'સત્તાની ચાવી' રૂપ આ 62 સીટો જે જીતશે તે જ મહારાષ્ટ્રમાં રાજ કરશે
મહારાષ્ટ્રની 288 સભ્યોની વિધાનસભા માટે આજે મતદાન થઈ રહ્યું છે. તેમાંથી વિદર્ભ ક્ષેત્રની 62 બેઠકોએ ઐતિહાસિક રીતે સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેથી જ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ કોંગ્રેસ બંને મુંબઈ સ્થિત મંત્રાલય (રાજ્ય સચિવાલય) પર પોતાનો દાવો મજબૂત કરવા આ બેઠકો પર મહત્તમ લીડ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
1990ના દાયકામાં પૂર્વ મહારાષ્ટ્રના આ વિસ્તારમાં BJPએ પ્રવેશ કર્યો હતો, જે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. આ ક્ષેત્રે BJPને તેના પ્રથમ CM (દેવેન્દ્ર ફડણવીસ) બનાવવામાં મદદ કરી. DyCM ફડણવીસ 2014 થી 2019 સુધી રાજ્યના CM હતા. વિદર્ભ ક્ષેત્ર સ્થિત નાગપુરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું મુખ્યાલય છે. DyCM ફડણવીસ (નાગપુર દક્ષિણ પશ્ચિમ) ઉપરાંત ઘણા અગ્રણી નેતાઓ વિદર્ભની વિવિધ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, મુંબઈમાં મંત્રાલય (રાજ્ય સચિવાલય) પર કોનું નિયંત્રણ રહેશે તે નક્કી કરવામાં વિદર્ભ ફરી એક વખત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વિદર્ભમાંથી પોતાનું નસીબ અજમાવી રહેલા દિગ્ગજ નેતાઓમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલે (ભંડારા જિલ્લાની સાકોલી બેઠક પરથી), પ્રદેશ BJP અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે (નાગપુર જિલ્લાની કમ્પ્ટી બેઠક), વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ઉમેદવાર વિજય વડેટ્ટીવાર (ચંદ્રપુર જિલ્લાની બ્રહ્મપુરી બેઠક), અને BJPના વન મંત્રી સુધીર મુનગંટીવાર (ચંદ્રપુર જિલ્લાની બલ્લારપુર બેઠક)નો સમાવેશ થાય છે
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર રામુ ભાગવત કહે છે કે, ઐતિહાસિક રીતે, જે રાજકીય પક્ષ વિદર્ભમાં સૌથી વધુ બેઠકો જીતે છે તે મહારાષ્ટ્રમાં સત્તા પર આવે છે.
આ કારણે જ BJP અને કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પક્ષો વિદર્ભના 11 જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેમાં 62 વિધાનસભા બેઠકો છે. BJP શાસક મહાયુતિ ગઠબંધનનો ઘટક છે, જ્યારે કોંગ્રેસ વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA)માં સામેલ છે.
મહાયુતિ ગઠબંધન હેઠળ, રાજ્યમાં BJP જે અંદાજે 150 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, તેમાંથી 33 ટકા અથવા 47 બેઠકો વિદર્ભની છે. કોંગ્રેસે કુલ 102 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાંથી 39 વિદર્ભ ક્ષેત્રમાં છે.
ભાગવતે કહ્યું, 'આ વિસ્તાર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે CM પદના દાવેદાર માનવામાં આવતા બે દિગ્ગજ નેતાઓ, BJPના DyCM ફડણવીસ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પટોલે આ વિસ્તારમાંથી આવે છે.'
ભાગવતે કહ્યું કે 2014માં, BJPએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વિદર્ભમાં 62 માંથી 44 બેઠકો જીતી હતી, જેના લીધે તેને મહારાષ્ટ્રમાં તેની પ્રથમ સરકાર બનાવવામાં મદદ મળી હતી. જો કે, 2019ની ચૂંટણીમાં BJPને મોટો ફટકો પડ્યો અને તેની સીટો ઘટીને 29 થઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp