રાજ્યમાં 100 ઇંચ વરસાદના ક્ષેત્રમાં પણ તરસી રહ્યા છે લોકો, યોજનાઓ નિષ્ફળ

PC: jagranimages.com

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવામાં 18 મે 2018માં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન શરૂ કરીને તળાવ ઊંડા કરવાની શરૂઆત કરી હતી. તેમણે ત્યારે એવું જાહેર કર્યું હતું કે, આ જળ સંચય અભિયાનના જનઆંદોલનથી ગુજરાત પાણીના દૂષ્કાળને દેશવટો આપશે. 2019માં રૂ.300 કરોડ તળાવો ઊંડા કરવામાં રૂપાણી સરકાર વાપરવાની છે.

અગાઉના ગુજરાતના તમામ મુખ્ય પ્રધાનની જેમ વિજય રૂપાણીની વાત પણ સાચી સાબિત થઈ નથી. ચોમાસા પહેલાં તેમણે આ વાત કરી હતી. હવે ઉનાળો શરૂ થતાં જ ડાંગમાં પીવાના પાણીની તંગી શરૂ થઈ છે. દેશમાં ચેરાપુંજી અને ગુજરાતમાં ડાંગમાં સૌથી વધું વરસાદ પડે છે. અહીં 100 ઈંચ વરસાદ ગયા ચોમાસામાં પડેલો હતો. તેમ છતાં અહીં દુષ્કાળ જેવી સ્થિતિ હોય તેમ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે.

અહીં 1960 પછી ડાંગના આદિવાસી લોકો માટે શુદ્ધ પીવાના પાણીની કરોડો રૂપિયાની યોજનાઓ બનાવી છે. જે અધુરી રહે છે કે ભ્રષ્ટાચારના કારણે કાગળ પર જ રહે છે. છતાં 2019ના માર્ચ મહિનાથી પાણીની તીવ્ર તંગી લોકો માટે ઊભી થઈ છે. અહીં વિકાસ અને વાયદાને ખૂલ્લા પાડે તે રીતે લોકોને પીવાનું પાણી મળતું નથી.

100 ઈંચથી વધુ વરસાદ છતાં ડુંગરાળ ભૌગોલિક પરિસ્થિતિના પરિણામે વરસાદી પાણી નકામું વહી જાય છે. જમીનની અંદર પાણી ઉતરી શકતું નથી.

હાલ ડાંગના ભેડમાળ, વાઘમાળ, આમસરવળન, શિવારીમાળ, ચીખલી, સોનગીર, કોટબા સહિત પૂર્વપટ્ટી વિસ્તારનો મોરઝીરા, સુબીર, સિંગાણા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. શબરીધામ અને પંપા સરોવર ખાતે પણ પાણીની તંગી બાદ એક દિવસ બાદ પાણી વિતરણ કરાઈ રહ્યું છે. ડાંગના આહવા સિવાયના ગામોમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.

વઘઈના દુર્ગમ અને પહાડી વિસ્તાર ભેડમાળ, વાઘમાળ, આમસરવળન, લવાર્યા, મલીન વિસ્તારમાં કૂવા, બોર સુકાતા લોકો 5 કિ.મી. દૂર જંગલ કોતરમાંથી પાણી મેળવવા ચાલીને જવું પડે છે. પૂર્વપટ્ટીના કોટબા, ધુળીટા, ચડોળ, ઈસખંડીમાં પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. ત્યાં પાણી પુરવઠા વિભાગ દ્વારા 1 દિવસના અંતરાલ બાદ ટેન્કર દ્વારા પાણી વિતરણ કરાઈ રહ્યું છે.

ડાંગમાં 3567 ભૂગર્ભ ટાંકા છતાં પીવાના પાણીની તંગી

ગુજરાતના વનસંપત્તિ અને સમૃદ્ધિ ધરાવતા ડાંગ જિલ્લામાં ગુજરાતનો સૌથી વધુ 100 ઈંચ વરસાદ વરસતો હોવા છતાં ઢાળવાળા ડુંગર અને ખડકાળ ભૌગોલિક વિસ્તાર હોવાને કારણે જમીનની પાણી સંગ્રહ કરવાની શક્તિ ખૂબ ઓછી છે, જેના કારણે ઉનાળા દરમિયાન ગ્રામવિસ્તારમાં પાણીની તંગી રહે છે. પાણી પુરવઠા વિભાગે 3567 કુટુંબોને ઘરમાં જ ભૂગર્ભ ટાંકી બનાવી આપી છે. ઘરની વ્યક્તિ પ્રમાણે 10,000, 12,000, 15,000 લીટરના આ ટાંકા બનાવવામાં આવ્યા છે. છતાં જેમણે ટાંકા નથી બનાવ્યા તેમને અહીં પાણીની તંગી દર ઉનાળે પડે છે.

મોટા શહેર અને દરિયા કાંઠે ટાંકા

જુનાગઢ નાગરવાડામાં 100 વર્ષથી ભૂગર્ભ પાણીના ટાંકા છે. જેમાં વરસાદનું પાણી ઉતારવામાં આવે છે. અમદાવાદમાં 200 વર્ષ જૂના, પાટણમાં 300 વર્ષ જુના અને સુરતમાં 500 વર્ષ જુના પાણીના ટાંકા મળી આવ્યા છે.  જ્યાં વર્ષોથી ટાંકાનું પાણી પીવામાં આવે છે.

ટાંકો ઉપાય

જુના ટાંકાની રચનામાં 15 ફુટ ઊંડો અને 12 ફુટ પહોળો ખાડો કરીને તેના ચુના, સિમેન્ટ, ચીરોડીથી ચણતર કરી પ્લાસ્ટર કરવામાં આવે છે. ટાંકીના માથે ઈંટનો સ્લેબ ભરી દેવામાં આવે છે. પહેલાં વરસાદનું થોડું પાણી બહાર જવા દીધા પછી જ્યારે બધું પાણી સ્વચ્છ અને ચોખ્ખું થાય પછી તેને ખાળિયા કે પાઈપથી ટાંકામાં ઉતારવામાં આવે છે. ટાંકાનું ઢાંકણ બંધ હોવાથી આ પાણી લાંબા સમય સુધી પીવાનાં ઉપયોગમાં લઈ શકાય તેવું રહે છે.

ટાંકાનું અર્થકારણ

જુનાગઢ જિલ્લામાં કુલ 14 ગામોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે. જેનો અભ્યાસ કરાયો તો ઘણી સારી બાબતો બહાર આવી છે. ટાંકાનું પાણી પીતા 185 કુટુંબોનો અભ્યાસ કરાયો હતો.  જેમાં 117 કુટુંબો બે સ્ત્રોતમાંથી પીવાનું પાણી મેળવે છે. 54 કુટુંબો ત્રણ સ્ત્રોતમાંથી પાણી મેળવે છે. જ્યારે માત્ર 8% કટુંબો જ એવા છે જે એક સ્ત્રોતમાંથી બારે મહિના પાણી મેળવતા હોય.

દુષ્કાળની પરિસ્થિતિ જોતાં એમ કહી શકાય કે ગામનાં લોકો ને પીવાનાં પાણી માટે એક જ સ્ત્રોત પર આધાર રાખવો મુશ્કેલ છે. ટાંકા બન્યા બાદ ગાડા બળદનો 38% સાયકલનો 21% અને ટ્રેકટરનો 16% વપરાશ ઓછો થઈ ગયો છે. ટાંકાને કારણે સમયની બચત થવાથી લોકો અનેક આર્થિક પ્રવૃત્તિઓ કરી શક્યા છે. તે રીતે તેઓને આર્થિક ફાયદા થયા છે. અહિં 81% લોકોના મતે ટાંકો બનવાથી તેઓને આર્થિક ફાયદો થયો છે. સમયની બચત થવાથી ખેતીમાં વધુ સમય આપી શકયા છે. વેચાતા લાવવા પડતાં ટેન્કરની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આર્થિક ફાયદો થયો છે.

આ ઉપરાંત પાણી ભરવાની રોજની ક્રિયામાંથી છૂટકારો મળતાં શ્રમની પણ બચત થઈ છે. ટાંકાને કારણે શ્રમમાં ઘટાડો થયો એવું જણાવતાં 89% કુટુંબો છે. ખાસકરીને સ્ત્રીઓને અને દૂરથી પાણી લાવવા ગાડા, ટ્રેકટરનાં ફેરાં ફરતાં પુરુષોને શ્રમમાં ઘણી રાહત મળી છે. 65% લોકોએ પોતાનાં આ વધેલા સમયનો ઉપયોગ આર્થિક પ્રવૃત્તિઓમાં કરે છે. 61% લોકોએ પોતાના આ સમયનો ઉપયોગ બિન આર્થિક પ્રવૃત્તિઓમાં કરે છે. આમાં મોટાભાગે સ્ત્રીઓનો સમાવેશ થાય છે. ભૂગર્ભટાંકા બન્યા પહેલા 10 ગામમાં કુલ 227 ટેન્કર મંગાવવા પડતા હતાં અને ભૂગર્ભટાંકા બન્યા બાદ 7 ગામોમાં 162 પાણીના ટેન્કર મંગાવવા પડે છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp