RBIના ગવર્નરના મતે પેટ્રોલ-ડીઝલ અંગે આ નિર્ણય સરકાર લે તો લોકોને ફાયદો થશે

PC: wikimedia.org

પેટ્રોલ ડીઝલની આકાશ આંબી રહેલી કિંમત દરેક વર્ગના ખિસ્સમાં આગ લગાડી રહી છે. પ્રજાને થોડી રાહત આપવા માટે ટેક્સ પર કાપ મૂકવાની વાત હવે RBIના ગવર્નર શક્તિકાંત દાસે કરી છે. ટેક્સને લઈને સરકાર પર દબાણ વધી રહ્યું છે. વિપક્ષથી લઈને સામાન્ય લોકો સુધી સૌ કોઈ એવી માગ કરી રહ્યું છે કે, પેટ્રોલ-ડીઝલની કિંમત પર લાગતો ટેક્સ ઘટાડી દેવામાં આવે. જેથી કિંમત ઘટે અને સામાન્ય વ્યક્તિને હાશકારો થાય.

આ માહોલ વચ્ચે ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પણ પેટ્રોલ-ડીઝલ પર લાગતો ટેક્સ ઘટાડીને કિંમતને અંકુશમાં લેવા માટેની મોટી અને મહત્ત્વની વાત કરી છે. આ અંગે તેમણે પણ સરકારને સલાહ આપી છે. મૌદ્રિક નીતિની સમિક્ષા બેઠકમાંથી આ વાત સામે આવી છે. આ બેઠકમાં શક્તિકાંત દાસે કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે, તેઓ ઈનડાયરેક્ટ ટેક્સમાં કાપ મૂકે. જેથી કરીને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરી શકાય. ટેક્સને ધીમે ધીમે ઓછો કરવો જરૂરી છે. જેથી અર્થતંત્ર પર કિંમતનું દબાણ દૂર કરી શકાય. MPC મિનિટ્સમાં કહેવાયું હતું કે, ડીસેમ્બર મહિનામાં CPI એટલે કે છૂટક મોંઘવારી અને ઈંધણને દૂર કર્યા હોવા છતાં 5.5.%થી તે ઉપર નથી. કારણ કે ક્રુડ ઓઈલના વધતા ભાવ અને પેટ્રોલ-ડીઝલ પર મોટા ઈનડાયરેક્ટ ટેક્સને કારણે મુખ્ય વસ્તુઓ તેમજ સર્વિસમાં મોંઘવારી વધી ગઈ છે. જેમાં ખાસ કરીને પરિવહન સેવા અને સ્વાસ્થ્ય સેવાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ બાદ ફરી એકવખત મંગળવારે ક્રુડ કંપનીઓએ ફરીથી ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો છે.

રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલમાં પણ 35 પૈસાનો વધારો થયો છે. આ વધારા બાદ પેટ્રોલની નવી કિંમત 90.93 રૂ. અને ડીઝલની કિંમત રૂ.81 નોંધાઈ છે. દેશના કેટલાક શહેરમાં પેટ્રોલની કિંમત રૂ.100 સુધી પહોંચી ગઈ છે. પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવમાં થોડી રાહત આપવા માટે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, અસમ અને મેઘાલયમાં સરકારે વેટ અથવા અન્ય ટેક્સ ઓછા કરી નાંખ્યા છે. પણ હજું સુધી કેન્દ્ર સરકારે એવું કોઈ ખાસ પગલું ભર્યું નથી. જેથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થાય. પેટ્રોલિયમ પર સૌથી વધારે ટેક્સ લગાવવામાં ભારતનો ક્રમ દુનિયાના બીજા રાષ્ટ્રની તુલનામાં ટોપ 5માં છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલને GST અંતર્ગત લાવવા માટે પણ માગ કરવામાં આવી રહી છે. પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી અને રાજ્ય સરકાર વેટ ટેક્સ લગાવે છે. જો GST અંતર્ગત લાવવામાં આવે તો માત્ર એક જ ટેક્સ લાગુ પડે. તા.16 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલની બેઝ કિંમત 31.82 રૂ. રહી હતી જેના પર કેન્દ્ર સરકાર દર લિટરે 32.90 રૂ. એક્સાઈઝ ડ્યૂટી લગાવે છે. જ્યારે દિલ્હી સરકાર 20.61 રૂ. વેટ એડ કરે છે. જેના કારણે એક લિટર પેટ્રોલની કિંમત સામાન્ય માણસને 89.29 રૂ.માં પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp