રાજકોટના શેરી ગરબામાં પોલીસ ત્રાટકી, આયોજકની અટકાયત થતા નાની બાળાઓ રડી પડી

PC: youtube.com

રાજ્ય સરકાર દ્વારા 400 લોકોની હાજરીમાં ગરબાના આયોજનને મંજૂરી આપવામાં આવી છે. સરકારની મંજૂરી બાદ રાજ્યમાં ઠેર-ઠેર જગ્યા પર ગરબાના આયોજનો થઇ રહ્યા છે. ગરબા માટે રાત્રે 12 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે પણ કેટલીક જગ્યા પર ધાર્મિક આયોજનોમાં 12 વાગ્યા કરતા વધારે સમય થઇ જાય.

ત્યારે આ માહિતી પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચે છે અને જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરે છે. ત્યારે રાજકોટમાં પોલીસની દાદાગીરીની ઘટના સામે આવી છે. શેરી ગરબા પૂર્ણ કરતા 5થી 10 મિનીટ મોડું થયું ત્યાં તો પોલીસ દ્વારા આયોજકોની અટકાયત કરી લેવામાં આવી હતી. નાની બાળાઓ માતાજીના ગરબા રમી રહી હતી તે સમયે પોલીસ આવતા જ બાળાઓ ડરી ગઈ હતી અને કેટલીક બાળકીઓ રડવા પણ લાગી હતી. આ ઘટના રાજકોટના ભક્તિનગર વિસ્તારની છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના સોરઠીયાવાડી વિસ્તારમાં આવેલા માટેલ ચોકમાં બુધવારે રાત્રે 12 વાગ્યે રાસ-ગરબા પૂર્ણ કરીને આયોજકો દ્વારા માતાજીની આરતીની તૈયારી કરવામાં આવતી હતી તે સમયે એકાએક ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરીને ગરબીના આયોજકોની અટકાયત કરી હતી. આ ઘટનાને લઇને ગરબે રમતી બાળાઓ અને અન્ય લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. તેથી આ બાળકીઓ અને લોકો પોલીસ કમિશનર કચેરી પર પહોંચ્યા હતા. પોલીસ કમિશ્નર કચેરી પર બાળાઓએ જય અંબે અને જય ભવાનીના નારા પણ લગાવ્યા હતા. આયોજકોની અટકાયત કરતા જ જગદંબા સ્વરૂપ નાની બાળકીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા.

બાળકીએ જણાવ્યું હતું કે, પોલીસ પકડી જાય છે. પવનપુત્રમાં 2 વાગ્યા સુધી ગરબી ચાલુ રહે છે અને અહિયાં 10 વાગ્યે ગરબી શરૂ કરીએ છીએ અને 12 વાગ્યે પોલીસ બંધ કરાવી દે છે. આનો મતલબ શું છે.

મહત્ત્વની વાત છે કે. બાળકોને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યારે નવરાત્રીના પવન અવસરે નાની બાળકીઓને પોલીસની કામગીરીના કારણે રડવાનો વારો આવે તે કેટલું યોગ્ય કહેવાય? ઉલ્લેખનીય છે કે, નેતાઓના પ્રોગ્રામમાં કોરોનાની ગાઈડલાઈનમાંથી ઘણા નિયમોનો ભંગ થાય છે. ભાજપના મંત્રીઓ અને નેતાઓની રેલીઓ અને સભામાં કોઈ માસ્ક પહેરીને જોવા મળતું નથી. 400 લોકો કરતા વધુ લોકો નેતાઓના કાર્યક્રમમાં હાજર રહે છે અને સામાજિક અંતરનું પણ પાલન થતું નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp