આ રાજ્યમાં ભાજપ સરકારે ખાદિમ હોટલનું નામ બદલીને 'અજયમેરુ' કરી દીધું

PC: tourism.rajasthan.gov.in

રાજસ્થાન સરકારે અજમેરમાં રાજ્ય પ્રવાસન નિગમની હોટેલ 'ખાદિમ'નું નામ બદલીને 'અજયમેરુ' કરી દીધું છે. રાજસ્થાન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (RTDC)ના મેનેજિંગ ડિરેક્ટર સુષ્મા અરોરાએ આ અંગે એક આદેશ બહાર પાડ્યો છે. એક સમાચાર એજન્સીએ સ્થાનિક અધિકારીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, વાસુદેવ દેવનાનીએ RTDCને આ હોટલનું નામ બદલવા માટે કહ્યું હતું. દેવનાની રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ અને અજમેર ઉત્તરના ધારાસભ્ય છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ પગલું શહેરના સાંસ્કૃતિક વારસાને બચાવવા માટે લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ અજમેરના લોકોની માંગ હતી. તેમણે વધુમાં કહ્યું કે, અજમેર ઐતિહાસિક રીતે 'અજયમેરુ' તરીકે ઓળખાતું હતું. તેથી RTDCના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો છે.

અજમેર શહેર સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે પ્રખ્યાત છે. ‘ખાદિમ’ નામ પણ તેની સાથે જોડાયેલું છે. દરગાહના મૌલવીઓને 'ખાદિમ' કહેવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે, દેવનાનીએ અગાઉ RTDCને જિલ્લા કલેક્ટર કચેરીની સામે આવેલી હોટલનું નામ બદલવાની સૂચના આપી હતી. સ્પીકરે કહ્યું હતું કે, હોટલનું નામ અજમેરના સમૃદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસ, વારસા અને ઓળખને પ્રતિબિંબિત કરતું હોવું જોઈએ. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેવનાનીએ અજમેરમાં કિંગ એડવર્ડ મેમોરિયલનું નામ હિન્દુ ફિલોસોફર સ્વામી દયાનંદ સરસ્વતીના નામ પર રાખવાનું પણ સૂચન કર્યું છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 'અજયમેરુ' નામના મૂળ 7મી સદી સાથે જોડાયેલા છે. જ્યારે મહારાજા અજયરાજ ચૌહાણે શહેરની સ્થાપના કરી હતી. ઈતિહાસકારોના મતે આ નામનો ઉપયોગ પ્રાચીન ઐતિહાસિક રેકોર્ડ અને ભૌગોલિક સંદર્ભોમાં પણ કરવામાં આવ્યો છે.

અજમેર દરગાહના સેવકોએ આ નિર્ણયની ટીકા કરી છે. દરગાહ શરીફના 'ગદ્દી નશીન' (વડા) અજમેર સરવર ચિશ્તીએ કહ્યું કે, BJP શહેરના ઈતિહાસને ભૂંસવાનો પ્રયાસ કરી રહી છે. દરગાહ શરીફની સંભાળ રાખનાર ચિશ્તીએ આરોપ લગાવ્યો છે કે, આ BJPનો સાંપ્રદાયિક એંગલ છે. તેમણે કહ્યું કે આ પેટર્ન આખા દેશમાં જોવા મળે છે, BJP નામ બદલવામાં વ્યસ્ત છે. જો તેઓ આ નામોને ગુલામીનું પ્રતીક માનતા હોય તો તેમણે તાજમહેલ કે લાલ કિલ્લાને નષ્ટ કરી દેવું જોઈએ. ચિશ્તીએ કહ્યું કે, આ સસ્તી રાજનીતિ કરવાની એક રીત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp