રાજકોટઃ વેકેશનમાં ઘરે આવેલો, પિતા સાથે બાઇક પર નિકળેલા કિશોરનું હાર્ટ એટેકથી મોત
હૈદ્રાબાદના ગુરુકુળમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી દિવાળીના વેકેશનમાં રાજકોટ પોતાના ઘરે આવ્યો હતો. પિતા સાથે બાઇક પર બહાર નિકળ્યો તો હાર્ટએટેકને કારણે મોતને ભેટ્યો હતો. 15 વર્ષની વયના આ કિશોરના નસીબની બલિહારી તો જુઓ કે હૈદ્રાબાદ જવા માટે આજની તેની ટ્રેનની ટિકીટ હતી, પરંતુ હૈદાબાદ જવાને બદલે અંતિમ યાત્રા પર નિકળી ગયો હતો.વ્હાલસોયા એકના એક દિકરાના મોતને કારણે પરિવારે કલ્પાંત મચાવી મૂક્યો હતો.
રાજકોટમાં રહેતો પૂજન ઠુંમર હૈદ્રાબાદના ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો અને તે અત્યારે 10મા ધોરણનો અભ્યાસ કરી રહ્યો હતો. દિવાળીનું વેકેશન પડવાને કારણે બધા વિદ્યાર્થીઓની જેમ પૂજન પણ વેકેશન માણવા પોતાના ઘરે આવ્યો હતો. વેકેશન પુરુ થવાની તૈયારી હતી અને પૂજનની હૈદ્રાબાદ જવાની આજની ટ્રેનની ટિકીટ પણ હતી.
પરંતુ નિયતિને કદાચ બીજું જ મંજૂર હતું. પૂજન પોતાના પિતા સાથે બાઇક પર બેસીને વાળ કપાવવા ગયો હતો. વાળ કપાવીને પિતા-પુત્ર જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે પૂજન બાઇક પરથી પટકાઇ ગયો હતો.
પૂજન ઠુંમરને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. પૂજનનું મોત હાર્ટએટેકને કારણે થયું હોવાનું તબીબોએ કહ્યુ હતું.
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમા રહેતા અમિત ઠુંમરને સપનેય પણ ખ્યાલ નહીં હોય કે દિકરીને બાઇક પર બેસાડીને લઇ જવામાં દિકરો ગુમાવવો પડશે. બાઇક પરથી જ્યારે પૂજન પટકાયો ત્યારે પિતાએ પોતાના એકના એક દિકરાને બચાવવાનો પુરો પ્રયાસ કર્યો હતો, પરંતુ દિકરાને બચાવી ન શક્યા અને એ વાતનો તેમને ભારોભાર વસવસો છે.
જ્યારે માતાને પુત્રના મોતના સમાચાર મળ્યા ત્યારે માતાએ કલ્પાંત મચાવી મૂક્યો હતો.
છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ક્રિક્રેટ રમતા રમતા કે ગરબા રમતા યુવાનોના હાર્ટએટેકને કારણે મોત થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પૂજંન ઠુંમર તો માત્ર 15 વર્ષનો જ હતો.
ઉત્તર પ્રદેશના ગર્વનર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ થોડા સમય પહેલાં પાટણના એક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં હાર્ટએટકના બનાવો ચિંતાજનક છે. તેમણે કહ્યુ હતું કે, શા માટે યુવાનોમાં હાર્ટએટેક વધી રહ્યા છે તેનો સરવે કરાવવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp