ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન કોને ફાયદો કરાવી રહ્યું છે?

PC: newsstate.com

ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ધોવાતું જાય છે. રૂપિયાનું આ અવમૂલ્યન કોને ફાયદો કરાવી રહ્યું છે તે જાણવું પણ રસપ્રદ છે. સામાન્ય રીતે આયાતકારોને નુકશાન છે પરંતુ નિકાસકારોને ચાંદી થઇ ગઇ છે. રૂપિયાનું અવમૂલ્યન ફાર્મસી ઉદ્યોગને મોટો ફાયદો કરાવી રહ્યું છે. ગુજરાતના ડ્રગ્સ કમિશનરેટના એક અધિકારીએ કહ્યું હતું કે ડોલર મજબૂત થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ફાર્મા ઉદ્યોગની સ્થિતિ મજબૂત બની છે. ભારતીય ફાર્મા ઉદ્યોગ 200 દેશોમાં દવાઓની નિકાસ કરે છે અને ડોલર મજબૂત થવાથી માર્જિનમાં સુધારો જોવા મળી રહ્યો છે. ચીનથી આયાત થતા એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ્સ મોંઘા બન્યા છે, પરંતુ ફાર્મા ઉદ્યોગમાં આયાતની સામે નિકાસનું પ્રમાણ ઘણું વધારે છે તેથી માર્જિનમાં પાંચ ટકાથી વધારે લાભ થઇ રહ્યો છે.

ભારતીય ફાર્મા ઉદ્યોગ વર્ષે લગભગ 17 અબજ ડોલરથી વધારે નિકાસ કરે છે જ્યારે એપીઆઇની આયાત અંદાજે 6 અબજ ડોલર જેટલી છે. ભારતમાં અનેક પ્રકારના એપીઆઇનું ઉત્પાદન છેલ્લા કેટલાક વર્ષોમાં ચાલુ થયું છે. આયાતી મટિરિયલમાં વેલ્યૂ એડિશન કરીને ફોર્મ્યુલેશનની નિકાસ કરવામાં આવે છે અને ભારત વિશ્વમાં સૌથી સસ્તા દરે ગુણવત્તાસભર દવાઓ બનાવવા પ્રખ્યાત છે ત્યારે ઘટતા રૂપિયાના કારણે નિકાસમાં વૃદ્ધિ થઈ રહી છે.

આ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના ફાર્મા ઉદ્યોગને પણ ઘટતા રૂપિયાથી ઘણો લાભ થઈ રહ્યો છે. રાજ્યમાં 1,100 જેટલી ફાર્મા કંપનીઓ કાર્યરત છે અને 4,500 ઉત્પાદન લાઇસન્સ છે. ભારતના કુલ ફાર્મા ઉત્પાદનમાં ગુજરાત 33 ટકા યોગદાન આપે છે. રાજ્યની ફાર્મા કંપનીઓ ફાર-ઈસ્ટ અને આફ્રિકાના દેશોમાં મોટા પાયે નિકાસ કરે છે.

આફ્રિકા તથા એશિયાનાં બજારોમાં ભારતીય ફાર્મા કંપનીઓ માટે ઘણી સારી સ્થિતિ સર્જાઈ છે. અનેક દેશોમાં નિકાસ વધી રહી છે કારણ કે મજબૂત ડોલરના કારણે સ્પર્ધાત્મકતા વધી છે. ગુજરાતની ફાર્મા કંપનીઓને નિકાસના ઓર્ડર વધારે મળતાં ઉંચા ડોલરે વધુ નફો મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp