ગામ ખાલી કરો, પોલીસ નીકળી બહાર વટે

PC: khabarchhe.com

ડફેર માટે વર્ષોથી કામ કરતા વિચરતી જાતિ સંસ્થાના મિત્તલ પટેલે કહ્યું કે, કોઈ વ્યક્તિને ગામમાં રહેવા દેવા કે નહીં તે નક્કી કરવાનું કામ પોલીસનું તો નથી જ. વળી ગુનેગારને સજા કરાવવા એને પકડીને કોર્ટ લઈ જાવ. પણ એ ગુનેગાર સામે ચાલીને પોલીસ સ્ટેશન હાજર થઈ જાય પછી એના પરિવારને હેરાન કરવાનો શું મતલબ? ડફેર લૂંટ કરે પણ લૂંટ કેમ કરવી પડે છે એ સમજવાની જરૂર છે. પોલીસની બર્બરતા હવે હદ વટાવી રહી છે.

મિત્તલ કહે છે કે, ગફારભાઈ અને શકીનાબહેનને અમે કહી દીધુ કે, ‘પોલીસ આવે ને તો કેજો અહીંયાથી નહીં હટુ, આંય જ રહીશ. તમારાથી થાય ઈ કરો... છતાં ના માને તો મને ફોન કરજો.’ આટલું કહ્યાથી એમનામાં હિંમત આવી. ગફારભાઈને પોલીસે આપેલા નંબર પર ફોન જોડ્યો પણ વાત થતી નથી.

‘બેન કટિયાને હાજર કરી દીધો તોય પોલીસ સાલ નહીં છોડતી. તમે કીધુ ક હવ ચોખ્ખા થઈ જાવ આપણા માથે ગુનો હોય તો પોલીસ આંટા દે ને? પોલીસ આંટા દે ઈ હારુયે નો લાગે. તે બેન હું બોપલ સીટી પોલીસમાં રુબરુ જઈને કટિયાને દઈ આયો. પણ આ વાતની સરખેજ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ને ખબર પડી તારથી ઈમને ઉપાડો લીધો સે. કટિયાને અમારી આગળ કેમ હાજર નો કર્યો? બેન અમારા બૈરાયોના ઘાઘરા હામે હાથ કરીને કાનના કીડા ખરી પડ એવું એ લોકો બોલ્યા.’
ગફારભાઈ એક શ્વાસે બોલી રહ્યા હતા. બોલતા બોલતા એમના ગળે ડૂમો બંધાઈ ગ્યો.

‘નથ સહન થાતુ બેન...’ તેઓ આગળ કશું બોલી ના શક્યા.

એ રડી રહ્યા હતા... એમના પત્ની શકીનાબહેને ફોન લીધો, ‘અમારો વાંક ગનો હોય ને તો હો વાર ભલે સાપરે આવે પણ કોય ગના વગર આઈન અમારી જુવાન છોડીઓની હામે.... મે કીધુ કે, હું તમારી મા જેવી સુ જરા જીભાન હાંભાળો. પણ એતો નાગુ બોલે જ જાય બેન. તમને હું કહુ... હમણાં હમણાંથી રોજ ઉપાડો લીધો સે, તે આજે ગામલોકોએ ગામ ખાલી કરીને જતા રેવા કઈ દીધુ. એ લોકો કે સે કે, પોલીસે કીધુ સે તમન બારા કાઢવાનું! બેન મારા સોકરાંઓ ને ઈના પરિવારને બીજે ઠેકાણે મોકલી દીધા. અમે ઘણા ટેમથી રેથળમાં રહીએ સીએ. અમારા મતપત્રક, રેશનકેડ હોત આંયના સે. અમને જમીન મલે ઈ હાટુ તો તમે ધોડા કરોસો. ગામનાય હા પાડતા તા પણ આ પોલીસના રોજ રોજના કેડાથી ઈયે કંટાળ્યા સે તે આજે બોલાઈને ગામમાંથી જતા રેવા કઈ દીધુ. હવે ક્યાં જવું બેન?’

મિત્તલ કહે છે કે ગાંધીનગર આ બાબતે ફરી લખીશ. પણ કેટલા કાગળ આ બાબતે અમે ચીતર્યા છે. ડીજીપી આ બાબતે નિર્ણય લે એવી અપેક્ષા રાખીએ છીએ પણ હાલ તો તેઓ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને ફલાણા ઢીકણા કાર્યક્રમમાં વ્યસ્ત છે. ઝટ ફ્રી થાય એવું ઈચ્છીએ... દર વખતે માંગવામાં આવેલા સમયમાં આવા કાર્યક્રમો જ નડી જાય છે. કંટાળો આવે છે અમને અને આ પ્રજાને...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp