VNSGUમા ગરબા રમનારાને પોલીસ ઉઠાવી ગઈ, VCએ કહ્યુ- પોલીસ મંજૂરી વગર અંદર ન આવી શકે

PC: DainikBhaskar.com

રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે પરંતુ શેરી ગરબામાં પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. શેરી ગરબાના આયોજનોમાં નિયમોનું પાલન થાય છે કે, નહીં તે જોવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ સોસાયટીમાં જઈને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે જ કરાયું હતું. જ્યારે વિદ્યાર્થીઓ ગરબા રમતા હતા ત્યારે ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ તપાસ કરવા માટે પહોંચ્યા હતા અને તેમને જાણવા મળ્યું હતું કે, ગરબામાં સામાજિક અંતર અને માસ્કના નિયમનો ભંગ થઇ રહ્યો છે. તેથી પોલીસ દ્વારા ગરબા કરી રહેલા વિદ્યાર્થીઓને સામાજિક અંતરનું પાલન કરવા અને માસ્ક પહેરવા માટે જણાવ્યું હતું. પોલીસે નિયમોનું પાલન કરવાનું કહેતા જ વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને પોલીસને કહ્યું હતું કે તમે કોની મંજૂરી લઈને કોલેજ કેમ્પસની અંદર આવ્યા છો. વિદ્યાર્થીઓના આ પ્રકારના વર્તનને લઈને પોલીસ અને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી.

બેથી ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા PI અને અન્ય પોલીસ કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું. જેથી મામલો વધારે ગરમાયો હતો. આ બોલાચાલી વચ્ચે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રહેતા વિદ્યાર્થીઓ વધારે ઉશ્કેરાઇ ગયા હોવાના કારણે ઉમરા પોલીસ દ્વારા વધારે પોલીસ સ્ટાફ બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઝઘડો કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી.

કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓને અટકાયત કરવામાં આવતા અન્ય વિદ્યાર્થીઓ ઉમરા પોલીસ સ્ટેશનમાં એકઠા થઇ ગયા હતા અને તેમને પોલીસ સ્ટેશનમાં ઘેરાવ કરીને વિદ્યાર્થીઓને છોડવાની માગણી કરી હતી. આ બાબતે વિદ્યાર્થીઓએ એવું જણાવ્યું હતું કે, તેમને પોલીસની પરમિશન લઇને ગરબાનું આયોજન કર્યું હતું. છતાં પોલીસ ખોટી રીતે કેસ દાખલ કરી રહી છે.

આ ઘટનાને લઇને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉક્ટર જયદીપ ચૌધરીનું કહેવું છે કે, કુલપતિના આદેશ વગર પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશી શકે નહીં. તેથી જે તે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા માટે અમે ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

બીજી તરફ ABVPના કેમ્પસ અધ્યક્ષ ઇશાન મટ્ટુએ જણાવ્યું હતું કે, અમે જ્યારે પોલીસ સાથે વાત કરવા ગયા ત્યારે પોલીસે અમને ગાળો આપી હતી. પોલીસે મારો કોલર પકડી મને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અન્ય ABVPના કાર્યકર્તાને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. પોલીસની દાદાગીરીનો અમે વિરોધ કરીશું. આ ઘટનાને લઇને ABVP દ્વારા યુનિવર્સિટી બંધનું એલાન આપવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલે એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, પોલીસ 4 વિદ્યાર્થીઓને ઢસડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઇજા થઇ હતી. તેથી અન્ય વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રામધૂન બોલાવી હતી.

આ બાબતે કુલપતિ કે.એન. ચાવડાએ જણાવ્યું હતું કે, પોલીસ મંજૂરી વગર યુનીવર્સિટીના કેમ્પસની અંદર પ્રવેશ ન કરી શકે. તો બીજી તરફ આ ઘટનાને લઇને કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે અને યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp