા મુખ્ય બંદરો શ્રેષ્ઠ કાર્યદક્ષતા સાથે કામ કરવા માટે સશક્ત બનશે.

મુખ્ય બંદર સત્તામંડળ બિલ 2020ની મુખ્ય વિશેષતાઓ નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

આ બિલ મુખ્ય બંદર ટ્રસ્ટ અધિનિયમ, 1963ની સરખામણીએ વધુ સંક્ષિપ્ત છે કારણ કે એકબીજામાં અધિવ્યાપ્ત થતી તેમજ સમયના સંદર્ભમાં અનાવશ્યક થઇ ગયેલી કલમોને દૂર કરવાથી તેની કુલ કલમોની સંખ્યા 134થી ઘટાડીને 76 કરવામાં આવી છે.

આ બિલમાં બંદર સત્તામંડળ બોર્ડની રચનાનું સરળીકરણ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેમાં વિવિધ હિતોનું પ્રતિનિધિત્વ કરતા 11થી 13 સભ્યો સામેલ કરવામાં આવશે જે સંખ્યા હાલમાં 17 થી 19 સભ્યોની છે. વ્યાવસાયિક સ્વતંત્ર સભ્યો સાથેના નાના બોર્ડના કારણે નિર્ણયો લેવાની અને વ્યૂહાત્મક આયોજનની પ્રક્રિયા વધુ પ્રબળ બનશે. બોર્ડમાં સરકાર દ્વારા નામાંકિત સભ્યો અને મુખ્ય બંદર સત્તામંડળનું પ્રતિનિધિત્વ કરતા સભ્યો ઉપરાંત જ્યાં મુખ્ય બંદર આવેલું હોય તે રાજ્યની સરકારના, રેલવે મંત્રાલયના, સંરક્ષણ અને કસ્ટમ્સ મંત્રાલયના, મહેસુલ વિભાગના પ્રતિનિધિઓને બોર્ડમાં સભ્યો તરીકે સામેલ કરવાની જોગવાઇ રાખવામાં આવી છે.

મુખ્ય બંદરો માટે ભાડાં સત્તામંડળ (TAMP)ની ભૂમિકાને ફરી પરિભાષિત કરવામાં આવી છે. બંદર સત્તામંડળને હવે ભાડાં નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે જે PPP પરિયોજનાઓ માટે બોલી લગાવવાના હેતુ માટે સંદર્ભ ભાડાં તરીકે કામ કરશે. PPP પરિચાલકો બજારની પરિસ્થિતિઓના આધારે ભાડાં નક્કી કરવા માટે મુક્ત રહેશે. બંદર સત્તામંડળ બોર્ડને અન્ય બંદર સેવાઓ અને જમીન સહિતની અસ્કયામતો માટે દરોનું પરિમાણ નિર્ધારિત કરવાની સત્તા આપવામાં આવી છે.

મુખ્ય બંદરો પર TAMPના પહેલાંથી હોય તેવા કાર્યો આગળ વધારવા માટે, બંદરો અને PPP ઠેકેદારો વચ્ચે તકરારોના નિવારણ માટે, મુશ્કેલીમાં હોય તેવી PPP પરિયોજનાઓની સમીક્ષા કરવા માટે અને મુશ્કેલીમાં હોય તેવી PPP પરિયોજનાઓની સમીક્ષા કરવા માટે પગલાં સૂચવવા અને આવી પરિયોજનાઓને સજીવન કરવા માટે પગલાં સૂચવવા માટે તેમજ બંદરો/ખાનગી પરિચાલકો દ્વારા બંદરો પર ચલાવવામાં આવતી સેવાઓ સંબંધિત ફરિયાદો પર ધ્યાન આપવા માટે આ બિલમાં ન્યાયિક બોર્ડની રચના કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

બંદર સત્તામંડળ બોર્ડ્સને કરારો, આયોજન અને વિકાસ, રાષ્ટ્રીય હિતો સિવાયના ભાડાં નક્કી કરવા, નિષ્ક્રિયતા અને નાદારીના કારણે ઉભી થતી સુરક્ષા અને તાકીદની સ્થિતિમાં પ્રવેશવા માટે સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી છે. વર્તમાન MPT અધિનિયમ, 1963માં 22 દૃષ્ટાંતોમાં કેન્દ્ર સરકારની આગોતરી મંજૂરી લેવી આવશ્યક છે.

દરેક મુખ્ય બંદરના બોર્ડ વિકાસ અથવા માળખાગત સુવિધાના સંદર્ભમાં ચોક્કસ માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે અધિકારપાત્ર રહેશે.

CSR અને બંદર સત્તામંડળ દ્વારા માળખાગત સુવિધાના વિકાસની જોગવાઇઓ પણ લાવવામાં આવી છે.

મુખ્ય બંદરોના કર્મચારીઓ માટે પેન્શનરી લાભો સહિત ચુકવણી અને ભથ્થા તેમજ સેવાની શરતોની સલામતી માટે પણ જોગવાઇ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp