જાણો કેવી રીતે નક્કી થાય છે રૂપિયા સામે ડૉલરની કિંમત

PC: cgtn.com

દેશનાં આઝાદ થતાં પહેલા ભારતની ઈકોનોમી પર બ્રિટીશ રાજનો પ્રભાવ હતો. આ જ કારણ છે કે, 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ભારતનાં એક રૂપિયાની કિંમત 1 ડૉલર જેટલી હતી. પરંતુ, ભારતમાં આઝાદી બાદ આવેલા આર્થિક અને રાજકીય બદલાવોને કારણે રૂપિયાની કિંમત ધીમે-ધીમે ઘટવા માંડી. આઝાદીનાં સમયે ભારત પર કોઈપણ પ્રકારનું દેવું નહોતું. પરંતુ ભારતને આગળ વધવા માટે નાણાંની જરૂર હતી, પરંતુ જ્યારે 1951માં ભારતે પહેલી પંચવર્ષીય યોજના લાગુ કરી ત્યારે ભારતને વિદેશોમાંથી દેવું લેવાની જરૂર પડી. જેને કારણે ભારત સરકારે પહેલીવાર રૂપિયાની કિંમતને ઘટાડવી પડી. રૂપિયાનાં ભાવને ઓછો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ફોરેન ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવું, સાથોસાથ એક્સપોર્ટને પ્રાત્સાહન આપવાનું હતું. જેથી વધુમાં વધુ લોકો ભારતમાં રોકાણ કરવા માટે પ્રેરાય અને તેને પગલે ફોરેન રિઝર્વને વધારી શકાય.

ભારતનાં રૂપિયાની કિંમત ઓછી હોય તો ફોરેનનાં લોકો ભારતમાંથી વધુ વસ્તુ ખરીદી શકે. આ જ કારણ છે કે એક્સપોર્ટને વધારવા માટે કોઈપણ દેશ પોતનાં નાણાંની કિંમતમાં ઘટાડો કરે છે. આઝાદી બાદ ભારતે ફીક્સ એક્સચેન્જ રેટ સિસ્ટમ અપનાવી. આ સિસ્ટમ અંતર્ગત સરકાર નક્કી કરતી હતી કે ભારતનાં રૂપિયાની કિંમત ડૉલરની સરખામણીમાં કેટલી રાખવામાં આવશે. આ સિસ્ટમને કારણે 1948 બાદ ડૉલરની સરખામણીમાં રૂપિયાની કિંમત 4.79 રૂપિયાની આસપાસ થઈ ગઈ. પછી આવ્યો 1962 અને 1965ની લડાઈનો દોર. 1962 અને 1965 બાદ બગડી ગયેલી ભારતની અર્થવ્યવસ્થાને ફરીથી બેઠી કરવા માટે સરકારે ફરીથી રૂપિયાની કિંમતમાં ઘટાડો કરવો પડ્યો. જેને કારણે રૂપિયાની કિંમત 1 ડૉલર સામે 7.57 રૂપિયા સુધી પહોંચી ગઈ. તે સમયે ભારતે વિદેશી દેશો પાસેથી હથિયારો ખરીદવા પડ્યાં હતાં. જેને કારણે ભારતનાં ફોરેન રિઝર્વમાં ઘટાડો થયો હતો. આ જ ફોરેન રિઝર્વને સુદ્રઢ કરવા માટે ભારતે ફરીથી પોતાનાં રૂપિયાની કિંમતમાં ઘટાડો કરવો પડ્યો હતો.

1971માં ભારતીય રૂપિયાની લિંક બ્રિટિશ પાઉન્ડ સાથે સમાપ્ત કરી દેવામાં આવી અને રૂપિયાને સીધો ડૉલર સાથે જોડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 1975 સુધી રૂપિયાનો ભાવ ગગડીને 8.39 પર પહોંચી ગયો અને 1985માં 1 ડૉલરની કિંમત 12 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ 1991નું વર્ષ ભારતીય અર્થવ્યવસ્થા માટે સૌથી ખરાબ રહ્યું હતું. મોંઘવારી અને વિકાસની ધીમી ગતિને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ હતી. ભારતનું ફોરેન રિઝર્વનાં તળિયા દેખાવા માંડ્યા હતાં. આ ફોરેન રિઝર્વનાં ભંડારને જીવંત રાખવા માટે રૂપિયાનું ફરીથી ડિવેલ્યુએશન કરવામાં આવ્યું હતું અને એક ડોલરની કિંમત 17.90 રૂપિયા પર પહોંચી ગઈ હતી.

ડૉલરનાં ભાવને સ્ટેબલ કરવાનાં સરકારનાં બધાં જ પ્રયત્નો નિષ્ફળ રહ્યાં હતાં. ત્યારબાદ 1993માં સરકારે ફિક્સ એક્સચેન્જ રેટને બદલે ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટની પોલિસી અપનાવી. એટલે કે હવે ડૉલરનાં રેટ બજાર દ્વારા નક્કી થવાનાં હતાં. પરંતુ આ નવી સિસ્ટમમાં આપાતકાલીન સ્થિતિમાં ડૉલરનાં ભાવને સ્થિર રાખવા માટે RBIનાં હાથમાં કેટલાક પાવર આપવામાં આવ્યા હતાં. આ પોલિસી બાદ રૂપિયાની કિંમતમાં ખૂબ જ ઘટાડો નોંધાયો હતો. હવે 1 ડૉલરને બદલે 31.37 પૈસા ચૂકવવા પડી રહ્યાં હતા, અને ત્યારબાદ ધીમે-ધીમે રૂપિયાની બાકી બચેલી મજબૂતી પણ ઓછી થતી ગઈ અને 2010 આવતા-આવતા ડૉલરનાં ભાવ 45 રૂપિયા પર પહોંચી ગયો હતો. ત્યારબાદ ડૉલરની કિંમત સતત વધતી જ ગઈ અને 2013 સુધીમાં ડૉલરની કિંમત 63 રૂપિયા પાર કરી ચૂકી હતી અને આજે 2018માં સરકાર અને RBIનાં તમામ પ્રયત્નો છતાં ડૉલરનો ભાવ 69 રૂપિયાનાં આયામને પાર કરી ગયો છે.

રૂપિયાની કિંમત ઘણી વાતો પર નિર્ભર હોય છે. જેમ કે, મોંઘવારી, રોજગારી, ઈક્વિટી માર્કેટનો ઉતાર-ચઢાવ, ગ્રોથ રેટ, વ્યાપારિક ખોટ, ફોરેન રિઝર્વ, વ્યાજ દરો વગેરે જેવા ફેક્ટરો રૂપિયાની કિંમતને અસર કરે છે. સરળ ભાષામાં વાત કરીએ તો આ તમામ બાબતો ફોરેન રિઝર્વ પર આધાર રાખે છે. જો કોઈ દેશમાં ફોરેન રિઝર્વ વધુ હોય તો તે દેશની કરન્સી મજબૂત હશે. પરંતુ, જો તે દેશનાં ફોરેન રિઝર્વમાં ઘટાડો થાય તો તેની કરન્સીનાં રેટમાં પણ ઘટાડો આવે. ફોરેન રિઝર્વ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ પર નિર્ભર હોય છે. જો કોઈ દેશ ઈમ્પોર્ટ વધુ કરતો હોય, એટલે કે વિદેશમાંથી વધુ વસ્તુ ખરીદતો હોય તો તેનાં ફોરેન રિઝર્વમાં ઘડાટો થાય છે સાથોસાથ તેની કરન્સીની વેલ્યૂમાં પણ ઘટાડો થાય છે. પરંતુ જો કોઈ દેશ એક્સપોર્ટ વધુ કરતો હોય એટલે કે બહાર વધુ વસ્તુઓ વેચતો હોય તો તે દેશમાં ફોરેન રિઝર્વ વધે છે, જેને કારણે તેની કરન્સી પણ મજબૂત બને છે. પરંતુ તેમાં પણ સરકારે બેલેન્સ જાળવવું પડે છે. કારણ કે જો કોઈ દેશની કરન્સી મજબૂત હોય તો બહારનાં દેશો તેની પાસેથી માલ ઓછો ખરીદશે. જેને કારણે એક્સપોર્ટમાં ઘટાડો થાય છે.

RBI ઈન્ટરેસ્ટ રેટ

ઈન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો, જો ડિપોઝીટ પર ઈન્ટરેસ્ટ રેટ વધુ હોય તો બહારનાં દેશોમાંથી લોકો વધુ રૂપિયાનું રોકાણ કરશે, પરંતુ જો ઈન્ટરેસ્ટ રેટ ઓછો હશે તો બહારનાં દેશમાંથી ઓછાં લોકો અહીં રોકાણ કરશે. આજની વાત કરીએ તો રૂપિયાની કિંમતમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ છે ક્રૂડ ઓઈલનાં વધતાં ભાવ છે, જેને કારણે સરકારે વિદેશી કરન્સીમાં વધુ પે કરવું પડી રહ્યું છે, જેને કારણે ફોરેન રિઝર્વમાં ઘટાડો થઈ રહ્યો છે.

કરન્ટ અકાઉન્ટ ડેફિસેટ

2019 સુધી કરન્ટ અકાઉન્ટ ડેફિસેટ 2.5 ટકાનાં દરે વધવાનું અનુમાન છે. કરન્ટ અકાઉન્ટ ડેફિસેટ એટલે ઈમ્પોર્ટ માટે કરવામાં આવેલું પેમેન્ટ એક્સપોર્ટથી મળેલાં પૈસા કરતાં વધુ છે. જેનો સીધો મતલબ છે ફોરેન રિઝર્વમાં ઘટાડો અને રૂપિયાની કિંમતમાં ઘટાડો. ઈન્ટરનેશનલ માર્કેટમાં ડૉલરની વધતી ડિમાન્ડ પણ રૂપિયાની કિંમતમાં ઘટાડાનું મહત્ત્વનું કારણ છે.

હવે જોવું એ રહ્યું કે, રૂપિયાની સતત ઘટતી કિંમતોને રોકવા માટે સરકાર અને RBI કયા પગલા લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp