ડૉ.જાગૃતિ પંડ્યાએ જણાવ્યું કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે કેમ વધુ ગંભીર થઈ શકે

PC: india.com

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના નેજા હેઠળ આયોગના ચેરપર્સન ડૉ. જાગૃતિ પંડ્યાના અધ્યક્ષ સ્થાને કોવીડ-19ની સંભવિત ત્રીજી લહેર અંગે સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ અંગે વિસ્તૃત ચર્ચા સાથે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ અવસરે ડૉ.જાગૃતિ પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યનાં 33 જિલ્લાઓ, 251 તાલુકાઓ અને 18000 ગામડાઓમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા અને બાળકોને કોરોનાથી સંરક્ષિત કરવા બે તબક્કાઓમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં રાજ્યના ગ્રામ્ય સ્તરે કોરોનાને અટકાવવાની તૈયારીઓ પાયાકક્ષાએથી થઇ રહી છે અને આજે સુરત શહેરથી બીજા તબક્કાની આરોગ્યની વિવિધ સમિતિઓ સાથે સંકલન કરી કોરોનાની સામે લડત આપવા માટેની રણનિતી તૈયાર કરવામાં આવી છે.’

ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ ગાંધીનગરના લીગલ એડવાઇઝર ડૉ.દીપકભાઈ જોશી જણાવ્યું હતું કે, બેઠકનો મુખ્ય હેતુ આરોગ્ય વિભાગ અને વ્યવસ્થા તંત્રનું સંકલન કરવાનો છે. કોરોનાની ત્રીજી લહેર સંભવિત બાળકો માટે વધારે ગંભીર સાબિત થઈ શકે કારણ છે કે, તેમને હજુ વેક્સીનનો એક પણ ડોઝ અપાયો નથી. પ્રથમ અને બીજી લહેર દરમિયાન આયોગે સરકારને કરેલી વિનંતીના ભાગરૂપે બાળકો માટેની પણ એક ટાસ્ક ફોર્સ ઉભી કરવામાં આવી છે જે અંતર્ગત રાજ્ય બાળ સંરક્ષણ આયોગ દ્વારા 33 જિલ્લાનો પ્રવાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ ટીમો ઉભી કરવામાં આવી છે. વધુમાં વિલેજ કમિટી પણ બનાવવામાં આવી છે. આ કમિટીમાં ગામના ગામના સરપંચ, સામાજિક કાર્યકર્તા, આચાર્ય, ડી.સી.પી.ઓ તેમજ સી.ડબ્લ્યુ.સી.ના ચેરપર્સનનો સમાવેશ છે. આ કમિટીમાં આયોગ દ્વારા પીડિયાટ્રિશ્યન તબીબના સમાવેશની રજૂઆત કરવામાં આવી છે. આયોગ ઘરઆંગણે મોનીટરીંગ કરશે અને સમસ્યાનો નિકાલ પણ કરશે.

એડીશનલ પ્રોફેસર ઇન ડીપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિશ્યન ડૉ.સંગીતાબેન જણાવ્યું કે, સંભવિત ત્રીજી લહેરને લઈને આપણે બાળકો માટે ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની છે. કોરોનાની બાળકો ઉપર ખાસ અસર પડતી નથી, પહેલી અને બીજી લહેરમાં પણ બાળકોએ કોરોનાને જલ્દી મ્હાત આપી હતી તેમ ત્રીજી લહેરમાં પણ જો તકેદારી રાખીશું તો બાળકો કોરોનાને હરાવવામાં સક્ષમ બનશે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિશ્યન વિભાગની કામગીરી વિશે જણાવતા તેઓએ કહ્યું હતુ કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ સ્તરે ટાસ્ક ફોર્સ કમિટીની રચના અંતર્ગત કામગીરી ચાલી રહી છે. અને બાળકો માટે આ વોર્ડ સંપૂર્ણ રીતે ચાઈલ્ડ ફ્રેન્ડલી હશે. જેમાં કાર્ટુન્સ, બલુન્સ અને રમકડાઓ આ વોર્ડમાં હશે જેથી બાળકોને એકલતા નહિ લાગે અને હસતા-રમતા કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થશે.

વધુમાં તેમણે કહ્યું કે, એક્સક્લુઝીવ કોવીડ માટે નવી સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે 126 બેડ સહિત અંદાજીત 38 જેટલા પીડિયાટ્રિક્સ ઇન્ટેન્સીવ કેર યુનિટ અને હાઈ ડીપેન્ડેન્સી યુનિટ બેડ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત નર્સિંગના વિદ્યાર્થીઓ, ફીઝ્યોથેરાપીસ્ટના વિદ્યાર્થીઓ, તેમજ રેસીડેન્ટ ડોક્ટર્સ, કોલેજના અન્ય ડીપાર્ટમેન્ટ જેમ કે કલીનીકલ અને નોન-કલીનીકલની તમામ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની મદદ ત્રીજી લહેરમાં લેવામાં આવશે. જેના માટે તેમની 7 દિવસની ટ્રેનીંગ શરૂ કરવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેર બાળકોને કેટલા પ્રમાણમાં અસર કરશે અને તેની તકેદારી રાખવા આપણે શું કરવું જોઈએ તે વિશેની જાણકારી પ્રેઝેન્ટેશન દ્વારા પીડિયાટ્રીક્સ વિભાગના એડીશનલ પ્રોફેસર ડૉ.જીગીશા શાહે ઊંડાણથી વિગતો આપી હતી.

આ બેઠકમાં ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ પી.બી.ઠાકર, લીગલ એડવાઈઝર દિપક જોષી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન નિમિષાબેન પટેલ, ડી.સી.પી.ઓ. તેમજ વિવિધ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp