મહિલા MLAએ હાથ જોડી 7 દિવસનો સમય માગ્યો પણ મેયરે બુલડોઝર ચલાવવાનો આદેશ આપી દીધો

PC: jagran.com

કાનપુર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાઈરલ થયેલા આ વીડિયોમાં સિસામાઉ વિધાનસભા સીટ પરથી ચૂંટાયેલા SPના MLA નસીમ સોલંકી કાનપુરના મેયર સામે હાથ જોડીને ઉભેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં ધારાસભ્ય મેયર પાસેથી સાત દિવસનો સમય માગતા જોવા મળે છે, જેના પર મેયર પ્રમિલા પાંડે એક સેકન્ડનો પણ સમય ન આપવાનું કહી રહ્યા છે. આ પછી મેયરે બુલડોઝર ચલાવવાનો આદેશ આપી દીધો હતો. મેયર અને ધારાસભ્ય વચ્ચેની વાતચીતનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, સીસામઉ વિધાનસભા ક્ષેત્રમાં કેટલાક લોકોએ ગટર પર અતિક્રમણ કર્યું છે, જેને દૂર કરવા માટે મહાનગરપાલિકાએ બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો.

અતિક્રમણ હટાવવાની આ કાર્યવાહી દરમિયાન કાનપુરના BJPના મેયર પ્રમિલા પાંડે પોતે હાજર હતા. જ્યારે SP ધારાસભ્ય નસીમ સોલંકીને અતિક્રમણ હટાવવાની કાર્યવાહીના સમાચાર મળ્યા, ત્યારે તે પણ સ્થળ પર પહોંચ્યા હતા અને મેયર સામે હાથ જોડીને તેમને કાર્યવાહી રોકવા આગ્રહ કરવા લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન ધારાસભ્યએ મેયરને સાત દિવસની મુદત વધારવાની પણ માંગણી કરી હતી, પરંતુ મેયરે ધારાસભ્યને સમય આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ધારાસભ્ય મેયર સામે હાથ જોડીને ઉભા રહ્યા પરંતુ મેયરે સાંભળ્યું નહીં અને બુલડોઝર ચલાવવાનો આદેશ આપી દીધો.

એક મીડિયા ચેનલના રિપોર્ટ્સ અનુસાર, થોડા દિવસો પહેલા સીસામઉ વિધાનસભા ક્ષેત્રમાં સ્થિત એક નાળામાં પડી જવાથી એક બાળકીનું મોત થયું હતું. બાળકીના મોત પછી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે અધિકારીઓને બાળકીના મોતના સમાચાર મળ્યા ત્યારે મહાનગરપાલિકામાં ખળભળાટ મચી ગયો હતો. તાત્કાલીક અતિક્રમણ દૂર કરવાના આદેશો બહાર પાડવામાં આવ્યા હતા. શુક્રવારે પણ નાળા પરનું અતિક્રમણ હટાવવા માટે ઘણા અધિકારીઓ JCB સાથે પહોંચ્યા હતા, પરંતુ લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું અને સીસામઉ વિધાનસભા બેઠકના SP ધારાસભ્ય નસીમ સોલંકીને ફોન કરીને બોલાવ્યા હતા. આ દરમિયાન મેયર પ્રમિલા પાંડે પણ પહોંચી ગયા હતા.

અતિક્રમણ કાર્યવાહી દરમિયાન, SP ધારાસભ્ય નસીમ સોલંકીએ હાથ જોડીને મેયર પ્રમિલા પાંડેને સાત દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ મેયરે સ્પષ્ટ ના પાડી દીધી હતી. મેયરે ધારાસભ્યને કહ્યું કે તમે જાઓ, તમારા અહીં રહેવાથી લોકો તમારા પર દબાણ કરશે. મેયરે કહ્યું, હું તમારી સાથે હાથ જોડું છું, પરંતુ તમને એક સેકન્ડનો સમય પણ નહીં આપું. બાળકીના મોતનો ઉલ્લેખ કરતાં મેયરે કહ્યું કે, કાર્યવાહી તો થઈને જ રહેશે. આ પછી મેયરે બુલડોઝર ચલાવવાનો આદેશ આપી દીધો હતો. મેયર અને ધારાસભ્ય વચ્ચે થયેલી આ વાતચીતનો વીડિયો પણ ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp