ઓડિટ રિપોર્ટ અને રિટર્ન ફાઇલ કરવાની મુદ્દતમાં કોણે વધારો માગ્યો?... કારણ શું

PC: financialexpress.com

કોરોના સંક્રમણની સ્થિતિમાંથી લોકો હજી બહાર આવ્યા નથી ત્યારે કરવેરાના ઓડિટ રિપોર્ટ તેમજ આવકવેરાના રિટર્ન ફાઇલ કરવા માટેની મુદ્દતમાં વધારો કરવા માટે ધ ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ તરફથી કેન્દ્રીય નાણાં વિભાગને અપીલ કરવામાં આવી છે.

આ એસોસિયેશન એ ટેક્સ પ્રેક્ટિશનર્સની સર્વોચ્ચ પ્રાદેશિક સંસ્થા છે અને તેણે હિસાબી વર્ષ 2020-21ના ઓડિટ તેમજ રિટર્ન બાબતે આ રજૂઆત કરી છે. નાણાં મંત્રાલયને કહ્યું છે કે ગુજરાત અને દેશભરમાં ઉદ્યોગો અને વ્યવસાયમાં હજી પણ મુશ્કેલી છે. ઉદ્યોગો હજી મર્યાદિત માનવશક્તિથી કામ કરી રહ્યાં છે. મહામારી અને સતત લોકડાઉનના કારણે અણધાર્યો પલટો આવ્યો છે તેથી મોટાભાગના તમામ વ્યવસાયને વિપરીત અસર થઇ છે.

એટલું જ નહીં, વ્યક્તિગત રીતે પણ લોકોમાં હજી ગભરાટ જોવા મળે છે. વાયરસ પિડીતો અને તેમના પરિવારો અનેક કઠીનાઇનો સામનો કરી રહ્યાં છે. પરિવારો માટે એકલતા, માંદગી, થાક અને માનસિક તાણથી મુશ્કેલીઓ વધી છે તેવા સંજોગોમાં જો મુદ્દત વધારવામાં આવે તો લોકોને સરળતા અને રાહત મળી શકે તેમ છે.

આ ફેડરેશનના પ્રમુખ ભરત શેઠ કહે છે કે ગુજરાતમાં ઘણાં ટેક્સ પ્રોફેશનલ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને કોરોનાનો ચેપ લાગ્યો છે જેના કારણે સ્ટાફ અને સહાયકો ઓફિસમાં નિયમિત આવી શકતા નથી. કોરોના સંક્રમણ ક્યારે સમાપ્ત થશે તે અનિશ્ચિત છે, તેવા સંજોગોમાં સરકાર તારીખ લંબાવી આપે તો બઘાંને રાહત થાય તેમ છે. અત્યારે આકારણીની વિવિધ કેટેગરીમાં ફાઇલિંગ કરવાની મુદ્દત 30મી નવેમ્બર રાખવામાં આવી છે તે ઉચિત નથી.

મહત્વની બાબત એવી છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ તાજેતરમાં ટેક્સ ઓડિટ અહેવાલોમાં કેટલાક ફેરફારો કર્યા છે જેને સમજવા પણ જરૂરી છે અને તેના માટે સમય લાગી શકે છે. આવી પરિસ્થિતિમાં સીબીડીટીના ફેરફારો પ્રમાણે નિર્ધાકિત સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવી અશક્ય છે તેથી મુદ્દત લંબાવવાની માગણી કરવામાં આવી છે. આ રજૂઆતની એક નકલ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણને પણ મોકલવામાં આવી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp