વહેલી તારીખ ઇચ્છતા હતા CM કેજરીવાલ, સુપ્રીમ કોર્ટે ના પાડી, 1 દિવસમાં 2 ઝટકા

PC: lokmatnews.in

કથિત દારૂ કૌભાંડમાં જેલમાં રહેલા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને રાહત માટે વધુ રાહ જોવી પડશે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક CM અરવિંદ કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને નોટિસ મોકલી આપી છે અને 24 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. CM કેજરીવાલની અરજી પર હવે મહિનાના અંતમાં દેશની સૌથી મોટી કોર્ટમાં ચર્ચા થશે.

સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી શરૂ કરી. સુપ્રીમ કોર્ટે CM કેજરીવાલની ધરપકડને યથાવત રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ સામેની અરજી પર EDને નોટિસ મોકલી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે કેન્દ્રીય તપાસ એજન્સીને 24 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

CM કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ કેસની વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે EDને નોટિસ મોકલી આપી છે તેમ કહ્યું, ત્યારે સિંઘવીએ આ શુક્રવારે આગામી સુનાવણીની માંગ કરી. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, તેઓ નજીકનો સમય આપશે પરંતુ સિંઘવીએ સૂચવેલી તારીખે તે શક્ય નથી. સિંઘવીએ કહ્યું કે, તેઓ કેટલાક એવા તથ્યો રજૂ કરવા માંગે છે, જે કોર્ટની આત્માને હચમચાવી નાખશે. જસ્ટિસ ખન્નાએ સિંઘવીને તેમની દલીલો બચાવીને રાખવા કહ્યું.

સિંઘવીએ કહ્યું કે, CM કેજરીવાલને ચૂંટણી પ્રચારમાં ભાગ લેતા રોકવા માટે ધરપકડ કરવામાં આવી છે. નોટિસ બહાર પાડીને જસ્ટિસ ખન્નાએ 29 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં કેસની યાદી આપવા જણાવ્યું હતું. જ્યારે સિંઘવીએ વહેલી સુનાવણીની માગણી કરી, ત્યારે ન્યાયાધીશે એમ કહીને ના પાડી દીધી કે, આ શક્ય એટલી વહેલી તારીખ છે. 21 માર્ચે EDએ CM અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. 1 એપ્રિલે તેમને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ તિહાર જેલમાં જ બંધ છે. CM કેજરીવાલે તેમની ધરપકડને ગેરકાયદે ગણાવીને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યાં તેઓ નિરાશ થયા અને તેઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp