વીરૂની જેમ ટાંકી પર ચડી પત્નીને બોલાવવા જિદે ચડ્યો, ભાગીને લગ્ન કર્યા હતા પણ...

PC: abplive.com

ધર્મેન્દ્ર અને અમિતાભ અભિનીત શોલે ફિલ્મ તમને યાદ છે? એક સીનમાં ધર્મેન્દ્ર પાણીની ટાંકી પર ચઢી જાય છે અને આત્મહત્યાનું નાટક કરે છે. આવો જ એક વાસ્તિવક સીન રાજસ્થાનના ભરતપુરમાં જોવા મળ્યો છે.રાજસ્થાનના ભરતપુરમાં એક યુવાન પાણીની ટાંકી પર ચઢી ગયો હતો અને પોતાની પ્રેમિકાને બોલાવવાની જીદ પકડીને બેઠો હતો. યુવકને સમજાવતા સમજાવતા પોલીસ અને તંત્રને પરસેવો પડી ગયો હતો. જો કે આખરે યુવાન નીચે ઉતરી ગયો છે.

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક તેની પ્રેમિકાને પોતાની પાસે બોલાવવાની જીદ કરીને પાણીની ટાંકી પર ચઢી ગયો હતો. પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમે તેને કેટલાક કલાકો સુધી સમજાવવાની કોશિશ કરી હતી, ટાંકી પરથી નીચે આવ્યો ન હતો. યુવકે કહ્યું કે જ્યારે તેની ગર્લફ્રેન્ડ તેને મળવા આવશે ત્યારે જ તે નીચે આવશે.

યુવકની બહેન અને ભાણેજને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, પરંતુ યુવક પોતાની વાત પર જ અડગ રહ્યો હતો. બાદમાં પોલીસે પ્રેમિકાને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. પ્રેમિકાએ સમજાવ્યા બાદ જ યુવક પાણીની ટાંકી પરથી નીચે ઉતરી શક્યો હતો. મળતી માહિતી મુજબ, ભરતપુરના બયાના પોલીસ સ્ટેશન વિસ્તારના અગાવલી ગામના રહેવાસી 23 વર્ષનો લાલજીત અને ભરતપુરની એક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. છોકરીના મામા છોકરાના ગામમાં છે. યુવતી તેના મામાના ઘરે આવતી-જતી હતી.

બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને બંને 10મેના દિવસે ઘરેથી ભાગીને ગાજીયાબાદ પહોંચ્યા હતા. એવા દાવો કરવામાં આવ્યો હતો કે યુવક અને યુવતીએ આર્ય સમાજ વિધીથી લગ્ન કરી લીધા હતા. યુવતીના પરિવારે મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં 11 મેના દિવસે ફરિયાદ નોંધાવીને જેના આધારે પોલીસ યુવતીને પકડીને ભરતપુર લઇ આવી હતી. પોલીસે જયારે યુવતીનું નિવેદન લીધું તો તેણીએ પોતાના પરિવાર સાથે જવાની ઇચ્છા વ્યકત કરી હતી,એટલે પોલીસે યુવતીને તેના પરિવાર પાસે મોકલી આપી હતી.

પોલીસે કહ્યું કે, એક યુવક પાણીની ટાંકી પર ચઢી ગયો હોવાની માહિતી મળતા અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને યુવકને સમજાવ્યો હતો, પરંતુ માન્યો નહોતો, આખરે પ્રેમિકાને બોલાવવી પડી અને તેણીએ આવીને કહ્યું, પછી યુવક નીચે ઉતર્યો. બંને પક્ષોની ફરિયાદ લેવામાં આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp