દિલ્હીમાં 11 વર્ષ પહેલા કરેલી ભૂલ કોંગ્રેસ કેમ યાદ કરી રહી છે?
કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં ચૂંટણી છે. તારીખોની જાહેરાત હજુ કરવામાં આવી નથી, પરંતુ થોડા મહિના પહેલા જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં એકસાથે રહેલા બે પક્ષો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે સામ સામે આવી ગઈ છે. કોંગ્રેસના કોષાધ્યક્ષ અજય માકને તાજેતરમાં દિલ્હીની સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને કેન્દ્રમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ ચાર્જશીટ અને શ્વેતપત્ર બહાર પાડ્યું છે.
આ દરમિયાન અજય માકને 2013માં ત્રિશંકુ જનાદેશ પછી માત્ર 49 દિવસ રહેલી અરવિંદ કેજરીવાલના નેતૃત્વની ગઠબંધન સરકારનો ઉલ્લેખ કરતા તેને કોંગ્રેસની મોટી ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યું કે, જો તે સમયે કેજરીવાલ સરકારની રચનામાં કોંગ્રેસે તેમને સહકાર ન આપ્યો હોત તો આજે દિલ્હીના નાગરિકોને આટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત.
અજય માકને તાજેતરની લોકસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીની INDIA ગઠબંધનમાં હાજરી અને તેના કારણે ગઠબંધનને કોંગ્રેસ માટે નુકસાનકારક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે પાર્ટી આના પરિણામો વિધાનસભા ચૂંટણીમાં ભોગવી રહી છે. અજય માકન અને દિલ્હી કોંગ્રેસના તમામ નેતાઓ 11 વર્ષ જૂની ભૂલને યાદ કરી રહ્યા છે, ત્યારે યુથ કોંગ્રેસે પણ મહિલા સન્માન અને સંજીવની યોજનાની નોંધણીને લઈને શાસક પક્ષ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે સવાલ એ છે કે, કોંગ્રેસ પોતાની 11 વર્ષ જૂની ભૂલને વારંવાર કેમ યાદ કરી રહી છે?
કોંગ્રેસ પોતાની 11 વર્ષ જૂની ભૂલને વારંવાર યાદ કરી રહી છે, તો તેની પાછળ પણ એક કારણ છે. આ સમજવા માટે, 2008, 2013 અને 2015ના પરિણામોની ચર્ચા કરવી જરૂરી છે. 2008ની દિલ્હી ચૂંટણીમાં 40.3 ટકા વોટ શેર સાથે 43 સીટો જીતીને સરકાર બનાવનાર કોંગ્રેસ 2013માં 24.70 ટકા વોટ શેર સાથે માત્ર આઠ સીટો જીતી શકી હતી.
BJP 33.3 ટકા વોટ શેર સાથે 31 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. નવી બનેલી આમ આદમી પાર્ટીએ 29.70 ટકા વોટ શેર સાથે 28 બેઠકો જીતી હતી. ત્યારપછી BJPને સત્તાથી દૂર રાખવા કોંગ્રેસે આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બનાવી દીધી. આ સરકાર માત્ર 49 દિવસ જ ચાલી શકી અને કેજરીવાલે પદ પરથી રાજીનામું આપી દીધું.
વર્ષ 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને આ વખતે આમ આદમી પાર્ટીનું નિશાન 'સાવરણી'એ એવી સફાઈ કરી કે કોંગ્રેસ સાફ થઇ ગઈ. કોંગ્રેસને ફક્ત 9.7 ટકા વોટ મળ્યા અને પાર્ટી ખાતું પણ ખોલવામાં નિષ્ફળ રહી. આમ આદમી પાર્ટીને 54.5 ટકા વોટ મળ્યા અને 67 સીટો જીતવામાં સફળ રહી. BJP માત્ર ત્રણ સીટો પર સમેટાઈ ગઈ હતી, પરંતુ પાર્ટીનો વોટ શેર 32.3 ટકા હતો, જે 2013ની સરખામણીમાં માત્ર એક ટકા ઓછો હતો. આવા પરિણામો પાછળનું કારણ એ હતું કે કોંગ્રેસ સાથેની વોટબેંક આમ આદમી પાર્ટીની સાથે શિફ્ટ થઇ ગઈ હોવાનું માનવામાં આવે છે, જેમાં ગઠબંધન પણ એક પરિબળ કહેવાય છે.
2015માં કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ ગઈ હતી અને તે પછી ક્યારેય ઉભી થઇ શકી નહોતી. 2020ની દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર ઘટીને 4.3 ટકા થઇ ગયો હતો. ત્યારે પણ પાર્ટીનું ખાતું ખુલ્યું ન હતું. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વોટ શેરમાં .5 ટકાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો, જ્યારે BJPનો વોટ શેર અને સીટો બંનેમાં વધારો થયો હતો. BJPનો વોટ શેર 2015ની સરખામણીમાં 6.4 ટકા વધીને 38.7 ટકા થયો છે અને પાર્ટી આઠ બેઠકો જીતવામાં સફળ રહી છે. 2014થી 2024 સુધી, કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં યોગ્ય પ્રમાણમાં વોટ મળતા રહ્યા, પરંતુ તે ક્યારેય પણ સીટ જીતવાની સ્થિતિમાં આવી શકી નહીં. તાજેતરની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન હોવા છતાં, કોંગ્રેસ દિલ્હીમાં ખાલી હાથ રહી હતી.
સામાન્ય ચૂંટણીઓની વાત કરીએ તો, કોંગ્રેસ પાર્ટી, જેણે 2009માં 57.1 ટકા વોટ શેર સાથે દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો જીતી હતી, તે 2014માં 15.2 ટકા વોટ શેર સાથે શૂન્ય પર સમેટાઈ ગઈ હતી. આમ આદમી પાર્ટી પણ શૂન્ય પર રહી, પરંતુ તેને 33.1 ટકા વોટ મળ્યા હતા. 2019માં, કોંગ્રેસનો વોટ શેર 22.6 ટકા પર પહોંચ્યો અને સૌથી જૂની પાર્ટી 18.2 ટકા વોટ શેર વળી આમ આદમી પાર્ટીને પાછળ છોડીને, BJP પછી બીજી પાર્ટી તરીકે ઉભરી આવી, પરંતુ 2024ની ચૂંટણીમાં ફરીથી કેજરીવાલની પાર્ટી સાથે હાથ મિલાવ્યા. કોંગ્રેસને આ વખતે 19 ટકા વોટ મળ્યા છે. BJP અને આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસ ત્રીજી પાર્ટી રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp