26th January selfie contest

0 ટકા વ્યાજે કઈ મહિલાઓને, ક્યારથી અને કઇ રીતે મળશે લોન, જાણો તમામ માહિતી

PC: khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગની નારીશક્તિના કૌશલ્ય કૌવતને નવી દિશા આપી માતા બહેનોના આત્મનિર્ભર બનવાના સપના સાકાર કરવા નવી દિશા ખોલી આપી છે. મુખ્યમંત્રીએ આવી માતા બહેનો પોતાના ઘર પરિવારનો આર્થિક આધાર બની શકે તથા કોરોના પછીની બદલાયેલી સામાજિક આર્થિક નવી જીવનશૈલીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેવી નેમ રાખેલી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર 10 લાખ માતા બહેનોને શૂન્ય ટકા વ્યાજે લોન ધિરાણની ક્રાંતિકારી યોજના મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવાનો નિર્ધાર દર્શાવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આત્મનિર્ભર ભારતના પ્રેરણાસ્ત્રોત પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ ગુજરાતની નારી શક્તિને આપશે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં 50 હજાર અને શહેરી વિસ્તારમાં 50 હજાર મળી કુલ 1 લાખ જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરવામાં આવશે. આવા પ્રત્યેક જૂથમાં 10 મહિલા- માતા બહેનોને સહભાગી બનાવીને સમગ્રતયા 10 લાખ બહેનોને કુલ રૂા. 1000 કરોડ સુધીનું કુલ ધિરાણ-લોન મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં તબક્કાવાર આપવાનું આયોજન છે.

રાજ્યની સરકારી બેંકો, સહકારી બેંકો તેમજ ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય ધિરાણ સંસ્થાઓ મારફતે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના તહેત પ્રત્યેક મહિલા જૂથને 1 લાખ રૂપિયાની લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે. મુખ્યમંત્રીએ આ મહિલા કલ્યાણલક્ષી યોજનામાં બેન્કિંગ સેક્ટરને ઉત્સાહપૂર્વક જોડાવા આહવાન કર્યું છે. રાજ્ય સરકાર આવી બેન્કો સાથે નજીકના ભવિષ્યમાં આ અંગેના MOU પણ કરવાની છે.

મુખ્યમંત્રીએ ગુજરાતની માતા બહેનોને મળનારી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની લોન-ધિરાણનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે તેવો મહિલા કલ્યાણ અભિગમ અપનાવ્યો છે. એટલું જ નહીં આ લોન-ધિરાણ માટેની સ્ટેમ્પ ડ્યુટીમાં પણ માફી આપવાનો નિર્ણય તેમણે કર્યો છે. આ માટે રાજ્ય સરકારે 175 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં જેમની બેન્કલોન ભરપાઇ થઇ ગયેલી હોય તેવા પ્રવર્તમાન મહિલા જૂથોને પણ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં લાભ લેવા જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ તરીકે નોંધણી કરાવીને લાભ મેળવી શકશે તેવો ઉદાત્ત અભિગમ રાખ્યો છે.

શ્વેતક્રાંતિમાં પશુપાલનથી અગ્રેસર રહેલી ગુજરાતની નારી શક્તિ હવે આ લોન ધિરાણથી પોતાના નાના-મોટા સ્વતંત્ર વ્યવસાય, ગૃહ ઉદ્યોગથી પણ આત્મનિર્ભરતામાં અગ્રેસર થાય તેવી મુખ્યમંત્રી પ્રતિબદ્ધતા છે. તેમણે આ યોજનાનો લાભ છેવાડાના અંતરિયાળ વિસ્તારોની માતા-બહેનો સુધી મળી રહે તે માટે વધુને વધુ બહેનોના જૂથ બનાવવા યોજના અન્વયે પ્રોત્સાહન પણ જાહેર કર્યા છે.

તદ્દઅનુસાર આવા જૂથોની રચનામાં સહાયક થનાર કોમ્યુનિટી રીસોર્સ પર્સન- સર્પોટરને 300 રૂપિયાનું પ્રોત્સાહક સહાય અપાશે. મહિલા કલ્યાણ અને મહિલા ઉત્કર્ષ ક્ષેત્રમાં કાર્યરત સ્વૈચ્છિક સેવા સંગઠનો-સંસ્થાઓનું યોગદાન પણ આ યોજનાનો વ્યાપક લાભ માતા-બહેનોને મળે તે માટે લેવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં મળનારી રૂપિયા એક લાખની લોન-ધિરાણની પરત ચુકવણી સાથે જે તે જૂથને બચત તરીકે પણ રકમ મળી રહે તેવી મહત્વપૂર્ણ જોગવાઇ રાખી છે. વિજય રૂપાણીએ ગરીબ, ગ્રામીણ, સામાન્ય મધ્યમ વર્ગની માતા-બહેનોના જૂથોને વ્યાજ રહિત લોન-ધિરાણ સાથે વાર્ષિક માતબર રકમની બચતની સુવિધા પણ આ યોજનાથી આપી છે.

રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં 2.51 લાખ સખી મંડળો નોંધાયેલા છે અને તેના દ્વારા 25.82 લાખ ગ્રામીણ બહેનો વિવિધ પ્રવૃત્તિઓથી આર્થિક આધાર મેળવે છે. એટલું જ નહીં, ખેતી, પશુપાલન અને ડેરી વ્યવસાય સાથે જોડાયેલા 1.58 લાખ સખીમંડળોની 12 લાખ બહેનો પરિવારમાં આવક રળવામાં યોગદાન આપે છે. નાના ઉદ્યોગો અને વ્યવસાયોમાં 1.15 લાખ બહેનો તથા હેન્ડીક્રાફટ સાથે 20 હજાર બહેનો જોડાયેલી છે.

આ જ પ્રમાણે શહેરી વિસ્તારોમાં 23,776 જેટલા સખીમંડળોની 2.20 લાખ માતા-બહેનો ગૃહ ઉદ્યોગ તેમજ નાના વ્યવસાયોમાં સંકળાયેલી છે. અત્રેએ નિર્દેશ કરવો જરૂરી છે કે, નાણાંકીય વર્ષ 2019-20માં 45,404 સ્વસહાય જૂથ સખીમંડળોની 4.52 લાખ માતૃશક્તિએ 428.72 કરોડ રૂપિયાના ધિરાણ-લોન મેળવેલા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જૂથોની માતૃશક્તિને પણ તેમણે અગાઉ મેળવેલ લોન-ધિરાણ ભરપાઇ કર્યા હોય તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ આપવાનું પણ યોજનામાં સુનિશ્ચિત કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહિલા કલ્યાણ- મહિલા ઉત્કર્ષની આ પહેલરૂપ યોજનાનું રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા અમલીકરણ કરાશે. શહેરી ક્ષેત્રો માટે શહેરી વિકાસ વિભાગના ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન મારફતે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો અમલ કરાવવામાં આવશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp