ગુજરાતમાં ફ્લેટની કિમતોમાં ઘટાડો આવે તેવી શક્યતા, જાણો શું છે કારણ

PC: indianexpress.com

ગુજરાતના ચાર મેટ્રો સિટી તેમજ ગાંધીનગરમાં 70 માળ સુધીની ઇમારત બનાવવાની જાહેરાત પછી ગુજરાત સરકારે આ બિલ્ડીંગ માટે સૌથી વધુ 5.4 ની એફએસઆઇ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે બિલ્ડરોને વધુ સ્પેસ મળતાં તેમને મોટો ફાયદો થવાનો છે અને જમીનના ભાવ ઘટતાં ગ્રાહકોને સસ્તાં મકાન મળી રહેશે.

રાજ્યના પાંચ શહેરો- અમદાવાદસુરતવડોદરા અને રાજકોટ ઉપરાંત ગાંધીનગરનો પણ સમાવેશ આ જાહેરાતમાં કરવામાં આવ્યો છે તેથી ગાંધીનગરના સેક્ટરો ઉપરાંત ગાંધીનગર શહેરી સત્તાવિકાસ મંડળ (ગુડા)માં પણ 70 માળની ઇમારતો બનાવી શકાશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાતમાં કહ્યું હતું કે ગુજરાતના પાંચ શહેરોમાં દુબઇ અને સિંગાપુર જેવી ઇમારતો બનશે. ગાંધીનગર સહિતના શહેરોમાં 70 માળની ઇમારતો વિકાસની એક નવી દિશા ખોલશે. રાજ્યના શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સામાન્ય રીતે એફએસઆઇ સૌથી વધુ 4.5 સુધી આપી શકાતી હતી પરંતુ બિલ્ડીંગની ઉંચાઇ 70 માળની હોવાથી એફએસઆઇ 5.4 સુધી કરી દેવામાં આવી છે જે ગાંધીનગર અને અન્ય શહેરોના ઇતિહાસમાં અમુક અપવાદને બાદ કરતાં પ્રથમવાર મૂકવામાં આવી છે.

અધિકારીએ કહ્યું હતું કે 70 માળ એટલે કે 100 મીટરથી વધુ ઉંચાઇની બિલ્ડીંગ માટે નવી જોગવાઇ લાગુ પાડવામાં આવશે. આ બિલ્ડીંગની મંજૂરી માટે ટેકનિકલ કમિટીની રચના કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યના શહેરોમાં અત્યાર સુધીમાં માત્ર 23 માળની ઇમારતો બનાવી શકાતી હતી પરંતુ હવે ઉંચાઇ વધારી દેવામાં આવી હોવાથી શહેરી વિકાસ વિભાગ તેના કૉમ્પ્રિહેન્સીવ જનરલ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ એટલે કે જીડીસીઆર માં ફેરફાર કરશે.

ઊંચા બિલ્ડિંગની જોગવાઇનો લાભ માત્ર 100 મીટર કે તેથી વધુ ઊંચાઇની બિલ્ડીંગને જ મળશે અને આ બિલ્ડિંગની પહોળાઇ અને ઊંચાઇનો લઘુત્તમ ગુણોત્તર 1:9 હોવો જોઇશે. 30 મીટર કે તેથીવધુ પહોળાઇના રસ્તા પર જ આવા મકાનોને મંજૂરી મળશે. 100 થી 150 મીટર ઊંચા મકાનો માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2,500 ચોરસમીટર અને 150 મીટરથી વધુ ઊંચા મકાનો માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 3,500 ચોરસમીટર હોવી જોઇશે. સરકાર ટૂંકસમયમાં જીડીસીઆરમાં સુધારાનો આદેશ બહાર પાડી શકે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp