OCCRPના રિપોર્ટથી અદાણીને ઝટકો, ફરી ટોપ-20 સૌથી અમીરની લિસ્ટમાંથી બહાર
આ વર્ષ ગૌતમ અદાણી માટે સારું સાબિત થયું નથી. પહેલા હિંડનબર્ગ અને હવે OCCRP તેની પાછળ પડી ગયું છે. OCCRPના આરોપો બાદ ફરીએકવાર ગૌતમ અદાણીને મોટો ઝટકો મળ્યો છે અને તેઓ દુનિયાના ટોપ-20 સૌથી અમીર બિઝનેસમેનની યાદીમાંથી બહાર નીકળી ગયા છે. 24 જાન્યુઆરી 2023એ હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિસર્ચ રિપોર્ટ પબ્લીશ કર્યો હતો, જેમાં અનેક ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતો અને અદાણીને લાખો કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું, ત્યારે હવે OCCRPના આરોપો બાદ એટલી તો અસર નથી પડી, પરંતુ ગૌતમ અદાણી 20 સૌથી અમીર અબજપતિઓની લિસ્ટમાંથી તો બહાર થઈ ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સના રિપોર્ટ મુજબ છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણી સંપત્તિમાં 18600 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે, જેને કારણે તેમની નેટવર્થ 61.8 અબજ ડોલર થઈ ગઈ છે અને તેઓ સૌથી અમીર બિઝનેસમેનની યાદીમાં 22મા ક્રમે પહોંચી ગયા છે.
શું છે OCCRPના આરોપો...
ગૌતમ અદાણીની આગેવાનીવાળા ગ્રુપની મુશ્કેલીઓ હજુ વધી ગઈ છે. એક મીડિયા ગ્રુપના રિપોર્ટમાં દાવો કરવા આવ્યો છે કે અદાણી ગ્રુપ ચૂપચાપ રીતે પોતાના શેર ખરીદીને સ્ટોક એક્સચેન્જમાં લાખો ડોલરનું રોકાણ કર્યું. ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટ પ્રોજેક્ટ (OCCRP)ના આ રિપોર્ટને ગાર્ડિયન અને ફાઇનાન્શિયલ ટાઇમ્સ સાથે શેર કરવામાં આવ્યો છે. તેમાં અદાણી ગ્રુપના મૉરીશસમાં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનની ડિટેલનો પહેલી વખત ખુલાસો કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
એ મુજબ ગ્રુપની કંપનીઓએ વર્ષ 2013 થી વર્ષ 2018 સુધી ચૂપચાપ પોતાના શેરોને ખરીદ્યા. નોન-પ્રોફિટ મીડિયા ઓર્ગેનાઇઝેશન OCCRPનો દાવો છે કે તેણે મૉરીશસના રસ્તે ટ્રાન્ઝેક્શન અને અદાણી ગ્રુપના ઇન્ટરનેશનલ ઇ-મેલ જોયા. તેનું કહેવું છે કે, તેની તપાસમાં સામે આવ્યું છે કે ઓછામાં ઓછા બે એવા મામલા છે જ્યાં રોકાણકારોએ વિદેશી કંપનીઓના માધ્યમથી ગ્રુપના શેર ખરીદ્યા અને વેચ્યા છે. ગુરુવારે આવેલા OCCRPના રિપોર્ટમાં બે રોકાણકારો નસીર અલી શાબાન અહલી અને ચાંગ ચુંગ લિંગનું નામ લીધું છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો અદાણી પરિવારને લોંગટાઇમ બિઝનેસ પાર્ટનર્સ છે અને તેણે પોતાના રિપોર્ટમાં એ જ બંનેની તપાસ કરી છે. એક રિપોર્ટ મુજબ, OCCRPએ દાવો કર્યો છે કે આ વાતના કોઈ પુરાવા નથી કે ચાંગ અને અહલીએ જે પૈસા લગાવ્યા છે તે અદાણી પરિવારે આપ્યા હતા, પરંતુ રિપોર્ટિંગ અને ડોક્યૂમેન્ટસથી સ્પષ્ટ છે કે અદાણી ગ્રુપમાં રોકાણ અદાણી પરિવાર સાથે સામંજસ્ય સાથે કરવામાં આવ્યું છે. OCCRPએ કહ્યું કે, સવાલ એ છે કે, આ અરેન્જમેન્ટ કાયદાનું ઉલ્લંઘન છે કે નહીં, તે એ વાત પર નિર્ભર કરે છે કે શું અહલી અને ચાંગ પ્રમોટર્સ તરફથી કામ કરી રહ્યા છે કે નહીં.
અદાણી ગ્રુપમાં અદાણી ગ્રુપ જ પ્રમોટર છે. જો એમ છે તો અદાણી હોલ્ડિંગ્સમાં તેમની હિસ્સેદારી 75 ટકા કરતા વધુ થઈ જશે. આ બાબતે કોહલી અને ચાંગે OCCRPના ન્યૂઝ આર્ટિકલ પર ટિપ્પણી કરી નથી. ગાર્ડિયનના એક રિપોર્ટરને આપેલા ઇન્ટરવ્યૂમાં OCCRPએ કહ્યું કે, ચાંગનું કહેવું હતું કે તેમને છાનામાના અદાણી ગ્રુપના શેરોને ખરીદવા બાબતે કોઈ જાણકારી નથી. તેમનું કહેવું છે કે, પત્રકારને તેમના બીજા રોકાણમાં રસ નથી. તેમણે કહ્યું કે, અમે સિમ્પલ બિઝનેસમાં છીએ.
અદાણી ગ્રુપનું નિવેદન:
આ દરમિયાન અદાણી ગ્રુપે એક નિવેદન જાહેર કરીનએ આ આરોપોનું ખંડન કર્યું છે. તેણે કહ્યું કે, સોરોસના સપોર્ટવાળા સંગઠનોની હરકત લાગી રહી છે. વિદેશી મીડિયાનું એક સેક્શન પણ તેને હવા આપી રહ્યું છે જેથી હિન્ડનબર્ગ રિપોર્ટના જીનને ફરીથી ઊભો કરી શકાય. આ દાવા એક દશક અગાઉ બંધ બાબતો પર આધારિત છે. ત્યારે DRIએ ઓવર ઇનવોઈસિંગ, વિદેશોમાં ફંડ ટ્રાન્સફર કરવા, રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન અને FPIના માધ્યમથી રોકાણના આરોપોની તપાસ કરી હતી.
એક ઇન્ડિપેન્ડેન્ટ એજ્યૂકેટિંગ ઓથોરિટી અને એક અપીલેટ ટ્રિબ્યુનલે આ વાતની પુષ્ટિ કરી હતી કે કોઈ ઓવર વેલ્યૂએશન નહોતું અને ટ્રાન્ઝેક્શન કાયદા મુજબ હતા. માર્ચ 2023માં સુપ્રીમ કોર્ટે અમારા પક્ષમાં નિર્ણય આપ્યો હતો. એટલે આ આરોપોની કોઈ પ્રાસંગિકતા કે આધાર નથી. અગાઉ અમેરિકન શોર્ટ સેલિંગ ફાર્મ હિન્ડનબર્ગે જાન્યુઆરીમાં અદાણી ગ્રુપ બાબતે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં અદાણી ગ્રુપ પર શેરોની કિંમતમાં છેડછાડ કરવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપે આ આરોપોનું ખંડન કર્યું હતું. તેનું કહેવું હતું કે, તેણે હંમેશાં નિયમોનું પાલન કર્યુ છે, પરંતુ આ રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો આવ્યો હતો અને તેની માર્કેટ કેપ 150 અબજ ડૉલર ઓછી થઈ ગઈ હતી.
જો કે હાલના દિવસોમાં ગ્રુપના શેરોમાં તેજી આવી છે. અદાણી ગ્રુપે OCCRPનએ આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, આ રિપોર્ટ્સે મૉરીશસના જે ફંડ્સની તપાસ કરી છે તેનું નામ પહેલા જ હિન્ડનબર્ગના રિપોર્ટમાં સામેલ હતું. આ આરોપ આધારહિન છે અને તેનું કોઈ પ્રમાણ નથી. આ આરોપ હિન્ડનબર્ગના રિપોર્ટ્સથી જ ઉઠાવવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓ સખત કાયદાઓનું પાલન કરે છે. તેમાં પબ્લિક શેર હોલ્ડિંગ સાથે જોડાયેલા રેગ્યૂલેશન પણ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp