ભાનુભાઈ વણકરની લાશ માંગે છે ન્યાય: કૂર્નીશી તંત્રને કરો સરાજાહેર સજા

PC: Khabarchhe.com

પાટણ કલેકટર કચેરી સામે જ કેરોસીન છાંટી અગન પિછોઢી ઓઢી લેનારા પૂર્વ તલાટી ભાનુભાઈ વણકરનો કરુણ અંત આવ્યો છે. સરકારે રાબેતા મુજબ તપાસ થઈ રહી હોવાનું ગાણું ગાયું છે. પોલીસ અને કલેકટર કચેરીમાં ચાલતા કોઠા-કબાડાનો જોટો જડવો મુશ્કેલ છે. આ એક દલિત યુવાનનું મોત નથી પણ નપાવટ તંત્રની નાલેશીનો બોલતો પુરાવો છે. તંત્ર પાસે લોકોના પ્રશ્નોના નિકાલ અપેક્ષા રાખવી એ તો બાવા આદમના જમાનાની વાત થઈ રહી છે ક્યાં છે બાપલા રામ રાજ્ય..કોઈ તો કહે. માત્ર ધર્મ વિશેષ અને જ્ઞાતિ વિશેષ વિરુધ્ધ ઝેર ઓકીને રાજ શાસન ચલાવતા લોકો પાસે સંવેદનશીલતાની અપેક્ષા રાખવી એ તો અંધારામાં ઘઉંમાંથી કંકર શોધવા જેવી વાત છે. 

ભાનુભાઈ વણકર સાબિતી છે કે તમારી પાસે મા-બેન એક કરવાની તાકાત નથી. તમારી પાસે રૂપિયાની કોથળી નથી તો સમજી લો કે તમારા કામ નહી. અહીંયા ઉપરથી છેક નીચે સુધી સડો છે. ઉધઈ એટલી બધી બાઝેલી છે કે કોઈ દવા કામ કરી શકે એમ નથી. ભ્રષ્ટાચારનો ભોરીંગ આવા તો કેટલાય ભાનુભાઈઓને અત્યાર સુધી ગળી ગયું છે.

કલેકટર કચેરીની વાત કરીએ તો જમીન માફીયાઓ અને દલાલોની રેલમછેલ હોય છે. જેટલા કાયદા બને છે એ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો કૌભાંડીઓ શોધી લે છે. રૂપિયા અને રાજકારણ ઉપરાંત જ્ઞાતિવાદનું વેરઝેર વહવટી તંત્રમાં ઊંડે સુધી ખૂંપી રહ્યું છે અને જો તંત્રવાહકો પોતાની ફરજને લોકહિત અને લોકકાર્યો તરફ નહી વાળશે અને આમને આમ રાજકારણીઓના ઈશારે કમા કરતા રહેશે તો યાદ રાખજો કે તંત્રના રખેવાળોને લોકો ઘરોમાંથી બહાર કાઢીને મારશે. 

ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આક્ષેપો પ્રતિઆક્ષેપો કરશે. વાતીયું પણ કરશે પરંતુ બેઝીક સવાલ અને મૂળભૂત સમસ્યાના કાયમી નિરાકરણ કરાવાની વાત કોઈ કરશે નહી. શા માટે લોકોએ જાતે સળગી જવું પડે છે અને સરકાર કોઈના મોતની રાહ કેમ જુએ છે અને લોકોનો તંત્ર પર ભરોસો ન હોય તો માત્ર સસ્પેન્શનથી ચલાવી લેવાય એમ નથી. 

ઉંઝા બનાવમાં સરકારે કદમ ઉઠાવ્યા પણ શું ગુજરાતમાંથી દલિત વિરોધી બનાવો બંધ થયા? અરે રોજેરોજ ક્યાંકને ક્યાંકથી દલિતો પર ત્રાસ અને અત્યાચાર અને હેરાનગતિના બનાવો બહાર આવી રહ્યા છે. સમસમાજની ભાવના મરી પરવારી છે. લોકોના મગજમાં વર્ણ પ્રથાનો એટલો બધો ડોઝ આપી દેવાયો છે કે અંત્યોદય રક્ષણની આંબેડકરની વિભાવનાને કોરાણે મૂકી દેવામાં આવી છે. પ્રશ્ન થાય છે કે આ બધું ક્યાં સુધી ચાલ્યા કરશે. માલેતુજારો માટે કુર્નીશી ફરજ બજાવતા આ તંત્રવાહકોને હવે સરાજાહેર સજા કરવામાં નહી આવે ત્યાં સુધી આ તંત્રનું નમાલુંપણુ જવાનું નથી. સસ્પેન્શન ઈઝ નોટ પનીશમેન્ટ. સસ્પેન્ડ કરવાથી સરકાર એમ સમજે કે ઘાત ટળી ગઈ તો સમજવું કે આ જ સરકારની માનસિકતા જોખમી છે. ઈજા થઈ હોય તો પગને આખોય કાપવાના બદલે તેની સારવાર કરવાની હોય. જો સરકાર આવી રીતે નહી વિચારે તો સમજી લો ગુજરાતમાં સામાજિક અરાજકતા સર્જાયા વગર રહેશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp